Get The App

કન્યા (પ.ઠ.ણ.) : આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. આપને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યું છે તેવું લાગે...

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
કન્યા (પ.ઠ.ણ.) : આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. આપને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યું છે તેવું લાગે... 1 - image

- આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ સારું પસાર થાય. વજનમાં વધારો જણાય. વારસાગત બીમારીમાં, જૂની બિમારીમાં આપને રાહત મળી રહે

વિક્રમ સંવત ૨૦૮૨ નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ-સાનુકૂળ રહે છે. શનિ તેમજ રાહુનું પરિભ્રમણ સારું રહેશે.

આરોગ્ય-સુખાકારી

આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ સારું પસાર થાય. વજનમાં વધારો જણાય. વારસાગત બીમારીમાં, જૂની બિમારીમાં આપને રાહત મળી રહે. આપના સ્વાસ્થ્યમાં સુધારો જણાય, પરંતુ માનસિક-પરિતાપ-વ્યગ્રતા આપને રહે.

તા. ૧૪ એપ્રિલ થી તા. ૧૫ મે દરમ્યાન આપને આંખોની તકલીફ જણાય. આંખોમાં ઇન્ફેક્શનથી સંભાળવું પડે. આંખોમાં જીવજંતુ કે અન્ય કોઈ વસ્તુ જવાને લીધે દર્દ-પીડા જણાય. તે સિવાય ગરમીના લીધે આપને તકલીફ થાય. લૂ લાગવાથી, શરીરમાં પાણી ઓછું થઈ જવાથી આપનું સ્વાસ્થ્ય બગડે. ચર્મરોગની તકલીફ જણાય. તા. ૧૧ મે થી તા. ૨૦ જૂન દરમ્યાન આપે પડવા-વાગવાથી-ફ્રેક્ચર-મચકોડથી સંભાળવું પડે. અગ્નિ-ઇલેકટ્રીકથી દાઝવાથી ધ્યાન રાખવું. વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે. અકસ્માતથી સંભાળવું. આ ઉપરાંત મોઢાની, દાંત-જડબાની ગરદનની, કાનની, ખભાની તકલીફ જણાય. દર્દ-પીડા રહે. આ ઉપરાંત તા. ૭ ડિસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમ્યાન આપને છાતીમાં દર્દ-પીડા જણાય. છાતી-ફેફસાં-હૃદયને લગતી જૂની કોઈ તકલીફ હોય તેમણે આ સમય દરમ્યાન સાવધાની રાખવી સમયસર દાક્તરી નિદાન કરાવી લેવું.

આર્થિક સુખ-સંપત્તિ

આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગસર માસથી અધિક જેઠ દરમ્યાન આપને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહ્યું છે તેવું લાગે. આવકમાં ઘટાડો થઈ રહ્યો છે તેવું અનુભવાય.

વર્ષ દરમ્યાન કોઈને કોઈ સામાજિક ખર્ચાઓ આવ્યા કરે. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને ખર્ચ રહે. સરકારી તપાસમાં ફસાઈ જવાને લીધે નાણાં હોવા છતાં આપ તેનો ઉપયોગ ના કરી શકો તેવું બને. કોર્ટ-કચેરીના કામમાં આપના ખર્ચમાં વધારો જણાય. કોઈને નાણાં આપવામાં ફસાઈ ન જાવ કે આપની મુશ્કેલી વધે નહીં તેનું ધ્યાન આપે રાખવું પડે. સાસરી પક્ષે - મોસાળ પક્ષે ખર્ચ-ખરીદી જણાય.

તા. ૧૮ ઓગસ્ટ થી તા. ૧૭ સપ્ટેમ્બર અને તા. ૩૧ ઓક્ટોબર પછીનો સમય આપને નાણાંકીય મુશ્કેલી જણાય. કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓને લીધે આપને નાણાંભીડ અનુભવાય.

પરંતુ વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બરથી તેમજ તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન આપને નાણાંકીય દ્રષ્ટિએ સારું રહે. આવકમાં વધારો જણાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો આપને મળી રહે. ધંધામાં નવી ઘરાકી બંધાતા આવકમાં વધારો થાય. જૂના ફસાઈ ગયેલાં નાંણા છૂટા થવાથી આપને રાહતની સાથે આનંદની લાગણી અનુભવાય.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક-પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગસર થી અધિક જેઠ માસ દરમ્યાન આપને માતા-પિતાના આરોગ્ય બાબતે આપને ચિંતા જણાય. દોડધામ રહે. તે ઉપરાંત વર્ષ દરમ્યાન પત્નીના આરોગ્ય બાબતે પણ આપ ચિંતાતુર રહો. પત્ની સાથે નાની-નાની વાતમાં વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી આપે સંભાળવું પડે. પરંતુ સંતાનથી આપને રાહત રહે. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબરનો સમય પારિવારીક દ્રષ્ટિએ સારો રહે. સંતાનના પ્રશ્નનું નિરાકરણ આવે. તેના વિવાહ લગ્ન અંગે વાતચીત આવે કે નક્કી થાય. તેના અભ્યાસ કારકીર્દિનું ગોઠવાઈ જતાં કે તેમાં પ્રગતિ થતાં આપને આનંદ અનુભવાય. માતા-પિતાના આરોગ્યમાં સુધારો જણાય. પત્ની સાથે વાદ-વિવાદ દૂર થાય. તેનો સાથ-સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વિક્રમ સંવત ૨૦૮૨ નું વર્ષ આપના માટે આરોહ-અવરોહવાળું રહેશે. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ-સાનુકુળ રહે છે. રાહુ-શનિનું પરિભ્રમણ આપને રાહત આપનારું બની રહેશે.

માગસર વદ એકમ તા. ૫ ડિસેમ્બર થી અધિક જેઠ વદ એકમના ૧ જૂન સુધી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહેશે. આ સમય દરમ્યાન આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપની વ્યસ્તતામાં વધારો જણાય. આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ ના કામમાં આપને દોડધામ-શ્રમ જણાય. આપના સહકર્મીનું કાર્ય આપની પાસે આવવાથી આપના કાર્યભારમાં વધારો જણાય. જો કે કેટલાક કામનો ઉકેલ આવતાં રાહત શાંતિ થતાં જાય. વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ સાનુકુળ રહેતાં આપને કામકાજમાં આકસ્મિક સરળતા મળી રહે. આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર આપને મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. આપને લાભ-ફાયદો મળી રહે. તા. ૭ ડિસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી દરમ્યાન રાજકીય-સરકારી કનડગત-ખાતાકીય તપાસથી સંભાળવું પડે. રાજકીય-સરકારી કામમાં કોઈને કોઈ રૂકાવટ આવ્યા કરે. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગની મુશ્કેલી જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. કોઈ બાબતે કોર્ટ કેસ ચાલતો હોય તો સાવધાની રાખવી પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?

ધંધાકીય દ્રષ્ટિએ સંવત ૨૦૮૨ નું વર્ષ આપના માટે ઉતાર-ચઢાવવાળું રહે. ક્યારેક કામમાં સરળતા જણાય તો ક્યારેક કામમાં નાની બાબતના લીધે પણ આપને દોડધામ જણાય. વર્ષના પ્રારંભ થી તા. ૫ ડિસેમ્બર દરમ્યાન ગુરૂ સારો રહે. ધંધામાં આપ મહેનત કરો તેના પ્રમાણમાં પરિણામ મળી રહે. પુખ્ત ઉંમરના સંતાનની સહાયતા મળી રહે. પરંતુ તા. ૫ સપ્ટેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન આપના કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો જણાય. આપ મહેનત કરો તેના પ્રમાણમાં પરિણામ મળે નહીં. આપના કામ થાય ખરા પરંતુ સમય અવધી લંબાવવાને લીધે આપની વ્યસ્તતા-દોડધામ વધે. નફામાં નુકસાન ભોગવવું પડે. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે. આપના કાર્યનો ઝડપથી ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આપને લાભ ફાયદો જણાય. આવકમાં વધારો જણાય. વાણીની મીઠાશથી નવા ગ્રાહકોને આકર્ષી શકો. આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી આપને આનંદ રહે. પરદેશના કામ થઈ શકે. ઉપરીવર્ગ આપના કાર્યથી ખુશ થાય.

તા. ૭ ડિસે. થી તા. ૧૫ જાન્યુ. દરમ્યાન જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ધીરજ રાખવી. સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ધ્યાન આપી શકો નહીં. કોર્ટ કચેરીના પ્રશ્ને સાવધાની રાખવી પડે. તે સિવાય સરકારી-ખાતાકીય તકલીફ રહે.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ મધ્યમ રહે. વ્યવસાયી-નોકરીયાત મહિલાઓને કામકાજ અંગેની વ્યસ્તતા-દોડધામમાં વધારો થાય. આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક, કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે. આપના ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. પરંતુ તા. ૧ જૂનથી આપના કામકાજમાં સાનુકૂળતા થતી જાય. આપના કાર્યમાં પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. તે આપને સમજવાનો પ્રયાસ કરે. નોકરીયાત વર્ગને બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. વ્યવસાયી મહિલાને લાભ-ફાયદો મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. પરંતુ દિવાળી સમયે આપને નાણાંકીય બાબતે ધ્યાન રાખવું પડે.

ખેડૂત વર્ગ

ખેડૂતવર્ગ માટે વર્ષ આરોહ-અવરોહવાળું રહે. વર્ષ દરમ્યાન આપે યોગ્ય સમયે યોગ્ય પાક લેવાનું રાખવું. નોકરી-ધંધાની સાથે ખેતીકામ કરનારાની વ્યસ્તતા-દોડધામમાં વધારો થાય. વર્ષની મધ્ય સુધીનો સમય આપના માટે મધ્યમ રહે. અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાને લીધે ખેતીકામમાં ધ્યાન આપી શકો નહીં. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપને ધીમે-ધીમે સરળતા થતી જાય. આપના કામમાં સાનુકૂળતા મળી રહે. પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. પાક સારો થતાં આવક સારી થાય. આપને લાભ-ફાયદો મળી રહે. પરંતુ આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોબરથી આપે ધ્યાન રાખવું પડે. આકસ્મિક વરસાદ વાવાઝોડાને લીધે કે અન્ય કારણોસર ઉભા પાકને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું પડે.

ઉપસંહાર

ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ઉતાર-ચઢાવવાળું રહેશે. ક્યારેક કામમાં એકદમ સરળતા જણાય. કામનો ફટાફટ ઉકેલ આવતો જાય. આપના કાર્યમાં અન્યનો સહકાર પણ મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય તો ક્યારેક આપને કામમાં નાની-નાની વાતના લીધે રૂકાવટ જણાય. આયોજન મુજબ, ધાર્યા પ્રમાણે કામ કરવામાં આપને મુશ્કેલી જણાય. આપના કાર્ય માટેની દોડધામ-વ્યસ્તતામાં વધારો જણાય. આપના કાર્યની સાથે અન્ય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. નાણાંકીય રીતે વર્ષ મધ્યમ રહેશે.

વિદ્યાર્થી વર્ગ

વિદ્યાર્થીવર્ગે વર્ષ દરમ્યાન અભ્યાસ અંગેનું આયોજન કરી તે પ્રમાણે મહેનત કરવી. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજ-મજામાં આપે અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. તે સિવાય આપે લાગણી-મિત્રતાના સંબંધમાં તણાઈ જવું નહીં. તા. ૧ જૂન સુધીનો સમય મધ્યમ છે. તેથી આપે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. જાત મહેનત પર વિશ્વાસ રાખવો. મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં. કારકીર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પડે. પરીક્ષા દરમ્યાન અન્યના લીધે આપ ફસાઈ ન જાવ તેનું આપે ધ્યાન રાખવું પડે. ત્યાર પછીનો સમય આપના માટે સારો રહે. અભ્યાસમાં સાનુકૂળતા મળી રહે. આપના મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરી શકો.

કૌટુંબિક-પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માગસર થી અધિક જેઠ માસ દરમ્યાન આપને માતા-પિતાના આરોગ્ય બાબતે આપને ચિંતા જણાય. દોડધામ રહે.