જાણો નવા વાહનની પૂજા કરવી શા માટે છે જરૂરી ?
અમદાવાદ, 29 નવેમ્બર 2018, ગુરુવાર
નવી કાર કે બાઈક ઘરમાં જે પણ વાહન નવું આવે છે તેની પૂજા અચૂક કરવામાં આવે છે. પરંતુ આ પૂજા કરવાનું કારણ શું છે તમે જાણો છો ? વાહનની પૂજા કરવાથી શું લાભ થાય છે ? આવો પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે જાણી લો તેનો જવાબ. હિંદૂ ધર્મમાં વાહનને ગરુડ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે. ગરુડજીની કૃપાથી જ વ્યક્તિ યાત્રા કરે છે. એવી માન્યતા છે કે ગરુડજીની કૃપા હોય તો જ વ્યક્તિ યાત્રાની મજા માણી શકે છે.
માન્યતા એવી પણ છે કે નવી કાર ખરીદો ત્યારે તેની પૂજા અચૂક કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિની યાત્રા સુરક્ષિત રહે છે. પૂજા કરવાથી વાહન પણ દુર્ઘટનાથી બચી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોના વાહન વારંવાર ખરાબ થતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાહનનું વારંવાર ખરાબ થવું શનિ અને મંગળની નબળી સ્થિતી દર્શાવે છે. શનિ અને મંગળ નબળા હોય તો વ્યક્તિને વાહન સુખ મળતું નથી. આવી દશામાં અકસ્માત થવાની સંભાવના પણ વધારે રહે છે. વાહન સુખ મળે તે માટે જરૂરી છે કે શનિ અને મંગળની સ્થિતી મજબૂત હોય.
પૂજા વિધિ
વાહન પૂજા કરવા માટે કપૂર, નાળિયેર, ફૂલમાલા, કળશ, ગોળ અથવા મિઠાઈ, નાડાછળી, સિંદૂર, ઘી જેવી વસ્તુઓ જરૂરી હોય છે. ઘરમાં વાહન આવે એટલે સૌથી પહેલા તેના પર ગંગાજળ છાંટી અને પવિત્ર કરવું. ત્યારબાદ તેના પર સ્વસ્તિક બનાવી અને ફૂલ હાર પહેરાવવો. વાહનની અંદર નાળાછળી બાંધવી અને કપૂરથી આરતી કરવી. કળશમાં રાખેલું પાણી વાહનની ડાબી અને જમણી તરફ રેડવું અને થાળીમાં રાખેલી મીઠાઈ ગાયને ખવડાવી દેવી.