Get The App

વાસ્તુ ટિપ્સ: ઘરના રસોડાના ફર્નિચરમાં ક્યારેય ન કરવો જોઈએ આ રંગનો ઉપયોગ, નહીંતર રાહુ-શનિનો પડશે પ્રભાવ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
વાસ્તુ ટિપ્સ: ઘરના રસોડાના ફર્નિચરમાં ક્યારેય ન કરવો જોઈએ આ રંગનો ઉપયોગ, નહીંતર રાહુ-શનિનો પડશે પ્રભાવ 1 - image


Kitchen Slab Vastu Tips: વાસ્તુશાસ્ત્ર માત્ર ઇમારતોની દિશા અથવા ડિઝાઇન નહીં, પરંતુ તે ઉર્જા સંતુલનનું વિજ્ઞાન છે. દરેક દિશા, રંગ અને સામાનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. વાસ્તુમાં જણાવ્યા પ્રમાણે રસોડું ઘરની ઉર્જાનું કેન્દ્ર હોય છે. જ્યાંથી આરોગ્ય, સમૃદ્ધિ અને સંબંધોની ઉર્જા નીકળે છે. પરંતુ જો રસોડામાં વાસ્તુના નિયમોનું પાલન ન કરવામાં આવે તો, નકારાત્મકતાને આમંત્રિત કરી શકે છે. રસોડામાં કાળા રંગના ઉપયોગને પણ દોષ માનવામાં આવે છે, જે શનિ અને રાહુ જેવા પાપ ગ્રહો સાથે જોડાયેલ હોય છે. એવું માનવામાં આવે છે કે, આ ગ્રહોની નકારાત્મક ઉર્જા રસોઈના માધ્યમથી આખા ઘરમાં ફેલાઈ શકે છે.  

રસોડામાં રંગોનું મહત્ત્વ :

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રંગો માત્ર સુંદરતામાં વધારો કરતા નથી, પરંતુ મનોવિજ્ઞાન અને ઉર્જા પર પણ ઊંડી અસર કરે છે. રસોડામાં જ્યાં અગ્નિ તત્વનું વર્ચસ્વ હોય છે, ત્યાં રંગોનું સંતુલન અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ સ્થાન ઘરના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે સંકળાયેલું છે. લાલ અને નારંગી રંગો ઉર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહને પ્રોત્સાહન આપે છે, તેથી રસોડામાં આ રંગોનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. પીળો અને ક્રીમ રંગ સમૃદ્ધિ, પવિત્રતા અને સૌમ્યતાનું પ્રતીક છે, જે માનસિક શાંતિ વધારે છે. લીલો રંગ સંતુલન અને તાજગીનું પ્રતિનિધિત્વ કરે છે, જે રસોડામાં સકારાત્મકતા જાળવવામાં મદદ કરે છે. 

આ સાથે તેનાથી વિપરીત એટલે કે કાળો રંગ નકારાત્મકતા, તણાવ અને ભારે ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને રસોડામાં કાળા રંગનો ઉપયોગ અગ્નિ તત્ત્વ સાથે મેળ ખાતો નથી, જેના કારણે શનિ અને રાહુ જેવા પાપ ગ્રહોની નકારાત્મક ઉર્જા ઘરમાં એક્ટિવ થઈ શકે છે. આ કારણે રસોડામાં કાળા રંગનો ઉપયોગ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હાનિકારક માનવામાં આવે છે.

કાળો રંગ:  કેમ અશુભ માનવામાં આવે છે?

અગ્નિ તત્ત્વ અને શનિનો સંઘર્ષ:

રસોડું એ અગ્નિનું સ્થાન છે, અને કાળો રંગ શનિનું પ્રતિનિધિત્વ કરે છે, જે એક ઠંડો અને ભારે ગ્રહ છે. અગ્નિ અને શનિનો ટકરાવ ઘરમાલિકના જીવનમાં સંઘર્ષ, અવરોધો અને તણાવ લાવી શકે છે.

રાહુનો પ્રભાવ:

રાહુ એ છાયા ગ્રહ છે, જે ભ્રમ, માનસિક તણાવ અને અચાનક સમસ્યાઓનું કારણ બને છે. કાળા રંગની સપાટી રાહુની ઉર્જાને સક્રિય કરી શકે છે, જેના કારણે રસોડામાં માનસિક અસંતુલન અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો જન્મ થાય છે.

આરોગ્ય પર અસર:

એવું માનવામાં આવે છે કે, કાળા રંગ પર રાંધેલ ખોરાકથી શરીર અને મન બંને ભારે બને છે. તેની પાચનતંત્ર અને માનસિક શાંતિ પર સીધી અસર પડે છે.

નાણાકીય અવરોધો:

શનિ-રાહુ દોષ આર્થિક બાબતોમાં અવરોધો, નુકસાન અને બિનજરૂરી પૈસાના બગાડનું કારણ બને છે. અણધાર્યા ખર્ચા આવે છે અને ઘરમાં પૈસા ટકતા નથી.

કાળા રંગના સ્લેબથી ઉદ્ભવતી સંભવિત સમસ્યાઓ:

  • પરિવારમાં ઝઘડા- કંકાસ, અને વૈચારિક મતભેદો
  • સ્ત્રીઓમાં માનસિક તણાવ અને થાક
  • બાળકોના અભ્યાસમાં અવરોધો
  • રસોડામાં વસ્તુઓનું વારંવાર તૂટવું અથવા ખરાબ થવું
  • આગ કે પાણી સંબંધિત નાની દુર્ઘટનાઓ થવી 

જો રસોડામાં પહેલાંથી જ કાળા રંગનો સ્લેબ હોય તો શું કરવું?

જો તમારા રસોડામાં પહેલાથી જ કાળા રંગનો સ્લેબ હોય અને તેને બદલવો શક્ય ન હોય, તો ગભરાવાની જરૂર નથી. વાસ્તુમાં દરેક ખામીનો ઉકેલ છે. કેટલાક સરળ અને અસરકારક ઉપાયો આ પ્રમાણે છે. 

વાસ્તુ ઉપાય: કાળા સ્લેબના દોષને કેવી રીતે શાંત કરવો

  • સ્લેબ પર સફેદ કે આછા રંગની મેટ રાખો. 
  • જો તમે સ્લેબ બદલી શકતા નથી, તો તેના પર સફેદ કે પીળા કાપડની સાદડી અથવા જાડી ટ્રે મેટ મૂકો.
  • સ્લેબના ખૂણા પર લાલ સિંદૂર અથવા હળદરનું તિલક લગાવો:
  • આ અગ્નિ તત્ત્વને એક્ટિવ કરે છે અને શનિની ઉર્જાને સંતુલિત કરે છે.

રોજ સવારે રસોડામાં કપૂર પ્રગટાવો:

કપૂર વાતાવરણને શુદ્ધ બનાવે છે અને રાહુની નકારાત્મકતાને દૂર કરે છે.

તાંબાનું વાસણ રાખો:

તાંબુ મંગળની ધાતુ છે, જે શનિના દોષને નિયંત્રિત કરે છે. તેને સ્લેબ પર એક ખૂણામાં મૂકો.

મા અન્નપૂર્ણા અથવા મા લક્ષ્મીની તસવીર મૂકો:

તેનાથી સકારાત્મક ઉર્જા જાળવાઈ રહે છે, અને દેવી રસોડામાં વાસ કરે છે.

દિવાલો અથવા દરવાજાને આછા રંગોમાં રંગો :

જો સ્લેબ કાળો હોય, તો દિવાલોને આછા પીળા, નારંગી અથવા ક્રીમ રંગથી રંગીને કલરનું બેલેન્સ કરી શકાય છે. 

સૂચન: રસોડા માટે વાસ્તુ મુજબ યોગ્ય સ્લેબ રંગ

રસોડું બનાવતી વખતે અથવા નવીનીકરણ કરતી વખતે, વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્લેબનો રંગ પસંદ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે ઘરની ઉર્જા અને વાતાવરણને અસર કરે છે. લીલો રંગ રસોડામાં શાંતિ અને તાજગી ફેલાવે છે, જે સકારાત્મકતા જાળવી રાખે છે. ક્રીમ અથવા ઓફ-વ્હાઇટ રંગો સમૃદ્ધિ અને શુદ્ધતાનું પ્રતીક છે, જે રસોડામાં શાંતિ અને શુભ વાતાવરણ બનાવે છે. આછો વાદળી રંગ માનસિક સંતુલન જાળવવામાં મદદ કરે છે અને તણાવ ઘટાડે છે. તો ગુલાબી રંગ સૌમ્યતા અને પ્રેમનું પ્રતીક છે, જે કૌટુંબિક સંબંધોમાં ખુશી લાવે છે.

Tags :