Get The App

ક્યારે છે વસંત પંચમી? જાણો મુહૂર્ત, પૂજન વિધિ અને ખાસ મહાત્મ્ય

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ક્યારે છે વસંત પંચમી? જાણો મુહૂર્ત, પૂજન વિધિ અને ખાસ મહાત્મ્ય 1 - image


Vasant Panchami 2026: વસંત પંચમી દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસ માતા સરસ્વતીને સમર્પિત છે. માતા સરસ્વતીને જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે તેમની પૂજા કરવાથી મન શાંત રહે છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. આ દિવસ અભ્યાસ, સંગીત, કલા અથવા શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ માનવામાં આવે છે.

માતા સરસ્વતીને શારદા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીને શ્રી પંચમી અને સરસ્વતી પૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે માતા સરસ્વતી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને તેમનો જન્મદિવસ પણ માનવામાં આવે છે.

વસંત પંચમી 2026ની તારીખ અને તિથિ

દ્રિક પંચાગ પ્રમાણે વસંત પંચમીની 23 જાન્યુઆરીના રોજ મધ્ય રાત્રિએ 2:28 વાગ્યે શરુ થશે અને 24 જાન્યુઆરીના રોજ 1:46 વાગ્યે તિથિનું સમાપન થશે. 

સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત

આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7:15 મિનિટથી લઈને બપોરે 12:50 વાગ્યા સુધી રહેશે. એવી માન્યતા છે કે, આ સમયે પૂજા કરવાથી સારું ફળ મળે છે. 

વસંત પંચમીની પૂજન વિધિ

વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. તમારા સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખો અને સ્નાન કરતી વખતે હર હર ગંગે, હર હર યમુના અને હર હર સરસ્વતીનો જાપ કરો. ત્યારબાદ તમારા ઘરના મંદિરની સાફ-સફાઈ કરો. પછી ચોકી પર પીળા રંગનું કપડું પાથરો અને તેના પર માતા સરસ્વતીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો. માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પીળા ફૂલ અર્પણ કરો. હળદર અથવા પીળા રંગનું તિલક લગાવો અને પીળી મીઠાઈનો ભોગ લગાવો. જો તમને માતા સરસ્વતીનો કોઈ મંત્ર આવડતો હોય, તો તેનો જાપ કરો, નહીંતર સરળતાથી તેમની આરતી કરો. અંતે માતાને પ્રણામ કરો અને પોતાની મનોકામના તેમને કહો. 

આ પણ વાંચો: ટેરિફ-ટેરિફ કરતા રહી ગયા ટ્રમ્પ અને ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર બની ગયું ચીન

હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું મહત્ત્વ

વસંત પંચમીથી વસંત ઋતુની શરુઆત થાય છે. આ તહેવાર પ્રેમ અને ઉલ્લાસથી જોડાયેલા મદનોત્સવ સાથે પણ સંકળાયેલો છે. કેટલીક પરંપરાઓમાં આ જ દિવસથી રતિકામ મહોત્સવની શરુઆત થાય છે. વસંત પંચમીને અબૂઝ મુહૂર્ત પણ માનવામાં આવે છે, જેનો અર્થ એ થાય કે આ દિવસે મુહૂર્ત જોયા વિના પણ શુભ કામ કરવામાં આવે છે. આ દિવસે બાળકોનું શિક્ષણ શરુ કરવું, નવું કામ કે વ્યવસાય શરુ કરવો, મુંડન સંસ્કાર, અન્નપ્રાશન અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.