જાણો આમ્રપાલી વિશે જેની સુંદરતા બની ગઈ શ્રાપ, નગરવધૂ તરીકે થઈ વિખ્યાત
અમદાવાદ, 28 નવેમ્બર 2018, બુધવાર
આમ્રપાલી એક નગરવધૂ તરીકે વિખ્યાત હતી. તેની સુંદરતાની ચર્ચા દૂર દૂર સુધી હતી. તેને કોઈ ઓળખની પણ જરૂર ન હતી. ઈતિહાસમાં પણ અતિસુંદર એવી નગરવધૂ આમ્રપાલીનું વર્ણન મળે છે. ઈતિહાસકારોના વર્ણન અનુસાર તેની મોટી મોટી આંખો, સુંદર ચહેરો અને કમનીય કાયા હતી. તેને જોઈને લાગે કે જાણે ઈશ્વરએ તેને સમય કાઢીને બનાવી છે. આમ્રપાલીની સુંદરતા તેની ઓળખ હતી પરંતુ તે સુંદરતા જ તેના માટે શ્રાપ બની ગઈ હતી. સુંદરતાના કારણે જ આમ્રપાલીને એક નગરવધૂ તરીકે જીવન જીવવું પડ્યું હતું.
આમ્રપાલીના માતા પિતા કોણ હતા તે કોઈ જાણતું નથી. જેણે તેનું પાલન પોષણ કર્યું તે વ્યક્તિને આમ્રપાલી એક આંબા નીચેથી મળી હતી તેથી તેનું નામ આમ્રપાલી રાખવામાં આવ્યું. આમ્રપાલી નાનપણથી સુંદર હતી. તેની કાયા અત્યંત આકર્ષક હતી. જે પણ તેને એકવાર જોઈ લે તે તેણીને ભુલી શકતું નહી. જેમ જેમ આમ્રપાલી યુવાન થઈ તેમ તેમ તેની સુંદરતા ચમરસીમાએ પહોંચી ગઈ. આમ્રપાલી વૈશાલી નામના નગરમાં રહેતી હતી. તેની સુંદરતા એવી હતી કે દરેક વ્યક્તિ તેને પોતાની બનાવવા બેતાબ રહેતા. દરેક પુરુષ તેને પોતાની પત્ની બનાવવા ઈચ્છુક રહેતો. પુરુષોમાં આમ્રપાલીનું આકર્ષણ એટલું વધ્યું કે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ ગયા.
આ જોઈ યુવકોના માતા પિતા ચિંતામાં પડી ગયા તે આમ્રપાલીના લગ્ન જો કોઈ એક યુવક સાથે થયા તો અન્ય તમામ તેના જીવના દુશ્મન બની જશે અને વૈશાલી નગરમાં અનર્થ સર્જાશે. આ સમસ્યાનું સમાધાન મેળવવા માટે વૈશાલીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં આવેલા તમામ પુરુષ આમ્રપાલી સાથે લગ્ન કરવા ઉત્સુક હતા. આ સભામાં અંતે નગરવાસીઓએ મળી અને નક્કી કર્યું તે આમ્રપાલી વૈશાલીમાં નગરવધૂ એટલે કે વૈશ્યા બનીને રહેશે જેથી દરેક પુરુષ તેનો સાથ માણી શકે.
આમ્રપાલીએ લોકોના નિર્ણયને પોતાનું ભાગ્ય માની સ્વીકાર્યો અને વર્ષો સુધી વૈશાલી નગરમાં લોકોનું મનોરંજન તેણે કર્યું. પરંતુ એક સમયે તે બધું જ છોડી અને ગૌતમ બુદ્ધના શરણમાં ગઈ અને ત્યાં જ ભિક્ષુણી બની જીવન જીવવા લાગી.