Papmochani Ekadashi 2025: હિન્દુ ધર્મમાં એકાદશીનું અત્યંત મહત્ત્વ છે. દરેક માસમાં બે એકાદશી આવે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં એટલે કે ચૈત્ર નવરાત્રિ પહેલાં આવતી એકાદશીને પાપમોચની એકાદશી કહેવાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપોથી મુક્તિ મળે છે તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી મનોકામના પણ પૂરી થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું અને કયા મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ મળે છે, તેના વિશે જાણીએ.
આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનો મળશે સ્નેહ
પાપમોચની એકાદશીની ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને જગ્યાએ એક જ દિવસે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત કરવા માંગતા ભક્તો માટે આ એકાદશીનું વ્રત રાખવાની ભલામણ કરવામાં આવે છે. પાપમોચની એકાદશીએ ભક્તોએ ધાર્મિક વિધિઓ અનુસાર સ્નાન, ધ્યાન અને લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ. આ પછી અન્નદાન કરો અને એકાદશી પૂર્ણ કરો.
મંગળવારે વ્રત કરવું, બુધવારે પારણા કરવા
પંચાંગ પ્રમાણે આ વર્ષે પાપમોચની એકાદશી આવતીકાલે 25 માર્ચ 2025 ના રોજ સવારે 5.05 મિનિટે શરુ થશે. જે 26 માર્ચે સવારે 3:45 મિનિટે પૂર્ણ થશે. એટલે કે આ વર્ષે પાપમોચની એકાદશી 25 માર્ચ અને મંગળવારે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રી હરિની પૂજા કરીને વ્રત કરવું અને બીજા દિવસે એટલે કે 26 માર્ચ અને બુધવારે વ્રતના પારણા કરવામાં આવશે.
પાપમોચની એકાદશી પર કરો આ મંત્રોનો જાપ
ॐ નમો ભગવતે વાસુદેવાય ।।
ॐ વિષ્ણવે નમ: ।।
ॐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।।
એકાદશી કરવાથી દુઃખમાંથી મળે છે મુક્તિ
આ પાપમોચની એકાદશી પર એક દુર્લભ શિવયોગ બની રહ્યો છે. આ સાથે શિવ અને સિદ્ધ યોગનું સંયોજન પણ થઈ રહ્યું છે. આ યોગમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તને ઇચ્છિત ફળ મળશે. આ ઉપરાંત એવુ પણ કહેવાય છે કે, આ એકાદશી વ્રત કરવાથી તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે.
પાપમોચની એકાદશી વ્રતનો મહિમા
પદ્મ પુરાણ અનુસાર જ્યારે રાજા મંદાતા પોતાના પાપના કારણે દુઃખી હતા, તો તેમને પાપમોચની એકાદશીનું વ્રત કરવાનું કહેવામાં આવ્યું હતું. રાજાએ આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તેમણે કરેલા પાપમાંથી મુક્તિ મળી. પાપમોચની એકાદશી વ્રતનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં અર્જુનને જણાવ્યો હતો.


