આ તિથિ પર ન કરવા શુભ કામ, જાણો શુભ અને અશુભ તિથિના પ્રકાર
નવી દિલ્હી, 15 નવેમ્બર 2019, શુક્રવાર
સનાતન સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી તિથિનું મહત્વ રહ્યું છે. વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના રહસ્યોનું સમાધાન લાવવામાં ભારતીય ઋષિ, સન્યાસીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. દિવસ, રાત અને અંધકાર, પ્રકાશ સુધીની તમામ ઘટનાઓનું જ્ઞાન આપણા વિદ્વાનોને પ્રાચીનકાળથી હતું. એટલે કે પંચાંગની ગણનાનું મહત્વ આપણા સમાજમાં વર્ષોથી છે. વર્ષને 12 માસ અને 12 માસને વિવિધ તિથિ તેમજ પક્ષમાં વિભાજીત કરવામાં આવ્યા છે. માસની દરેક તિથિનું પણ ખાસ મહત્વ હોય છે. તે અનુસાર જ શુભ અને અશુભ કાર્યો સંપન્ન કરવામાં આવે છે. મુખ્યત્વે તિથિને પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેના પરથી એ નક્કી કરવામાં આવે છે કે કયું કાર્ય ક્યારે કરવું જોઈએ. તિથિના આ પ્રકાર નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા છે.
નંદા તિથિ
નંદા તિથિની ગણના શુભ તિથિમાં થાય છે. પ્રતિપદા, ષષ્ઠી અને એકાદશી નંદા તિથિ કહેવાય છે. વેપારની શરૂઆત કરવા કે વેપાર સંબંધિત કાર્ય કરવા માટે આ તિથિઓને શુભ માનવામાં આવે છે. ભવન નિર્માણ કાર્ય પ્રારંભ કરવા માટે પણ આ તિથિ શુભ ફળદાયી માનવામાં આવે છે.
ભદ્રા તિથિ
ભદ્રા તિથિને પણ શુભ માનવામાં આવે છે. બીજ, સપ્તમી અને બારશની તિથિને ભદ્રા કહેવામાં આવે છે. ભદ્રા તિથિમાં અનાજ, દૂધાળા પશુ, વાહન વગેરેની ખરીદી કરવી શુભ ગણાય છે. માન્યતા છે કે આ તિથિ પર કરેલી ખરીદી સમૃદ્ધિ આપે છે.
જયા તિથિ
આ તિથિ પણ શુભ ગણાય છે. તેમાં ત્રીજ, અષ્ટમી, તેરસનો સમાવેશ થાય છે. આ તિથિ પર શક્તિ સંબંધિત કાર્યો, કોર્ટ કેસ, શસ્ત્રોની ખરીદી, વાહન ખરીદવું શુભ ગણાય છે.
રિક્તા તિથિ
પંચાંગમાં ચોથ, નવમી, ચૌદશ રિક્તા તિથિ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર રિક્તા તિથિઓમાં ગૃહસ્થ લોકોએ શુભ કાર્યો કરવા જોઈએ નહીં. આ તિથિ તંત્ર, મંત્રના કાર્યો માટે શુભ ગણાય છે.
પૂર્ણા તિથિ
પૂર્ણા તિથિ એટલે કે પાંચમ, દશમી અને પૂનમ. આ તિથિ પર સગાઈ , લગ્ન, ભોજન સમારંભ વગેરે કાર્યો કરવા જોઈએ.
આ તિથિ ઉપરાંત કેટલીક તિથિ શૂન્ય માનવામાં આવે છે. આ તિથિઓ પર વિવાહ કાર્ય કરવા જોઈએ નહીં. પરંતુ કેટલાક અન્ય કામ થઈ શકે છે. આ તિથિમાં ચૈત્ર માસની આઠમ, વૈશાખ કૃષ્ણ નવમી, જેષ્ઠ કૃષ્ણ ચતુર્દશી, જેઠ શુક્લ તેરસ, અષાઢ કૃષ્ણ ષષ્ઠી, શ્રાવણી કૃષ્ણ બીજ અને ત્રીજ, આસો કૃષ્ણ દશમી અને એકાદશી, કારતક કૃષ્ણ પંચમી સહિતની તિથિઓનો સમાવેશ થાય છે.