Image Source: Freepik
અમદાવાદ, તા. 27 જૂન 2023 મંગળવાર
આ વર્ષે પંચાંગ અનુસાર ચાતુર્માસની શરૂઆત દેવપોઢી એકાદશીથી થશે અને તેનું સમાપન દેવઉઠી એકાદશી પર થશે. ગુરૂવારે 29 જૂન 2023થી ચાતુર્માસ શરૂ થઈ જશે અને 23 નવેમ્બર 2023એ આ પૂર્ણ થશે. અધિકમાસ હોવાના કારણે આ વર્ષે ચાતુર્માસ ચાર મહિનાનો નહીં પરંતુ પાંચ મહિનાનો હશે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસને ખૂબ જ પુણ્યકારી માનવામાં આવ્યો છે પરંતુ ધાર્મિક માન્યતા સાથે જ આયુર્વેદમાં પણ ચાતુર્માસ વિશે જણાવાયુ છે.
ભારતીય સંસ્કૃતિ ઋષિ-મુનિઓની જ દેન છે. આપણા ઋષિ મુનિ પ્રાચીન સમયમા શોધકર્તા પણ કહેવાય છે કેમ કે ઋષિ-મુનિઓના તપ, જ્ઞાન અને શોધના કારણે જ આપણને ભારતીય સંસ્કૃતિનો અનમોલ વારસો મળ્યો. ભારતીય સનાતન સંસ્કૃતિને સમૃદ્ધ કરવામાં ઋષિ મુનિઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે.
ચાતુર્માસનું મહત્વ
ચાતુર્માસ તે સમય હોય છે જ્યારે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. દેવની ગેરહાજરીમાં સમગ્ર ચાર મહિના સુધી કોઈ પણ પ્રકારનું શુભ-માંગલિક કાર્ય જેમ કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, જનોઈ સંસ્કાર વગેરે થતા નથી પરંતુ ધર્મ સાથે જ આયુર્વેદમાં પણ ચાતુર્માસના મહત્વ વિશે જણાવાયુ છે અને આ દરમિયાન અમુક બાબતોને આરોગ્ય માટે હાનિકારક ગણાવાઈ છે.
ચાતુર્માસ અને આયુર્વેદનો સંબંધ
ચાતુર્માસમાં માંસાહાર ભોજન, મદિરા, પાંદડાવાળી શાકભાજી અને દહીંનું સેવન કરવુ જોઈએ નહીં પરંતુ શું તમે જાણો છો કે કેમ ચાતુર્માસમાં આ વસ્તુઓનું સેવન કરવાની મનાઈ છે. આ વિશે આયુર્વેદમાં જણાવાયુ છે કે ચાતુર્માસના ચાર મહિનામાં મોસમમાં પરિવર્તન થાય છે. શ્રાવણમાં વરસાદ પડે છે, ભાદરવામાં ભીનાશ હોય છે, આસોમાં જતી ગરમી અને કારતકમાં ઠંડીની શરૂઆત થવા લાગે છે.
દરમિયાન ચાર મહિનામાં પાચન શક્તિ પણ કમજોર રહે છે. કેમ કે હવામાનમાં પરિવર્તનના કારણે શરીર અને આસપાસના તાપમાનમાં સતત ઉતાર-ચઢાવ થાય છે. સાથે જ આ સમયે રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા કે વાયરસ પણ વધવા લાગે છે. જો તમે આ સમયે વધુ મસાલેદાર કે તામસિક ભોજન કરશો તો ભોજન યોગ્ય રીતે પચશે નહીં અને આનાથી ઘણા પ્રકારના રોગ થવાનું જોખમ વધી જશે. આ જ કારણ છે કે આયુર્વેદમાં શ્રાવણના મહિનામાં પાંદડાવાળી શાકભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને આનાથી બનેલા પદાર્થ અને કારતકમાં લસણ અને અડદ દાળ ન ખાવાની વાત કહેવામાં આવી છે.


