નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર 2017, શુક્રવાર
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે શ્રીકૃષ્ણને રાસરસિયા કેમ કહેવામાં આવે છે? મોટાભાગના લોકોનો જવાબ હશે કે શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતા હતા. ત્યારે કેટલાક લોકોનું એ પણ કહેવું છે કે તેમને 16 હજાર 8 પત્નીઓ હતી. પરંતુ શું વાસ્તવમાં શ્રીકૃષ્ણની 16 હજાર 8 પત્નીઓ હતી?
ભાગવતપુરાણ અનુસાર શ્રીકૃષ્ણના આઠ સિદ્ધાંતોના રૂપને તેમની પત્ની કહેવામાં આવ્યા છે એટલે કે તેમણે તે આઠ પત્નીઓ સાથે લગ્ન કર્યા હતા જે હકીકતમાં જીવનમાં સ્વીકારેલા તેમના આઠ સિદ્ધાંત હતા. બાકીની 16 હજાર રાણીઓ સાથે તેમણે લગ્ન કર્યા ન હતા પરંતુ તેમને શ્રીકૃષ્ણની પત્ની હોવાનો સમાન દરજ્જો આપવામાં આવે છે.
ભાગવતપુરાણ અનુસાર આ 16 હજાર સ્ત્રીઓ હકીકતમાં રાજકુમારીઓ હતી. જેમને નારકાસુર નામના રાક્ષસે લગ્ન કરવાના હેતુથી બંદી બનાવીને રાખ્યા હતા. શ્રીકૃષ્ણે નારકાસુર સાથે યુદ્ધ કરીને તે રાજકુમારીઓને મુક્ત કરાવી હતી. પરંતુ એક અસુરના મહેલમાં લાંબા સમય સુધી રહેવાને કારણે આ રાજકુમારીઓને સમાજમાં કોઇ અપનાવવા માટે તૈયાર ન હતું અને ન તો કોઇ રાજકુમાર તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા. તમામ જીવોને સપ્રેમ અપનાવનાર શ્રીકૃષ્ણે આ 16 હજાર રાજકુમારીઓને અપનાવીને તેમની સાથે લગ્ન કર્યા અને તેમના માટે એક વિશાળ મહેલનું નિર્માણ કરાવ્યું. જેમાં તેઓ સુખ-શાંતિથી રહેતા હતા. પુરાણોમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રીકૃષ્ણનો સંબંધ માત્ર પોતાની આઠ પટરાણીઓ સાથે જ હતો.
મહાભારતના એક અન્ય ખંડ આદિપર્વમાં આ રાણીઓને અપ્સરા કહેવામાં આવે છે જે ગયા જન્મમાં ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. જેની તપસ્યા અને ત્યાગ જોઇને બ્રહ્માએ તેમને શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા માટેનું વરદાન આપ્યું હતું.


