- આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહે. આપની આવકમાં વધારો જણાય
વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે સાનુકુળ રહે. ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ રહે. રાહુ વર્ષ દરમ્યાન મધ્યમ રહે. શનિની પનોતી નથી પરંતુ તેનું પરિભ્રમણ આપને થોડી મુશ્કેલી રખાવે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સાનુકુળ રહે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન સારું છે તેથી તબીયતમાં સુધારો રહે. જુની બીમારીમાં રાહત જણાય. વજનમાં વધારો જણાય.
તેમ છતાં આપે વર્ષ દરમ્યાન સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. શનિનું પરિભ્રમણ આપને થોડી મુશ્કેલી રખાવે. પીઠ-કમર-ગરદનના ભાગમાં દર્દ-પીડા રહે. દાંતની-જડબાની તકલીફ જણાય.
તે સિવાય તા. ૭ ડીસેમ્બરથી તા. ૧૫ જાન્યુઆરી સુધીનો સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહે. આ સમય દરમ્યાન છાતીમાં દર્દ-પીડાથી સંભાળવું પડે. હ્ય્દયની તકલીફ હોય તો બેદરકારી રાખવી નહીં. આપની બેદરકારી આપના રોગમાં વધારો કરે. તે સિવાય પેટ-પેઢુની, ગુદાભાગની પગની, આંખોની તકલીફ જણાય. એ.સી.ડી.ટી, ગેસની તકલીફના લીધે બેચેની અનુભવ્યા કરો. બહારનું તેમજ તીખું-તળેલું ખાવામાં ધ્યાન રાખવું પડે. બી.પી.ની તકલીફ હોય તેમણે દવા લેવામાં ધ્યાન રાખવું. ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ વધી કે એકદમ ઘટી જવાથી અસ્વસ્થતા રહે. રક્ત સંબંધીત તેમજ ચામડીના રોગ, એલર્જીથી આપે સંભાળવું પડે.
આર્થિક-સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે સારું રહે. આપની આવકમાં વધારો જણાય. કૌટુંબિક-પારિવારીક મિલકત મળવાથી આનંદ રહે. ઘણાં સમયથી ફસાઈ ગયેલાં નાંણા છૂટા થાય. જુદી-જુદી જગ્યાએ કરેલા રોકાણમાંથી સારું વળતર પ્રાપ્ત કરી શકો. તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન કૌટુંબિક-પારિવારીક, સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય. જમીન-મકાન-વાહનની, સ્થાવર-જંગમ મિલ્કતની ખરીદી થઈ શકે. વર્ષના ઉત્તરાર્ધમાં દેશ-પરદેશના, આયાત-નિકાસના કામનો ઉકેલ આવતાં નાંણા છૂટા થાય. ભાઈભાંડુ સગા સંબંધીવર્ગને આપેલા નાંણા છૂટા થાય.
પરંતુ તા. ૧૪ એપ્રીલ થી તા-૨૦ જૂન સુધીનો સમય આપે સંભાળવું પડે. આ સમય દરમ્યાન નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે. પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ ન જાય તેની તકેદારી રાખવી. નવું નાંણાકીય રોકાણ કરવામાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જઈને નાંણાનું રોકાણ કે કોઈને નાંણા આપવા નહીં. સાઈબર ઠગીના શિકાર ન બનો તેનું ધ્યાન આપે રાખવું પડે. તે સિવાય સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીના લીધે આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે કે રાજકીય-સરકારી કામ અંગે નાંણાકીય વ્યવહાર કરવામાં ધ્યાન રાખવું પડે. પત્ની માટે ખર્ચ-ખરીદી જણાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં વર્ષ મધ્યમ પસાર થાય. વર્ષ દરમ્યાન રાહુ તેમજ શનિનું પરિભ્રમણ આપના કામમાં વિલંબ રખાવે. ધાર્યા મુજબનું કામ કરી શકો નહીં. કૌટુંબિક-પારિવારીક સંબંધમાં ક્યાંક નોકરી કરતાં હોય તો મુશ્કેલી જણાય. પ્રગતિ અટકી ગઈ છે તેવું લાગ્યા કરે. પરંતુ સંબંધના લીધે કહી પણ ના શકો.
તે સિવાય તા. ૫ ડીસેમ્બરથી તા. ૧ જૂન સુધી ગુરૂનું મધ્યમ પરિભ્રમણ પણ આપને નોકરીના કામમાં ધાર્યું પરિણામ આપે નહીં. આપના કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવે તો કેટલાક કામમાં વિલંબ જણાય.
તા. ૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોમ્બર સુધી ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ થતાં નોકરીમાં આપને નવી તક મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. પરિવારથી દૂર નોકરી હોય તો પરિવાર-સાથે પુન:મિલનના યોગ ઉભા થાય.
પરંતુ આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોમ્બરથી ગુરૂનું પરિભ્રમણ સિંહ રાશિમાં શરૂ થતાં આપના માટે પ્રતિકુળ સમય શરૂ થાય. ગુરુ તેમજ રાહુનું એકબીજા સામેનું પરિભ્રમણ આપને મુશ્કેલીમાં મૂકે. જે લોકો તમારી સાથે હોય તે જ તમારી વિરુધ્ધમાં થતાં જાય.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ ધંધાકીય દ્રષ્ટિએ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને થોડી મુશ્કેલી આપે. રાહુનું પરિભ્રમણ મધ્યમ રહે. ધંધામાં જુના સંબંધોમાં વિખવાદ ઉભો ન થાય તેની તકેદારી રાખવી. વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ ત્રણ રાશિમાંથી થઈ રહ્યું છે જે આપને ધંધામાં આરોહ-અવરોહનો અનુભવ કરાવશે.
વર્ષના પ્રારંભથી તા. ૫ ડીસેમ્બર સુધી તેમજ તા.૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોમ્બર સુધી ગુરૂનું પરિભ્રમણ સાનુકુળ રહેતાં આપને ધંધામાં લાભ થાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે. નવા ગ્રાહક બંધાતા આવકમાં વધારો જણાય.
આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને પ્રગતિ જણાય. મહત્ત્વના કામ ઉકેલાતા જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. પરંતુ તા. ૫ ડીસે.થી તા. ૧ જૂન સુધી ગુરૂ મધ્યમ રહે છે તેથી આપના કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો જણાય. સંયુક્ત ધંધામાં આપના ભાગે કાર્યભાર વધી રહ્યો છે તેવું લાગ્યા કરે. સામાજિક-વ્યવહારિક કામોના લીધે ધંધાને અસર જણાય.
વર્ષના અંતમાં આસો વદ છઠ તા. ૩૧ ઓક્ટોબરથી ગુરૂ પ્રતિકુળ થતાં આપના ધંધામાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ-ગેરસમજ, મનદુ:ખ થતાં કામ કરવાની ઈચ્છા થાય નહીં. દિવાળી સમયે જ કોઈ ને કોઈ તકલીફ આવતા ઓર્ડર પુરા ન કરી શકો અને ગ્રાહકવર્ગ તૂટતો જાય કે ઓર્ડર કેન્સલ થવાથી આપની મુશ્કેલીમાં વધારો થાય.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન કૌટુંબિક-પારિવારીક સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહ્યા કરે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. પતિ સાથે વાદ-વિવાદ થયો હોય, ગેરસમજ થઈ હોય તો તે દૂર થાય. પતિ બહારગામ કે પરદેશમાં હોય તો પુન:મિલનના યોગ, સાથે રહેવાના યોગ ઉભા થાય.
વ્યવસાયી-નોકરીયાત મહિલાઓએ ઘર-પરિવાર તેમજ નોકરી-વ્યવસાયના કામ વચ્ચે સંતુલન જાળવવું પડે. માતા-પિતાના આરોગ્ય બાબતે આપને ચિંતા રહે, કે તેમના કામકાજ અંગે આપને દોડધામ-ખર્ચ રહે.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગે વર્ષ દરમ્યાન સતત અભ્યાસની તૈયારી ચાલુ રાખવી. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમજામાં અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે. કૌટુંબિક-પારિવારીક પ્રસંગના લીધે અભ્યાસમાં અડચણ જણાય તે સિવાય વર્ષના પ્રારંભમાં તેમજ વર્ષના અંતમાં લાગણી-મિત્રતાના ચક્કરમાં અટવાઈ પડવું નહીં. તેના લીધે અભ્યાસમાંથી આપનું ધ્યાન ભટક્યા કરે.
તે સિવાય તા. ૩૧ ઓક્ટોબરથી ગુરૂ પ્રતિકુળ થતાં આપે અભ્યાસમાં ધ્યાન રાખવું પડે. દિવાળી સમયમાં ફટાકડા ફોડવામાં ધ્યાન રાખવું પડે. અગ્નિ, ઈલેક્ટ્રીકથી દાઝવાથી સંભાળવું પડે. બહારનું ખાવા-પીવામાં આપે તકેદારી રાખવી પડે.
ખેડૂતવર્ગ
ખેડૂતવર્ગ માટે વર્ષનો પ્રારંભ તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધીનો સમય આપના માટે સાનુકુળ રહે. તે સમય દરમ્યાન શિયાળું તેમજ ચોમાસુ પાકમાં આપને લાભ થાય. પરંતુ આપે કોઈના ભરોસે રહેવું નહીં. સમયસર વાવણી-લણણી કરી લેવા. પરંતુ તા. ૫ ડીસે. થી. તા. ૧ જૂન સુધીનો સમય આપના માટે મધ્યમ રહેશે.
વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ તેમજ રાહુનું પરિભ્રમણ આપને થોડી ચિંતા-દોડધામ રખાવે. વર્ષના અંતમાં આસો વદ છઠથી ગુરૂ પ્રતિકુળ થતાં દિવાળી સમયે આપને મુશ્કેલી જણાય.
ઉપસંહાર
વર્ષ દરમ્યાન ગુરૂનું ત્રણ રાશિમાંથી પરિભ્રમણ થઈ રહ્યું છે તેથી વર્ષ મધ્યમ રહે. ક્યારેક સમય એકદમ સાનુકુળ જણાય તો ક્યારેક સમય મધ્યમ રહે તો ક્યારેક પ્રતિકુળતા જણાય. ઘણીવાર શું કરવું તેની સમજણ પડે નહીં. દ્વિધામાં મુકાઈ જાવ.
આ સિવાય વર્ષ દરમ્યાન શનિનું પરિભ્રમણ આપને થોડી-થોડી મુશ્કેલી સમયાંતરે આપ્યા કરે. રાહુનું પરિભ્રમણ મધ્યમ રહે. તેના લીધે નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિનો અનુભવ થયા કરે. માતા-પિતાની આપને ચિંતા રખાવે. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ સારું રહે. પત્ની સંતાનનો સાથ-સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને, જેમને સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થવાથી આનંદ રહે. કુટુંબ-પરિવારમાં પ્રસંગ આવતાં આનંદ-ઉલ્લાસ અનુભવાય. સંયુક્ત માલ-મિલ્કત, ધંધાના પ્રશ્નોનો સુખદ નિવેડો આવે. પરંતુ શનિનું પરિભ્રમણ આપને સંતાનની ચિંતા રખાવડાવે.
તા. ૭-૧૨ થી તા. ૧૫-૧ સુધીનો સમય પત્નીના આરોગ્ય માટે આપને ચિંતા રખાવે. તે સિવાય પત્ની સાથે નાની બાબતે વાદ-વિવાદ ઉગ્ર બની જતાં મનદુ:ખ ઉભા થાય. વર્ષોનું લગ્નજીવન છૂટાછેડાના આરે આવી ના પડે તેનું ધ્યાન રાખવું પડે.


