આ ખૂણામાં હશે પૂજાઘર તો સુખની રહશે રેલમછેલ
તમે ઘર બાંધવાનુ પ્લાનિંગ કરતાં હોવ ત્યારે સૌપ્રથમ વાસ્તુશાસ્ત્રના દરેક પાસાંઓનો સરખો વિચાર કરવો જોઈએ. જેમ કે શિલાન્યાસ માટેનો મુહૂર્ત સમય, સ્થિતિ, લગ્ન અને કોણ વગેરેનું ઘ્યાન રાખવું. એ પછી ઘરમાં બનનારા રૂમના માપ, પૂજા ઘર, આંગણું, રસોડું, બેડરૂમ, કૉમનરૂમ, બાથરૂમ, ટોઈલેટ વગેરેની સ્થિતિ પર વાસ્તુમુજબ વિચાર કરીને બાંધકામ શરૂ કરાવવું જોઈએ.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઇશાનમાં પૂજાસ્થળ, પૂર્વ અને અગ્નિમાં રસોડું, પશ્ચિમમાં ડાઇનિંગરૂમ, વાયવ્યમાં સ્ટોરરૂમ, દક્ષિણ અને નૈઋત્યમાં વિશ્રામગૃહ, દક્ષિણમાં બેડરૂમ, પૂર્વ અને ઇશાનના મધ્યમાં એન્ટ્રન્સ અને લિવિંગરૂમ બનાવવો જોઈએ.
ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજાઘર બનાવવામાં આવે છે. પૂજાઘર કોઈપણ વ્યક્તિના મન, આત્મા અને સંસ્કારોને શુદ્ધ કરે છે, વિચારોને શુદ્ધ કરે છે.
કઇ દિશામાં બનાવશો પૂજાઘર?
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજન, ભજન, કીર્તન હંમેશા ઈશાન ખૂણામાં હોવા જોઈએ. જ્યાં તમે પૂજા કરવા બેસો ત્યારે એ ધ્યાનમાં રાખો કે તમારું મોં પૂર્વ દિશામાં હોય. દેવી-દેવતાની મૂર્તિનું મો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ હોવું જોઈએ.
વિદ્યાર્થીઓએ હંમેશા પૂજાઘરમાં ઉત્તર દિશામાં બેસીને ઉત્તર તરફ મો કરીને પૂજા કરવી જોઈએ. જ્યારે ઘરના બીજા લોકોએ પૂર્વ દિશામાં પૂર્વ તરફ મોં રાખીને પૂજા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી જ્ઞાનપ્રાપ્તિ માટે જ્યારે વયસ્ક લોકો ધનપ્રાપ્તિ માટે પૂજા કરતાં હોવાથી આ જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે.
વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે સૌપ્રથમ દિવાલો પર ધ્યાન આપવું જોઈએ. દિવાલો સીધી અને એક જ આકૃતિવાળી હોવી જોઈએ. ક્યાંકથી જાડી અને ક્યાંકથી પાતળી દિવાલો અશુભ હોઈ શકે છે.
આ તો થઈ રહેણાંક ઘરોની વાત, પરંતુ જો તમે બિલ્ડીંગ, મિલ, ફેક્ટ્રી કે ઉદ્યોગ માટે બનાવતા હોવ તો પણ એમાં પૂજાઘર ઈશાનખૂણામાં જ રાખવું જોઈએ.