Shravan Special: રાવણના કારણે થઈ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સ્થાપના, 12 જ્યોતિર્લિંગમાં અહીં એકસાથે થાય છે સદાશિવ અને માતા પાર્વતીનાં દર્શન
વૈદ્યનાથ ચિતાભૂમિ તરીકે પણ પ્રખ્યાત
દ્વાદશ જ્યોતિર્લિંગોની નિષ્ઠાપૂર્વક યાત્રાથી શ્રદ્ધાળુને ચોક્કસ ફાયદો મળે છે. શિવપુરાણ, સ્કંદપુરાણ તથા અન્ય હિન્દુ સાહિત્યમાં ઉલ્લેખ પ્રમાણે દ્વાદશ જયોતિર્લિંગનું સ્મરણ માત્ર માનવીને પવિત્રતા તરફ દોરી જાય છે. ધર્મગ્રંથો કહે છે કે, જયોતિર્લિંગનાં દર્શનથી માનવીના પાછલા જન્મોનાં પાપનો નાશ થાય છે અને તે મોક્ષ તરફ ગતિ કરે છે. ભારતમાં આવેલા 12 જ્યોતિર્લીંગમાં એક જ્યોતિર્લીંગ એવું છે કે જ્યાં મોક્ષ પ્રાપ્તિ અને પાપ મુક્તિની સાથે લોકો રોગ મુક્તિ અને સ્ત્રીઓ સૌભાગ્યવતીનું ફળ પ્રાપ્ત કરવા પણ દર્શને આવે છે. એ મહાન જ્યોતિર્લીંગ એટલે બિહારમાં અને હવે ઝારખંડમાં સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જે બાબા ધામ તરીકે પણ પ્રખ્યાત છે. અહીં શ્રાવણ મહિનામાં કાવડ લઈને પાણી લાવવાની પ્રથા પણ જાણીતી છે. અને આપણે સહુ ભાગ્યશાળી છીએ કે શ્રી વૈદ્યનાથ ભારતમાં જ બિરાજમાન છે કારણકે એવું બની શકાયું હોત કે વૈદ્યનાથ રાવણના પ્રયાસથી લંકામાં સ્થાપિત થયા હોત. આમ શ્રી વૈદ્યનાથની કથા સીધી રાવણ સાથે જોડાયેલી છે.
શિવના પરમ ભક્ત રાવણ સાથે જોડાયેલી કથા
એકવાર, શિવના પરમ ભક્ત રાવણે શિવનું ધ્યાન કરીને શિવને પ્રસન્ન કરવા લાગ્યા. આ સાથે રાવણે પોતાના નવ મસ્તક કાપીને શિવને અર્પણ કરવાનું શરુ કર્યું ત્યારે શિવજી લંકાપતિ રાવણના તપ અને તેના 9 મસ્તકના બલિદાનથી ઘણા ખુશ થયા. જ્યારે ભગવાન ભોલેનાથે તેમને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તેણે લંકામાં શિવલિંગની સ્થાપના કરવાનું વરદાન માંગ્યું. ત્યારબાદ શિવજીએ તે માટે સંમત થયા પરંતુ તેમણે રાવણ સામે એક શરત મૂકી કે તેને જમીન પર ના મૂકવું જોઈએ. કારણ કે, જે સ્થાન પર શિવલિંગ મૂકવામાં આવશે ત્યાં જ તેની સ્થાપના થઈ જશે. જ્યારે રાવણે તે શિવલિંગને વહન કરવાનું શરૂ કર્યું, ત્યારે દેવોએ વિચાર્યું કે જો આ શિવલિંગ લંકા લઈ જશે તો તે અમર થઈ જશે, પછી દેવોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુના આદેશથી વરુણદેવે રંગ બતાવ્યો તેમણે રાવણના શરીરમાં પ્રવેશ કર્યો પરિણામે રાવણને ખૂબ જોરમાં દુઃખ થયું. રાવણને લઘુશંકા લાગી અને તે ભાર હળવો કરવા વચ્ચે રોકાઈ ગયો. ત્યાં ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. રાવણે પોતે હળવો થઈને ના આવે ત્યાં સુધી જ્યોતિર્લીંગ એ બ્રાહ્મણને પકડવા વિનંતી કરી. રાવણ જેવો ગયો એવું તરત જ એ બ્રાહ્મણે જ્યોતિર્લિંગને જમીન પર મૂકી દીધું. જ્યારે રાવણ પાછો આવ્યો, ત્યારે જ્યોતિર્લિંગને જમીનમાં રાખેલું જોઈને તે ખૂબ જ દુઃખી થયો અને તેને ખૂબ જ બળથી ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઉપાડી શક્યો નહીં. પણ એ રાવણના બળપૂર્વક ઉપાવાના પ્રયાસથી જ્યોતિર્લીંગનો ઉપરનો ભાગ ચપ્પટ થઇ ગયો. પછી રાવણે પાણીથી અભિષેક કરી અને પ્રાર્થના કરી અને ચાલ્યા ગયો. કહેવાય છે કે રાવણ રોજ આ જ્યોતિર્લીંગની પૂજા કરવા આજે પણ આવે છે. એવો ઉલ્લેખ પણ ગ્રંથોમાં મળી આવે છે કે રાવણનો જ્યારે નાશ થયો એના નાશ બાદ બૈજુ નામના ગોવાળે પણ ઈશ્વરના આદેશથી આ શિવલિંગની વિધિવત્ પૂજા અર્ચના કરવાનું ચાલુ રાખ્યું હતું. તેની ઉપાસનાથી ખુશ થઈને ભગવાન શિવ પ્રગટ થયા હતા અને તેના નામે વૈદ્યનાથ જ્યોતિર્લિંગથી પ્રખ્યાત થવાનું વરદાન આપ્યું હતું.
વૈદ્યનાથ ચિતાભૂમિ તરીકે પણ પ્રખ્યાત
તો આ હતી વૈદ્યનાથ જ્યોતિર્લીંગની કથા. એવું માનવામાં આવે છે કે વૈદ્યનાથધામની સ્થાપના સતયુગમાં જ થઇ ગઈ હતી. વૈદ્યનાથને ચિતાભૂમિ પણ કહેવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, જેમાં શિવજીને આમંત્રણ ન મળતાં પાર્વતીજીને માઠું લાગ્યું અને તેઓ ચિતાભૂમિમાં સળગીને શાંત થાય છે. તેઓ જે સ્થળે ચિતા પર બેઠાં હોવાનો ઉલ્લેખ છે તે સ્થળ એટલે વૈદ્યનાથને ચિતાભૂમિધામ. પુરાણ એ પણ જણાવે છે કે શિવજી પાર્વતીજીના શરીરને લઈને પાગલની જેમ ફરી વળે છે. આ સમયે ભગવાન વિષ્ણુ તેમના ચક્રથી પાર્વતીજીના શરીરના બાવન ટુકડા કરે છે. આ ટુકડાનો એક ભાગ જે સ્થળે પડ્યો તે સ્થળ એટલે વૈદ્યનાથ. તેની પાસે હાર્દપીઠ પણ છે. આમ, વૈદ્યનાથધામમાં શિવ અને શક્તિનો સુભગ સમન્વય થયેલો છે. એટલે દર્શનાર્થીઓ માટે આ મહત્વનું સ્થળ પણ બની રહે છે. વૈદ્યનાથધામમાં અન્ય એક મંદિર પણ ખુબ મહત્વ ધરાવે છે. એ મંદિર એટલે વાસુકીનાથ મંદિર. કહે છે કે દેવઘરથી 42 કિમી દૂર જારમુંડી ગામે આવેલા આ શિવમંદિરનાં દર્શન વગર બાબાધામની યાત્રા અધૂરી માનવામાં આવે છે.