Shravan Special: ઓમકારેશ્વર ૧૨ જ્યોતિર્લીંગમાં ચોથું જ્યોતિર્લીંગ, ઉત્પત્તિ અંગે મુખ્ય ત્રણ કથાઓ, જાણો શયન આરતીની વિશેષતા
પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી
શયન આરતી પછી જ્યોતિર્લિંગની સામે દરરોજ ચોપાટની રમત મુકવામાં આવે છે
મધ્યપ્રદેશમાં નર્મદા અને કાવેરી નદીના સંગમસ્થાન પર એક પવિત્ર ટાપુ પર વસેલું એક એવું શિવલિંગ જેના દર્શન કરવાએ ત્રીદેવના દર્શન કરવા બરાબર છે. જે ટાપુ પર આ શિવલિંગ આવેલું છે એ ટાપુને માંધાતા પર્વત કે શિવપુરી કહેવાય છે. આ પર્વતની આજુબાજુ વહેતી નદીનો આકાર ૐ જેવો થતો હોવાથી આ જ્યોતિર્લિંગ ને ૐકારેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે. ઓમકારેશ્વર ૧૨ જ્યોતિર્લીંગમાં ચોથું જ્યોતિર્લીંગ છે જેને ઓમકાર-માંધાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.
ઓમકારેશ્વર જ્યોતિર્લીંગની ઉત્પત્તિ અંગે મુખ્ય ત્રણ કથાઓ પ્રચલિત
ઓમકારેશ્વર જ્યોતિર્લીંગની ઉત્પત્તિ અંગે મુખ્ય ત્રણ કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર એમ કહેવામાં આવે છે કે ઇક્ષ્વાકુ શાસનમાં રાજા યુવનાશ્વનો દીકરો માંધાતા આ સ્થાને રાજ કરતો હતો. માંધાતા શિવજીનો પરમ ભક્ત હતો. માંધાતાએ મહાદેવનું આકરું તાપ કર્યું હતું, જેથી મહાદેવે પ્રસન્ન થઈને માંધાતાને સુખરૂપે જીવવાનું વરદાન આપ્યું. માંધાતા રાજાના નામ પરથી આ સ્થળ ઓમકાર માંધાતાના નામથી પણ ઓળખાય છે. માંધાતા રાજાના વંશજો આજે પણ આ પ્રદેશમાં વસે છે. માંધાતાના પુત્રો અમરી અને મુચકુંદ પણ શિવજીના પરમ ઉપાસકો હતા.
બીજી પૌરાણિક કથા
અન્ય એક કથા અનુસાર દેવ-દાનવો વચ્ચેના યુદ્ધની છે. પ્રાચીનકાળમાં જ્યારે દેવોનો દાનવો સામે પરાજય થયો ત્યારે ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. ઇન્દ્ર અને બીજા દેવતાઓ ભયભીત અને દુઃખી બન્યા અને શિવજીની સ્તુતિ કરી. આથી દેવતાઓને ફરીથી શક્તિ આપવા માટે મહાદેવજીએ દિવ્ય જ્યોતિર્મય ઓમકાર રૂપ ધારણ કર્યું. તેઓ નર્મદાના કાંઠે લિંગસ્વરૂપે પ્રગટ થયા અને આથી દેવતાઓને યુદ્ધ માટેનું ફરીથી બળ મળ્યું. તેમણે દાનવોનો નાશ કરીને સ્વર્ગનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. પુરાણો કહે છે કે ઓમકાર-અમરેશ્વર જ્યોતિર્લિંગની જગ્યા પર બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને પણ વાસ કર્યો, એટલે નર્મદાનો આ કાંઠો બ્રહ્મપુરી, વિષ્ણુપુરી અને રુદ્રપુરીનું ત્રિપુરી ક્ષેત્ર બન્યું.
ત્રીજી પૌરાણિક કથા
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અંગેની ત્રીજી કથા પ્રમાણે એક સમયે નારદમુનિ વિચરણ કરતાં કરતાં વિધ્ય પર્વત પર આવ્યા. વિષ્ણુ નારદજીની પૂજા અને આગતા સ્વાગતા કરીને નારદજીને અભિમાનપૂર્વક જણાવ્યું કે, હું સર્વસુવિધાયુક્ત છું. નારદજીએ આ વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો. ચિંતાતુર વિધ્યરાજે તરત પૂછ્યું, મુનિરાજ, આપને મારામાં શી ઊણપ દેખાઈ? નારદજીએ તરત જ જણાવ્યું કે, 'તમારે ત્યાં બધું જ છે, છતાં મેરુ પર્વત ઘણો ઊંચો છે. મેરુનાં શિખરોનો ભાગ દેવતાઓના લોક સુધી પહોંચે છે. આ સાંભળીને વિધ્ય પર્વતને પોતાના માટે ધિક્કાર થયો અને ભગવાન શિવજીનું તપ કરવાનો નિશ્ચય કર્યો. વિધ્ય પર્વત જ્યાં ઓમકારલિંગ છે, તે સ્થળે આવીને રહેવા લાગ્યો અને શિવજીની પાર્થિવ મૂર્તિ બનાવીને છ માસ સુધી શિવજીની કઠોર તપશ્ચર્યા કરી, વિંધ્યના ઘોર તપથી પ્રસન્ન થઈને શિવજીએ દર્શન આપ્યાં અને પર્વતરાજને વરદાન માગવા જણાવ્યું. આથી વિંધ્યે વરદાન માગ્યું કે, મને સારી બુદ્ધિ આપો કે જે મારાં સર્વે કાર્યોને સિદ્ધ કરે અને મારી સતત વૃદ્ધિ થતી રહે. શિવજીએ આ વરદાન આપ્યું. આ સમયે દેવતાનો અને કિધો પણ ઉપસ્થિત રહ્યા અને શિવજીની પૂજા કરીને આ સ્થાને જ રહેવાની વિનંતી કરી. શિવજીએ આ વિનંતી સ્વીકારી. આમ, આ સ્થળે જે એક ઓમકારલિંગ હતું તે બે સ્વરૂપોમાં વહેંચાઇ ગયું. પ્રણવમાં જે શિવજી હતા તે ઓમકાર નામથી જાણીતા બન્યા અને પાર્થિવ લિંગમાં જે શિવજ્યોતિ પ્રગટી તેનું પરમેશ્વર, અમરેશ્વર મમળેશ્વર નામ પ્રચલિત બન્યું. આજે પણ નદીની વચ્ચે અમરેશ્વરનું મુખ્ય જ્યોતિલિંગ છે. અને નર્મદા નદીના કિનારા પાસે મમળેશ્ચર જ્યોતિલિંગ છે. શ્રદ્ધાળુઓ આ બનેં સ્થાનોનાં દર્શને જાય છે. શિવ પુરાણના અનુસાર અહીં દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાની પ્રજાનું દુઃખ ને જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા. ઓમકાર ભગવાનને વાજતા ગાજતા હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઈ જવામાં આવે છે. અને પછી બંને ભગવાનની સવારી નગરમાં ફરવા નીકળે છે.
ભગવાન શિવ અહીં ત્રણેય લોકની મુલાકાત લીધા પછી રાત્રે આરામ કરવા આવે છે
એવું માનવામાં આવે છે કે, આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે, જ્યાં ભગવાન ભોલેનાથ ત્રણેય લોકની મુલાકાત લીધા પછી રાત્રે આરામ કરવા આવે છે. માતા પાર્વતી પણ અહીં બિરાજમાન છે. ભગવાન શિવ અને માતા પાર્વતી રાત્રે સૂતા પહેલા અહીં ચોપાટ રહે છે. આ જ કારણ છે કે અહીં શયન આરતી પણ કરવામાં આવે છે. શયન આરતી પછી જ્યોતિર્લિંગની સામે દરરોજ ચોપાટની રમત મુકવામાં આવે છે. રાત્રે ગર્ભગૃહમાં કોઈ જતું નથી, પરંતુ સવારે જવા પર ત્યાં પાસાની સ્થિતિ બદલાયેલી જોવા મળે છે. ઓમકારેશ્વર મંદિરમાં ભગવાન શિવની ગુપ્ત આરતી કરવામાં આવે છે જ્યાં પૂજારીઓ સિવાય કોઈ પણ ગર્ભગૃહમાં પ્રવેશી શકતું નથી. પૂજારીઓ ભગવાન શિવને વિશેષ પૂજા અને અભિષેક કરે છે.