Shravan Special: સમુદ્રતળથી સર્વોચ્ચ ઊંચાઈએ આવેલ પાંચમું જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ, મહાભારત સાથે જોડાયેલ કથાની જાણો સંપૂર્ણ વાર્તા
યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની પ્રખ્યાત ચારધામ યાત્રા પૈકીનું એક
કેદારનાથમાં શિવજીનું સ્વરૂપ ત્રિકોણાકાર અથવા બળદની બંધના આકારનું છે
દ્વાદશ જ્યોતિર્લિંગમાં સમુદ્રતળથી 3581 મીટર ની સર્વોચ્ચ ઊંચાઈએ જે જ્યોતિલિંગ આવેલું છે એ છે કેદારનાથ.
ચારધામ યાત્રા પૈકીનું એક
હિમાલયની રુદ્ર હિમાલય પર્વતમાળામાં ચોખમ્બા ગ્લેશિયર પર આવેલા કેદારનાથને કેદારેશ્વર અથવા કેદારાંચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની પ્રખ્યાત ચારધામ યાત્રા પૈકીનું એક એવું કેદારનાથ દ્વાપરયુગથી શ્રદ્ધાળુઓની દૃઢ આસ્થાનું પ્રતીક છે.
શિવજીનું ત્રિકોણ આકાર સ્વરૂપ
કેદારનાથમાં શિવજીનું સ્વરૂપ ત્રિકોણાકાર અથવા બળદની બંધના આકારનું છે, જે અન્ય ૧૧ જ્યોતિર્લિંગો કરતાં તદન જુદું જ છે. એવો ઉલ્લેખ છે કે મહાભારત કાળમાં પણ આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતા. આ મંદિર ૬ ફુટ ઊંચા ચોરસ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. મંદિરનો મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહની ફરતે પરિભ્રમણ માર્ગ છે. નંદી બહારનાં આંગણમાં બિરાજમાન છે.મંદિર કોણે બનાવ્યું તે અંગે કોઈ પ્રમાણિત ઉલ્લેખ નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે તેની સ્થાપના આદિગુરુ શંકરાચાર્યે કરી હતી.
નર અને નારાયણના તપસ્યાની વાર્તા
એક વાત એવી છે કે હિમાલયના કેદાર પર્વત પર, ભગવાન વિષ્ણુના મહાતપસ્વી અવતાર નર અને નારાયણ તપસ્યા કરી હતી. તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા અને તેમની વિનંતી પ્રમાણે જ્યોતિર્લિંગ તરીકે હંમેશ માટે જીવવાનું પ્રદાન કર્યું. ધાર્મિક ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીં બાબા કેદારનાથની સાથે નર-નારાયણના દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે.
સત્યયુગમાં થઈ ગયેલા કેદારરાજાના નામ પરથી કેદારનાથ નામ
ભારતીય ધર્મગ્રંથોમાં સત્ય, દ્વાપર, ત્રેતા અને કળિ એમ ચાર યુગોની વાત છે. સત્યયુગમાં થઈ ગયેલા કેદારરાજાના નામ પરથી કેદારનાથ નામ ઊતર્યું હોવાના ઉલ્લેખો છે. કેદારરાજાના દીકરીનું નામ વૃંદા હતું. જે દેવી લક્ષ્મીજીનાં અંશાવતાર હતાં. તેમણે ઘણાં વર્ષો સુધી આકરું તપ કર્યું હતું. તેથી આ પ્રદેશ વૃંદાવન તરીકે પણ ઓળખાતો હતો. આમ કેદારનાથને તપસ્વીઓનું સ્થાન પણ કહેવાય છે. ૧૨ જ્યોતિર્લીંગોમાં પાંચમું જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ.
મહાભારત સાથે જોડાયેલ કેદારનાથની કથા
કેદારનાથ જ્યોતિર્લિંગ અંગેની મુખ્ય કેટલીક કથાઓ પ્રચલિત છે. પ્રથમ કથા દ્વાપરયુગની શરૂઆતમાં થયેલા મહાભારતની છે. મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોને લાગ્યું કે આ યુદ્ધમાં પોતાનાથી બ્રહ્મહત્યા, ગૌહત્યા થઈ છે અને પાંડવોએ જ પોતાનાં ભાઈ- ભાંડુઓને હણ્યાં છે. આમ, પોતાનાથી મોટું પાપ થઈ ગયું હોવાનું માનતા પાંડવો મહર્ષિ વેદવ્યાસ પાસે જઈને પોતાની સમસ્યા જણાવી. મહર્ષિ વેદવ્યાસ આ પાપના પ્રાયશ્ચિત્ત માટે પાંડવોને હિમાલયમાં ભગવાન શિવનાં દર્શને જવાનું કહ્યું. વ્યાસજીની સલાહ માનીને પાંચ પાંડવો અને દ્રોપદી હિમાલયમાં શિવજીનાં દર્શનાર્થે નીકળ્યા. બીજી તરફ ભગવાન શિવજી પાંડવોની કસોટી કરતા હોય તેમ દર્શન ના આપ્યા. પાંડવો ફરતાં ફરતાં ગુપ્તકાશી પાસે આવી પહોંચ્યા. આ સ્થળે સહદેવ અને નકુલને એક વિચિત્ર પ્રકારનો બળદ નજરે ચડે છે. આથી તેને પકડવા તેની પાછળ દોડે છે. પાંડવો બળદ રૂપે રહેલા શિવજીને ઓળખી લે છે. આથી શિવજી ભૂગર્ભમાં જતા રહ્યા, પરંતુ પાંડવોમાં ભીમ તેમની પીઠની ખૂંધને પકડી પાડે છે. કથા એવી છે કે બળદની પીઠની ખૂંધનો ભાગ જે સ્થળે દેખાયો તે કેદારનાથ, હાથ દેખાયા તે તુંગનાથ, ચહેરો દેખાયો તે રુદ્રનાથ, પેટનો ભાગ દેખાયો તે મદદ્રમહેશ્વર અને વાળ દેખાયા તે સ્થળ એટલે કલ્પેશ્વર. આ પાંચ સિદ્ધ સ્થાનોને પંચ કેદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. બળદના સ્વરૂપે રહેલ શિવજી અને ભીમ વચ્ચે જે ખેંચાખેંચ ચાલી, તેમાં બળદના શીર્ષનો ભાગ નેપાળમાંથી નીકળ્યો, જેને આપણે પશુપતિનાથ તરીકે જાણીએ છીએ. એટલા માટે જ દ્વાદશ જ્યોતિર્લિંગનાં દર્શન બાદ નેપાળના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથનાં દર્શને જવાનો મહિમા છે. પશુપતિનાથનાં દર્શન વિના દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા અધૂરી માનવામાં આવે છે. તો આ હતી કથા શ્રી કેદારનાથની.
'ભવિષ્ય બદ્રી’નામના તીર્થનો ઉત્કર્ષ
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી, દહેરાદૂન દ્વારા સંશોધનમાં કરાયેલ એક તથ્ય મુજબ, કેદારનાથ મંદિર 13-15મી સદીમાં બરફમાં સંપૂર્ણપણે દબાઈ ગયું હતું. એજ રીતે શાસ્ત્રોમાં કહેવાયું છે એમ અને પાંડવોની કથામાં જે ઉલ્લેખ કર્યો એમ કે કેદારનાથ ધામમાં પહેલું મંદિર પાંચ પાંડવોએ બંધાવ્યું હતું તે સમય જતાં તે અદ્રશ્ય થઇ ગયું હતું. આ સાથે આ મંદિરના સંદર્ભમાં પુરાણોમાં એવી આગાહી પણ કરવામાં આવી હતી કે એક સમય એવો આવશે જ્યારે કેદારનાથ ધામનો સમગ્ર વિસ્તાર અને તીર્થસ્થળો ગાયબ થઈ જશે. આ ત્યારે થશે જ્યારે નર અને નારાયણ પર્વત એકબીજાને મળશે, ત્યારે આ ધામમાં જવાનો માર્ગ બંધ થઈ જશે. આ ઘટનાના ઘણા વર્ષો પછી ‘ભવિષ્ય બદ્રી’નામના તીર્થનો ઉત્કર્ષ થશે. હાલનું જે બદ્રીનાથ ધામ છે એનું પણ ખુબ મહત્વ રહેલું છે એવું માનવામાં કે કેદારનાથના દર્શન કર્યા પછી જ કોઈ વ્યક્તિ બાબા બદ્રીનાથના દર્શન કરી શકે છે,નહીં તો અહીં કરવામાં આવતી પૂજા નિરર્થક બની જાય છે. એટલે જ કહેવાય છે જીવનમાં કેદારેશ્વરના દર્શન કરવાનો લાહવો લઇ લેવો. સ્વયં મહાદેવના દર્શન થશે. કેદારેશ્વરના દર્શન થી સ્વપ્ન માં પણ દુ:ખ થતું નથી.