- આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે નહીં. હરિફ વર્ગ આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ કર્યા કરે...
વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળતાવાળું રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે. જ્યારે ગુરૂ આપના માટે સાનુકુળ પ્રતિકૂળ રહે. શનિ આપને રાહત આપે.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું છે તેથી આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડે. વર્ષ દરમ્યાન આપ ચોથા રાહુના બંધનમાં રહેશો. આપના હૃદય મન બેચેની વ્યગ્રતામાં રહ્યા કરે. છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવાની તકલીફ ગભરામણ જેવું લાગ્યા કરે. કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને કોલેસ્ટ્રોલ વધી જતાં તકલીફ પડે. લોહી જાડું થતાં હૃદયની નળીઓમાં અવરોધ આવે. શસ્ત્રક્રિયા કરાવવી પડે. બી.પી.ની તકલીફ થાય.
તા. ૫ ડીસેમ્બર ૨૦૨૫થી તા. ૧ જૂન સુધી ગુરૂ અષ્ટમ સ્થાનમાંથી મૃત્યુ સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે. તેથી આપના કષ્ટ પીડામાં વધારો થાય. મૃત્યુ ન થાય પરંતુ મૃત્યુજનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોવ તેવો અનુભવ થાય. જૂની બીમારી વકરતાં, ફરી ઉથલો મારતાં વારસાગત રોગ લાગુ થવાથી આપનું સ્વાસ્થ્ય કથળતું જાય. આપની બેદરકારીના લીધે રોગ વધી ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. ગુરૂ વક્રી થઇને અષ્ટમ સ્થાનમાં આવે છે એટલે આપની મુશ્કેલી વધતી જાય.
જો કે વર્ષારંભથી તા. ૫ ડિસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે રાહતકારી રહેશે. પરંતુ રાહુનું પરિભ્રમણ નબળું છે તેથી આપે સ્વાસ્થ્યની બાબતમાં ચલાવી લેવાની વૃત્તિ રાખવી નહીં.
તા. ૧૫ જૂનથી તા. ૧૫ જુલાઈ દરમ્યાન પીઠમાં કમરમાં દર્દ પીડા રહે. તા. ૨ ઓગસ્ટથી તા. ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન આપને બી.પી.ની લોહીના વિકારથી થતાં રોગોની તકલીફ જણાય. વાહન ચલાવતી વખતે વિચારોને કાબુમાં રાખવા અકસ્માતથી સંભાળવું પડે.
આર્થિક સુખ સંપત્તિ
આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ તેમજ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જુન સુધી ગુરૂનું પરિભ્રમણ આપને નાણાંકીય મુશ્કેલી રખાવે. આવક સ્થગિત થઇ ગઇ છે અને જાવક ચાલુ છે તેવું લાગ્યા કરે. ઉપરાઉપરી આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ આવ્યા કરે. સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા, કૌટુંબિક પારિવારીક કોઈને કોઈ ખર્ચા રહ્યા કરે. ધીમે ધીમે આપની બચત પણ વપરાતી જાય અને આપને નાણાભીડનો સામનો કરવો પડે. રોજિંદા ખર્ચ, સામાજિક વ્યવહારો સાચવવામાં આપને મુશ્કેલી પડે. રોજિંદા ખર્ચમાં કાપ મૂકવો પડે. ઘરમાં ચોરી ન થાય, પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.
આ સમય દરમ્યાન મોટા કોઈ નાણાંકીય રોકાણ કરવા નહીં કે જોખમ ઉઠાવવા નહીં. લોન લીધી હોય કે બહારથી ઉછીના નાણાં લીધા હોય તો હપ્તા ભરવામાં મુશ્કેલી જણાય અને આપ વ્યાજના ચક્કરમાં ફસાતા જાવ.
જો કે વર્ષારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી તેમજ તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે છે તેથી આપને થોડીક રાહત મળી રહે. રોજિંદા ખર્ચ નીકળતા જાય, વ્યવહારો સચવાઈ જાય. તેમ છતાં રાહુનું પરિભ્રમણ આપને કોઇને કોઈ આકસ્મિક ખર્ચા રખાવશે. માતા પિતાના આરોગ્ય બાબતે, જમીન, વાહન બાબતે ખર્ચ જણાય. જો કે ગૂરૂની સાનુકુળતાને લીધે આવકનો પ્રવાહ ધીમે ધીમે ચાલુ રહેવાથી આપને થોડી શાંતિ જણાય. આમ, વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સંભાળીને કરવું પડે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
વિક્રમ સંવત ૨૦૮૨માં નોકરીમાં આપના કાર્ય કરવામાં આપને મુશ્કેલી રહ્યા કરે. નાની નાની ભૂલોના લીધે કામમાં વિલંબ થાય, કામ ખેંચાતા જાય. સમયસર કામ પૂર્ણ કરી શકો નહીં. કાર્યસ્થળે નવી જગ્યાએ મિત્રતાના સંબંધો કેળવવામાં ધ્યાન રાખવું પડે. મિત્રતામાં જ આપને દગો વિશ્વાસઘાત થાય. આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતનો લાભ બીજા લઇ જાય અને આપ કશું કરી શકો નહિં. તેમાં પણ તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઇને અષ્ટમ સ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે તેથી આપની મુશ્કેલીમાં વધારો થાય. સ્વાસ્થ્ય સંબંધી કોઇને કોઈ તકલીફના લીધે કામમાં મન લાગે નહીં. કામ કરવાની ઇચ્છા થાય નહીં. અનિચ્છાએ કામ કરો તેમાં વારંવાર ભૂલો થયા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે આપે વારંવાર રજાઓ લેવી પડે તેની અસર આપના કામ પર, નોકરી પર પડે. કામના વધુ પડતા દબાણ, તણાવની અસર, દોડધામ શ્રમની અસર આપના સ્વાસ્થ્ય પર પડે અને આપનું આરોગ્ય બગડતંપ જાય.
વર્ષારંભથી તા. ૫ ડિસેમ્બર સુધી અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકુળ રહે છે. તેથી આપને કામમાં રાહત થતી જાય. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી આનંદ રહે. નોકરીમાં બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. નવી કોઈ તક પ્રાપ્ત થાય પરંતુ રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળ છે તે વાત ધ્યાનમાં રાખીને કામ કરવું. ઉતાવળમાં નિર્ણય લેવા નહીં. નવું પદ કે નવી જગ્યાએ આપ જતાં તો રહો પરંતુ ત્યાં ગયા પછી આપને અફસોસ થાય. એવું લાગ્યા કરે કે આના કરતાં જૂની જગ્યા વધુ સારી હતી.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન રાહુની પ્રતિકૂળતા આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અપાવે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે નહીં. હરિફ વર્ગ આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ કર્યા કરે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ ગેરસમજ, મનદુ:ખ થઇ જાય. તેની અસર ધંધા પર પડે. ઉધારીમાં ધંધો કરનારે નાણા ફસાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. તે સિવાય આપ કોઈ ઠગીના શિકાર ના બનો તેનું ધ્યાન રાખવું પડે.નવો ઓર્ડર મળતાં નવી ઘરાકી બંધાતા અટકી જાય. કોઇને કોઈ કારણસર રૂકાવટ આવ્યા કરે. વાત આગળ વધે નહીં કે ઓર્ડર કેન્સલ થઇ જાય.
તા. ૫ ડિસેમ્બરથી ગુરૂ વક્રિ થઇને આપના માટે પ્રતિકૂળ થઇ રહ્યો છે જે ૧ જૂન સુધી રહેશે. આ સમય દરમ્યાન આપના કોઈ કામ થાય નહીં. ગ્રાહક આવે નહીં. ધંધો થાય નહીં. આવક અટકી પડે અને જાવક ચાલુ રહે. દુકાન શા માટે ખોલો છો તેવા વિચારો આવ્યા કરે. તે સિવાય સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે પણ આપ ધંધામાં ધ્યાન આપી શકો નહીં. માણસોના ભરોસે ધંધો મૂકવો પડે. આપને દગો વિશ્વાસઘાત નુકસાની થાય.
સ્ત્રીવર્ગ
સંવત ૨૦૮૨ના વર્ષ દરમ્યાન આપે આપના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડે. આપના આરોગ્યને ગંભીરતાથી ન લેવાની આદત, બેદરકારી આપના માટે મોટી મુશ્કેલી ઉભી કરે. પેટ પેઢુની ગર્ભાશયની મેનોપોઝની તકલીફ રહે. તે સિવાય છાતીમાં દર્દ પીડાથી આપે સંભાળવું પડે. પતિ-સંતાનની ચિંતા રહે. વારંવાર વાદ વિવાદ મનદુ:ખ ઉભા થઇ જાય. નોકરીયાત વ્યવસાયી મહિલાઓને ઘર પરિવાર અને નોકરી વ્યવસાયની જવાબદારી એક સાથે સંભાળવામાં મુશ્કેલી અનુભવાય. ક્યારેક કામ છોડી દેવાની ઇચ્છા થઇ જાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપે ધીરજ અને શાંતિથી કામ લેવું પડે. ઉતાવળમાં આવી જઇને કોઈ નિર્ણય કરવા નહીં. માતા-પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા આપને રહે. વર્ષના ઉત્તરાર્ધમાં આપને થોડી રાહત થતી જાય. કામનો ઉકેલ આવતો જાય. પતિ સંતાનની ચિંતા પરેશાની ઓછી થાય. તેમનો સહકાર મળી રહે.
વિદ્યાર્થી વર્ગ
સંવત ૨૦૮૨નું વર્ષ વિદ્યાર્થીવર્ગ માટે મધ્યમ રહે. પરીક્ષા સમયે આપે બીમારી અકસ્માતથી સંભાળવું પડે. આપના આયોજન મુજબ અભ્યાસ કરવામાં કોઇને કોઈ મુશ્કેલી આવ્યા કરે. મિત્રવર્ગની ચિંતાના લીધે અભ્યાસમાં ધ્યાન લાગે નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ મનદુ:ખ ગેરસમજથી સંભાળવું પડે. વ્યસની સ્વાર્થી મિત્રોથી આપે સંભાળવું પડે. મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે.
વર્ષના પ્રારંભથી ૫ ડિસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે છે તેથી આપને થોડી રાહત થતી જાય. ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાની તૈયારી કરતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી કરતાં હોય તો તેમાં સાનુકુળતા મળી રહે. પરંતુ અભ્યાસ સાથે નોકરી વ્યવસાય કરનારે સાવધાની રાખવી પડે.
ઉપસંહાર
ટૂંકમાં વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે ઉતાર ચઢાવવાળું રહે. જો કે વર્ષનો વધુ સમય પ્રતિકૂળ રહેવાને લીધે આપે ધીરજ અને શાંતિ રાખવા પડે. આપ એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. આપે સામાજિક વ્યવહારિક કૌટુંબિક પારિવારિક આર્થિક નોકરી ધંધાકીય સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં વધારો થાય. જો કે વર્ષના ઉત્તરાર્ધમાં આપને ધીમે ધીમે થોડી રાહત થતી જાય. આપના કામ ઉકેલાતા જાય. આપની મુશ્કેલીમાંથી બહાર આવતાં જાવ. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછા થતાં જાય. સંતાનનો સાથ સહકાર મળી રહે. પરંતુ જમીન મકાન વાહનના પ્રશ્ને આપને દોડધામ ખર્ચ જણાય.
પત્ની-સંતાન-પરિવાર
કૌટુંબિક પારિવારીક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપને માતા-પિતાના આરોગ્ય આયુષ્યની ચિંતા રખાવ્યા કરે. દોડધામ ખર્ચ જણાય. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળું રહેતાં આપને કૌટુંબિક પારિવારીક પ્રશ્ને કોઇને કોઈ ચિંતા આવ્યા કરે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં વધારો થાય. તેના આરોગ્ય અભ્યાસ કારકીર્દિની ચિંતા આપને સતાવ્યા કરે. તેના કામ ન થવાથી, કામમાં રૂકાવટ મુશ્કેલી આવવાથી આપના દોડધામ શ્રમ ખર્ચમાં વધારો જણાય. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ સારો રહેતાં આપની કૌટુંબિક પારિવારીક ચિંતામાં ઘટાડો થતો જાય. સંતાનના પ્રશ્નોનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી આપને રાહત થતી જાય. તેમ છતાં આપ સાવ નિશ્ચિત ના થઇ શકો.


