Sankashti chaturthi 2021: આ દિવસે છે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવાર
સંકષ્ટી ચતુર્થીનો અર્થ છે સંકટ હરનાર ચતુર્થી. આ દિવસે તમામ દુખોને ખતમ કરનાર ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. આ સાથે જ ગૌરી પુત્ર ગણેશજી માટે વ્રત રાખવામાં આવે છે. સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા-પાઠ કરવામાં આવે છે. દર મહિને બે વાર ચતુર્થી મનાવવામાં આવે છે. પૂર્ણિમા બાદ આવનાર ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે અને અમાસ બાદ આવનાર ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. જો આ ચતુર્થી મંગળવારે આવે તો તેને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે.
સંકષ્ટી ચતુર્થી ક્યારે છે?
સામાન્ય રીતે દર મહીને સંકષ્ટી ચતુર્થી આવે છે પરંતુ ફાગણ મહીનાની કૃષ્ણ પક્ષ ચતુર્થીનું મહત્ત્વ સૌથી વધારે માનવામાં આવે છે.. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ વર્ષે ફાગણ સંકષ્ટી ચતુર્થી 2 માર્ચે છે. આ સંકષ્ટીને દ્વિજપ્રિય સંકષ્ટીના નામથી પણ ઓળખવામાં આવે છે.
સંકષ્ટી ચતુર્થીની તિથિ અને શુભ મુહૂર્ત
સંકષ્ટી ચતુર્થી તિથિ :- 2 માર્ચ 2021
ચતુર્થી તિથિ પ્રારંભ :- 02 માર્ચ 2021ના દિવસે મંગળવાર સવારે 05 કલાકને 46 મિનિટથી.
ચતુર્થી તિથિ સમાપ્ત :- 03 માર્ચ 2021 દિવસે બુધવારે રાત્રે 02 કલાકે 59 મિનિટ સુધી.
સંકષ્ટી ચતુર્થીનું મહત્ત્વ
સંકષ્ટી ચતુર્થીનો અર્થ છે સંકટને હરનાર ચતુર્થી. આ દિવસે તમામ દુખો ખત્મ કરનાર ગણેશજીનું પૂજન અને વ્રત કરવામાં આવે છે. માન્યતા છે કે જે કોઇ પણ પૂરા વિધિ-વિધાનથી પૂજા-પાઠ કરે છે તેના તમામ દુખ દૂર થઇ જાય છે.
સંકષ્ટી ચતુર્થીની પૂજા વિધિ
- સંકષ્ટી ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લેવું.
- હવે ઉત્તર દિશાની તરફ મોઢું કરીને ભગવાન ગણેશજીની પૂજા કરો અને તેમને પાણી અર્પણ કરો.
- પાણીમાં તલ મિક્સ કરીને અર્ધ્ય આપો.
- દિવસભર વ્રત રાખો.
- સાંજના સમયે વિધિવત ગણેશજીની પૂજા કરો.
- ગણેશજીને દુર્વા અને દૂબ અર્પણ કરો. માન્યતા છે કે આમ કરવાથી ધન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
- ગણેશજીને તુલસી ક્યારેય ન ચઢાવશો. કહેવામાં આવે છે કે આમ કરવાથી તેઓ નારાજ થઇ જાય છે. માન્યતા છે કે તુલસીએ ગણેશજીને શાપ આપ્યા હતા.
- હવે તેમને શમીના પાંદડાં અને બિલિપત્ર અર્પણ કરો.
- તલના લાડુઓનો ભોગ ચઢાવીને ભગવાન ગણેશજીની આરતી ઉતારો.
- હવે ચંદ્રને અર્ધ્ય આપો.
- હવે તલના લાડુ અથવા તલ ખાઇને પોતાનું વ્રત ખોલો.
- આ દિવસે તલનું દાન કરવું જોઇએ.
- આ દિવસે જમીનની અંદર થતાં કંદમૂળનું સેવન ન કરવું જોઇએ. એટલે કે મૂળા, ડુંગળી, ગાજર અને બીટ ન ખાશો.