Sakat Chauth 2021 : ક્યારે છે સકટ ચોથ? જાણો તારીખ અને ગણપતિ પૂજા વિધિ વિશે...
- આ દિવસે મહિલાઓ પોતાના સંતાનની સલામતી માટે ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરે છે
નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી 2021, ગુરુવાર
સકટ ચોથ અથવા સંકષ્ટી ચોથ દર મહીને આવે છે, પરંતુ આ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રીજે આવતી સંકટ ચૌથનું પોતાનું અલગ જ ધાર્મિક મહત્ત્વ છે. આ વખતે 31 જાન્યુઆરી રવિવારના દિવસે સંકટ ચોથનો વ્રત આવી રહ્યો છે. આ વ્રતને કેટલાય નામથી ઓળખવામાં આવે છે. તેને તિલકુટા ચોથ, સંકટા ચોથ કહેવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાનની સલામતી અને લાંબી ઉંમર માટે ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરે છે અને આખો દિવસ કંઇ પણ ખાધા પીધા વગર નિર્જળા વ્રત કરે છે. જાણો, વ્રતનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે...
સંકટ ચોથ વ્રત શુભ મુહૂર્ત :
સંકટ ચોથ વ્રત તિથિ : જાન્યુઆરી 31, 2021 (રવિવાર)
ચર્તુર્થી તિથિનો શુભારંભ : 31 જાન્યુઆરી, 2021ની સાંજે 20 : 24 વાગ્યાથી ચતુર્થી તિથિ શરૂ થઇ જશે.
ચતુર્થી તિથિનું સમાપન : 01 ફેબ્રુઆરી, 2021ની સાંજે 18 : 24 વાગ્યાથી ચતુર્થી તિથિનું સમાપન થઇ જશે.
સંકટ ચોથના દિવસે ચંન્દ્રોદયનો સમય : રાત્રે 20:40.
સંકટ ચોથની પૂજા વિધિ :
હિન્દૂ ધર્મની માન્યતાઓ અનુસાર, ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવું ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ગણેશ ભગવાનની સાથે જ ચંદ્ર દેવની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ આખો દિવસ નિર્જળા ઉપવાસ રહ્યા બાદ રાત્રે જ્યારે ચંદ્ર દેખાય છે ત્યારે અર્ધ્ય આપીને નાનું હવન કરે છે.
હવનકુંડની પરિક્રમા બાદ મહિલાઓ ચંદ્ર દેવના દર્શન કરતાં હાથ જોડીને તેમની પાસે પોતાના બાળકોની સલામતી માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ મહિલાઓ દૂધ અને શક્કરિયા ખાઇને પોતાનું વ્રત ખોલે છે. જો કે અનાજ બીજા દિવસે સવારે પૂજા કર્યા બાદ જ ગ્રહણ કરવામાં આવે છે. પૂજા કરતી વખતે ગણેશ ભગવાનનો મંત્ર : 'ૐ ગં ગણપતયૈ નમ:' બોલતાં 21 દૂર્વા ઘાસ અર્પણ કરો. ગણેશ ભગવાનને બૂંદીના 21 લાડુનો ભોગ ચઢાઓ.