27 વર્ષ બાદ નવમા નોરતે દુર્લભ સંયોગ, ધનમાં વૃદ્ધિ અને પરિવારમાં સુખ-શાંતિ માટે કરો આ ઉપાય
Shardiya Navratri 2025: આજે શારદીય નવરાત્રિની મહાઅષ્ટમી મનાવવામાં આવી રહી છે, આ દિવસે દેવી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. 1 ઑક્ટોબર એટલે કે આવતીકાલે નવરાત્રિ મહાનવમીના રોજ પૂર્ણ થશે. આ તહેવાર દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શરુ થાય છે અને નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેને 'શારદીય નવરાત્રિ' કહેવામાં આવે છે, કારણ કે આ શરદઋતુમાં આવે છે.
શારદીય નવરાત્રિનું મહત્ત્વ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં ધ્યાન,સાધના, પૂજા અને ભક્તિ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન ખૂબ જ ખાસ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. ચાલો જાણીએ આ શુભ સંયોગો વિશે.
9 દિવસને બદલે 10 દિવસની છે નવરાત્રિ
જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વર્ષે શારદીય નવરાત્રિ 9 દિવસને બદલે 10 દિવસની છે. હકીકતમાં, આ વર્ષે તૃતીયા તિથિ બે દિવસે આવી હતી, જે 27 વર્ષ પછી એક નોંધપાત્ર સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. અગાઉ આવો સંયોગ 1998માં થયો હતો. તે વર્ષે, ચતુર્થી તિથિ બે દિવસ રહી હતી, અને તે દરમિયાન દેવી કુષ્માંડાની પૂજા બે દિવસ સુધી કરવામાં આવી હતી.
જ્યોતિષીઓના મતે, નવરાત્રિ દરમિયાન વધતી તિથિને શુભ અને સકારાત્મક માનવામાં આવે છે, જ્યારે અસ્ત થતી તિથિને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ શુભ તિથિઓ પર પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે. પંચાંગ પ્રમાણે આ વખતે શારદીય નવરાત્રિમાં વધતી તિથિને કારણે દશેરા 10મા દિવસે એટલે કે 2 ઑક્ટોબરે મનાવવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન બની રહ્યા છે આ સંયોગો
આ સિવાય ગ્રહો અને નક્ષત્રોના દૃષ્ટિકોણથી જોઈએ તો આ શારદીય નવરાત્રિ વિશેષ માનવામાં આવી રહી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રવિ યોગનું ત્રણ વખત નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગજકેસરી યોગ પણ બની રહ્યો છે, અને બુધાદિત્ય યોગ પણ નિર્માણ થઈ રહ્યું છે.
શારદીય નવરાત્રિ 2025 ઉપાયો
1. ધન અને સમૃદ્ધિની બરકત માટે
શારદીય નવરાત્રિ દરમિયાન દરરોજ સવારે અને સાંજે દેવી લક્ષ્મી અને માં દુર્ગાને લાલ ફૂલો અને સિંદૂર ચઢાવો. ઘરે લક્ષ્મી માતાના મંત્રનો જાપ કરવાથી નાણાકીય સમસ્યા દૂર થાય છે.
2. પરિવારમાં શાંતિ અને સુખ માટે
શારદીય નવરાત્રિ દરમિયાન વ્યક્તિએ દરરોજ દુર્ગા સપ્તશતી અથવા દેવી કવચનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં આવેલી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે અને પરિવારમાં સુખ અને શાંતિનું આગમન થાય છે.
3. સકારાત્મક ઊર્જા માટે
શારદીય નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને નારિયેળ અર્પણ કરીને તેને લાલ દોરો બાંધીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવો. જેથી ખરાબ નજર અને નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ નહીં કરે.