રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો રાખડી બાંધવાનો સાચો સમય
શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે
શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તેને લઇને મતમતાંતર સર્જાયા છે. કેટલાક જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે 31 ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે. શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે.
કેટલાક જ્યોતિષીઓના મતે 31મીએ આખો દિવસ રાખડી બાંધવી શ્રેષ્ઠ જ્યારે કેટલાકના મતે 30મીએ જ મુહૂર્ત
રક્ષાબંધનની જાહેર રજા 30 ઓગસ્ટના છે પણ તેની ઉજવણી ક્યારે કરવી તેના અંગે અસંમંજસ છે. શક્તિપીઠ અંબાજીમાં 31 ઓગસ્ટે જ પૂનમ ભરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા પ્રસિદ્ધ દ્વારકાધિસ મંદિર ખાતે કાળિયા ઠાકોરને જનોઇ 30 ઓગસ્ટના બપોરે ૧૨ બાદ બદલવામાં આવશે જ્યારે ત્યાં પૂનમ 31 ઓગસ્ટ છે. આવી જ રીતે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ 31 ઓગસ્ટના જ શ્રાવણી પૂર્ણિમા ઉજવાશે.
રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના પ્રેમનો તહેવાર. પરંતુ બહેને ભાઇને રાખડી ક્યારે બાંધવી તેને લઇને જ્યોતિષીઓમાં મતમતાંતર છે. કેટલાક જ્યોતિષીઓનું એમ પણ માનવું છે કે આ વખતે 30-31 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે. જોકે, બે દિવસ રક્ષાબંધન ઉજવવા અંગે ઇન્કાર કરતાં જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, 'આ વર્ષે ગુજરાતમાં રક્ષાબંધન બે દિવસ નહીં એક જ દિવસ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂણમા તિથિ 30 ઓગસ્ટની સવારે 10:58થી 31 ઓગસ્ટની સવારે 7:58 સુધી રહેવાની છે.
આમ, રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટની સવારે 10:58થી 31 ઓગસ્ટની સવારે 7:58 સુધીનો રહેશે એવું પહેલી નજરે માનવામાં આવે છે. પરંતુ ભદ્રા વિષ્ટિ કરણ દોષ 30 ઓગસ્ટના રોજ સવારે 10:58ના શરુ થશે અને તે જ દિવસે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે બહેનો રાત્રે 9:01 વાગ્યાથી બીજે દિવસે સવારે 7:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકશે તેવું જણાવવામાં આવે છે પરંતુ તે પણ અધૂરું અને ભૂલ ભરેલું છે.
ધામક રીતે 31 ઓગસ્ટ ગુરુવાર ના રોજ આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને દિવસ ચોખ્ખો અને શુદ્ધ છે તેના મુખ્ય કારણો એવા છે કે સવારે સૂર્યોદય સમયે 6:22 મિનિટે પૂણમા તિથિ છે, જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે. ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો અંબાજી, ખેડબ્રહ્મા ડાકોરમાં પણ શ્રાવણની પૂણમા રક્ષાબંધન 31 ઓગસ્ટે જ ઉજવામાં આવશે. જેના કારણે કોઈપણ શંકા રાખ્યા વિના બહેન પોતાના ભાઈને 31 ઓગસ્ટ ગુરુવારના રોજ આખો દિવસ રાખડી બાંધી શકશે. જો પૂણમા તિથિ એ રક્ષા બંધન કરવું હોય તો આજ દિવસે કરી શકાય અને આ સંપૂર્ણ દિવસ ભદ્રા વિષ્ટિ કરણ નો કોઈ જ અશુભ દોષ નથી. '
બીજી તરફ જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાએ જણાવ્યું કે, ' શ્રાવણ સુદ 15 આ વખતે 30 ઓગસ્ટ-બુધવારના સવારે 10:59થી શરુ થાય છે અને તે 31 ઓગસ્ટ- ગુરુવારના રોજ સવારે 7:06 સુધી છે. આ ઉપરાંત બુધવારના રોજ વિષ્ટિ રાત્રે 9:02 વાગ્યા સુધી છે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કારણ ને મુહૂર્તમાં લેવાતું નથી છતાં કોઈ અનિવાર્ય કારણસર વિષ્ટિ ના પૂંછ ના સમય ને ધ્યાનમાં લેવામાં પણ આવે છે. 31 ઓગસ્ટ ગુરુવારના પૂનમ ત્રણ મુહૂર્તની નથી, માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ ઉપરાંત મુહૂર્ત અંગેના ગ્રંથના સંદર્ભમાં રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે. જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે મુહૂર્ત છે.'
રક્ષાબંધનમાં ભદ્રાકાળ ક્યારે છે?
જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટી ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રા હોવાથી બહેનો રાખડી બાંધી શકતી નથી. તિથિના પૂર્વાર્ધનો દિવસ ભદ્રા કહેવાય છે. તિથિના ઉત્તરાર્ધની ભદ્રાને રાત્રિની ભદ્રા કહેવામાં આવે છે. જો દિવસની ભદ્રા રાત્રે આવે અને રાત્રિની ભદ્રા દિવસે આવે તો ભદ્રા શુભ માનવામાં આવે છે.
આ વખતે રક્ષાબંધન ભદ્રકાળ આ મુજબ છે. સાંજે 5:30 - સાંજે 6:31 રક્ષાબંધન ભદ્રા મુખા. સાંજે 6:31 - સાંજે 8:11. રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય - રાત્રે 9:01 રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત - રાત્રે 9:01 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.
ભદ્રકાળમાં શા માટે રાખડી બાંધવામાં આવતી નથી?
ભદ્રા વિષ્ટિ અંગે પૌરાણિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે, શૂર્પણખાએ ભદ્રાવિષ્ટિ કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી. આનું પરિણામ એ આવ્યું કે રાવણના સમગ્ર કુળનો નાશ થયો. તેથી એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. એવી પણ માન્યતા છે કે ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.