| (IMAGE - IANS) |
Premanand Maharaj New Year Advice: નવા વર્ષ 2026ની શરૂઆત પહેલા દેશભરના ધાર્મિક સ્થળો પર ભક્તોની ભીડ ઉમટી રહી છે. આ દરમિયાન વૃંદાવનના વિખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચેલા ભક્તોએ નવા વર્ષના નિયમો અંગે માર્ગદર્શન માંગ્યું હતું. મહારાજશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નવું વર્ષ માત્ર મોજ-મસ્તી કે ઉજવણીનો વિષય નથી, પરંતુ તે આત્મસુધારણા અને ખરાબ આદતો છોડવાનો અવસર છે.
નશાથી દૂર રહેવા ચેતવણી
પ્રેમાનંદ મહારાજે ભક્તોને ચેતવણી આપતા કહ્યું કે, ઘણા લોકો 'હેપ્પી ન્યૂ યર' કહીને દારૂ પીવે છે, જે વાસ્તવમાં ખુશી નહીં પણ નરકનો માર્ગ છે. તેમણે કહ્યું, 'દારૂ પીવો, હિંસા કરવી અને પરસ્ત્રી ગમન કરવું એ પાપ છે. મનુષ્ય જીવન રાક્ષસી કર્મો કરવા માટે નથી મળ્યું. સાચી પ્રસન્નતા પરમાત્માની ભક્તિમાં છે, મદિરામાં નહીં.'
આંતરિક શુદ્ધિ જ સાચું સુખ
પ્રેમાનંદ મહારાજે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે નૈતિક મૂલ્યો અને શુદ્ધ આચરણ પર વિશેષ ભાર મૂક્યો છે. તેમના મતે, સાચું સુખ ભૌતિક સુખ-સુવિધાઓમાં નહીં પરંતુ આંતરિક શુદ્ધિમાં રહેલું છે. આ માટે તેમણે દારૂ અને સિગારેટ જેવા તમામ પ્રકારના વ્યસનો અને તામસિક ખોરાકનો ત્યાગ કરી સાત્વિક જીવનશૈલી અપનાવવાની શીખ આપી છે. મહારાજશ્રી જણાવે છે કે જ્યારે વ્યક્તિ પોતે વ્યસનમુક્ત બને છે અને પરસ્ત્રી કે પુરુષ પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખે છે, ત્યારે જ તેના જીવનમાં સાત્વિકતા અને ચારિત્ર્ય શુદ્ધિનો ઉદય થાય છે.
આ પણ વાંચો: 2026માં અપાર ધનવૃદ્ધિ થશે! મેષ-કુંભ સહિતની રાશિ માટે બની રહ્યો છે અત્યંત દુર્લભ યોગ
ભૌતિકવાદ છોડી આધ્યાત્મિકતા અપનાવવાનો સંદેશ
આ ઉપરાંત, આધ્યાત્મિક ઉન્નતિ માટે મહારાજશ્રીએ 'નામ જપ' અને 'પરોપકાર'ને અનિવાર્ય ગણાવ્યા છે. ભગવાનના નામનું નિરંતર સ્મરણ કરવાથી મન શાંત થાય છે અને ક્રોધ કે હિંસા જેવા નકારાત્મક ભાવો પર સંયમ મેળવવો સરળ બને છે. માત્ર પોતાની ખુશી માટે જીવવાને બદલે જરૂરિયાતમંદોની સેવા કરવી અને દાન-પુણ્યમાં સમય વિતાવવો એ મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ આત્મ-સંયમ અને પરમાર્થના માર્ગે ચાલે, તો તેનું જીવન નિઃસંકોચ મંગલમય અને પરમાત્માની કૃપાથી સભર બની જાય છે.
સમાજ અને બાળકો માટે સંદેશ
મહારાજે જણાવ્યું કે જો આપણે અત્યારથી જ સુધરીશું તો જ આપણા બાળકો અને સમાજને સારું વાતાવરણ આપી શકીશું. તેમણે સૌને પ્રાર્થના કરી કે આ નવું વર્ષ પાર્ટીઓ પાછળ વેડફવાને બદલે ધર્મ અને ભક્તિના માર્ગે ચાલીને જીવનને મંગલમય બનાવે.


