જાણો... પ્રદોષ વ્રતનું મહત્વ, શાસ્ત્રોમાં આ વ્રતનો અનોખો મહિમા દર્શાવાયો
- પ્રદોષ વ્રત અન્ય વ્રતની તુલનાએ ઝડપથી ફળ આપે છે
- પ્રદોષ દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિમાં આવે છે
અમદાવાદ, તા. 5 જુલાઈ 2018 ગુરુવાર
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા તમામ વ્રતોમાં પ્રદોષ વ્રતનું વધારે મહત્વ છે, જે જલ્દી ફળ આપે છે તેવું કહેવામાં આવે છે.
આ વ્રત હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ વ્રતોમાંથી એક છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, પ્રદોષ દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિમાં આવે છે.
શાસ્ત્રોમાં આ વ્રતની મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવી રહેલી કોઈ વ્યક્તિ જો પ્રદોષ વ્રત કરે તો ભગવાન શિવ તેને અભયદાન આપે છે.
સમગ્ર વર્ષ દરમિયાન પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ લેનાર વ્યક્તિએ સોમ પ્રદોષથી પોતાના વ્રતની શરૂઆત કરવી જોઈએ. પ્રદોષ વ્રત સપ્તાહના કોઈ પણ દિવસે આવી શકે છે, પરંતુ સોમવાર આવતા પ્રદોષનો મહિમા અલગ જ હોય છે. કહેવામાં આવે છે, આ જ દિવસે ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો હતો.
જુદા-જુદા દિવસે આવતા પ્રદોષ વ્રતનું શું મહત્વ છે
- રવિવારે આવતુ પ્રદોષનું વ્રત કરવાથી આયુષ્ય વધે છે. સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે રવિ પ્રદોષ કરવું જોઈએ
- સોમવારના દિવસે આવતા પ્રદોષ વ્રત કરવાથી આરોગ્ય સારું રહે છે. લાંબા સમય સુધી વ્યક્તિ બીમાર હોય તો સોમ પ્રદોષના પ્રભાવથી દૂર થઈ જાય છે. સાથે તમામ સુખોની પ્રાપ્તિ થાય છે
- મંગળવારે પ્રદોષ વ્રત આવે તો તેને કરવાથી મૃત્યુ સમાન કષ્ટ ભોગવી રહેલી વ્યક્તિ તરત સ્વસ્થ થઈ જાય છે. આ દિવસે વ્રત કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. તેમજ આર્થિક સંકટોથી છુટકારો મળે છે.
- બુધવારના દિવસે આવતુ પ્રદોષ વ્રત કરવાથી બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આર્થિક સંકટોમાંથી છુટકારો મળે છે
- ગુરુવારના દિવસે પ્રદોષ વ્રત આવે તો તેને કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે. પરિવાર અને સમાજમાં માન-સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે
- શુક્રવારના દિવસે આવતા પ્રદોષ વ્રત સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. આ વ્રતને પતિ-પત્ની સાથે મળીને કરે તો દાંપત્ય જીવન સારું રહે છે
- જે દંપતિને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો શનિવારે આવતા પ્રદોષનું વ્રત કરવું. તેનાથી તરત સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ જાય છે.
આ છે પ્રદોષ વ્રતની વાર્તા
પ્રદોષ વ્રત વિશે પૌરાણિક કથાઓ અનુસાર ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની 27 કન્યા સાથે થયા હતા. આ 27 કન્યા આકાશમંડળના 27 નક્ષત્ર છે. તેમાં રોહિણી સૌથી વધારે ખુબસુરત છે.
એટલા માટે ચંદ્ર તેના પર વધારે સ્નેહ રાખે છે. ચંદ્રનું રોહિણીના પ્રત્યે પ્રેમ જોઈને શેષ કન્યા દુખી થતી હતી અને તેમને પોતાના પિતા દક્ષ સાથે બધી વાત કરી.
દક્ષનો સ્વભાવ ગુસ્સાવાળો છે. તેમને પોતાની અન્ય કન્યાઓની સાથે થઈ રહેલા ભેદભાવના કારણે ક્રોધમાં આવી ચંદ્રને શ્રાપ આપ્યો કે તને ક્ષય રોગ થશે.
ચંદ્ર અને રોહિણીની પૂજા
શ્રાપના પ્રભાવથી ધીમે ધીને ચંદ્ર ક્ષય રોગથી ગ્રસત થવા લાગ્યો અને તેમની કલાઓ ક્ષીણ થવા લાગી. ત્યારે નારદે તેમને ભગવાન શિવની આરાધના કરવાનું કહ્યું હતું. તેના પછી ચંદ્ર અને રોહિણીએ ભગવાન શિવની આરાધના શરૂ કરી.
ચંદ્ર અને રોહિણીની પૂજાથી પ્રસન્ન થઈને શિવના પ્રદોષકાળમાં ચંદ્રને પુર્નજીવનનું વરદાન આપ્યું તેને પોતાના મસ્તક પર ધારણ કરી લીધુ.
ચંદ્ર મૃત્યુની નજીક હોવા છતા પણ તેમનુ મૃત્યુ ના થયું. ધીમે ધીમે ચંદ્ર સ્વસ્થ થવા લાગ્યા અને પૂનમના દિવસે પૂર્ણ ચંદ્રના રૂપમાં પ્રગટ થયા. એ દિવસ સોમ પ્રદોષનો દિવસ હતો.