Pitru Poojan : જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અને જ્યારે જ્યારે ગ્રહોની યુતિ થાય છે ત્યારે કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે, તો કેટલીક રાશિઓ માટે અશુભ હોય છે. આજે 19 નવેમ્બરે અમાસ છે, ત્યારે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં યુતિ કરી રહ્યા છે, ત્યારે જ્યોતિષાચાર્ચ ડો. હેમીલ પી. લાઠીયાએ અમાસમાં પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે વિશેષ પૂજન વિધિ જણાવી છે.
કારતક વદ અમાસ તિથિ
આજે 19 નવેમ્બર, બુધવાર સવારે 9.44 થી અમાસ શરુ થાય છે. અમાસ તિથિ હિન્દુ માસના વદ (કૃષ્ણ પક્ષ) ના અંતિમ દિવસે આવે છે. તેની અંક સંજ્ઞા ૩૦ તરીકે ઓળખાય છે. તે દિવસે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં યુતિ કરે છે. કારતક માસની અમાસ વખતે વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને ચંદ્ર ભેગા થાય છે, જેમની કુંડળીમા પિતૃદોષ જણાતો હોય તેવા લોકોએ પિતૃકૃપા માટે શક્યતા અનુસાર દરેક માસની અમાસમા પિતૃ પૂજન કરવું લાભદાયી માનવામાં આવે છે.
સોમવતી અમાસ અને બુધવારી અમાસ
ભાદરવા વદ પિતૃ પૂજન પર્વની અમાસમાં સૂર્ય અને ચંદ્ર કન્યા રાશિમા યુતિ કરે છે. જે સર્વપિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે. સોમવતી અમાસ અને બુધવારી અમાસનું મહત્ત્વ એટલે સોમવારે અમાસ આવે તેને સોમવતી અમાસ કહેવાય અને બુધવારે આવતી અમાસ બુધવારી અમાસ કહેવાય છે. જે લોકો કોઈ કારણસર દરેક માસની અમાસમાં પિતૃપૂજન સમય સંજોગને લીધે ન કરી શકતા હોય, તેવા લોકોએ આ અમાસ દરમિયાન પૂજન કરવું વિશેષ કહેવાય છે.
પિતૃ પૂજન વિધિ
પિતૃ પૂજન માટે સવારથી બપોર સુધીનો સમય પસંદ કરી શકાય છે. સાંજ પહેલા પૂજા પૂર્ણ કરવાની હોય છે, કોઈપણ વ્યક્તિ સરળતાથી પૂજન કરી શકે છે, સવારે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર જળ અભિષેક, પંચામૃત અભિષેક શિવલિંગ પર અને સાથે શિવલિંગ પરનાં સર્પ પર અભિષેક કરીને જો શક્ય હોય તો અભિષેક કરતી વખતે પોતાનું મુખ નૈઋત્ય દિશા ( રાહુની દિશા ) તરફ રાખવું, ( દક્ષિણ અને પશ્ચિમના વચ્ચેના ખૂણાને નૈઋત્ય કહે છે ) અથવા દક્ષિણ દિશા ( યમની દિશા ) તરફ પોતાનું મુખ રાખવું ઇચ્છનીય છે.
પિતૃશાંતિ અને કૃપા માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો લાભદાયી
શિવલિંગ પર અભિષેક કર્યાં પછી પીપળાનાં વૃક્ષના મૂળ પર જળ સિંચન કરતી વખતે પ્રદક્ષિણા કરવી અને જો શક્ય હોય તો જળમાં જવના થોડા દાણા નાખવા ઇચ્છનીય છે. ત્યાર બાદ મુળ પાસે પતાસા એક નંગ પ્રસાદ તરીકે મુકવો, પૂજા કર્યા પછી પાછળ વળીને જોવું નહીં. બીજી સરળ રીત પિતૃશાંતિ અને કૃપા માટે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા ઇચ્છનીય છે, અથવા કાલી માતાની ભક્તિ પણ કેટલાક વિદ્વાન ઉચિત માનવામાં આવે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત
આ ઉપરાંત કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં પરણિત સ્ત્રીએ પૂજન કરતી વખતે માથે સાડી, વસ્ત્ર ઓઢવાનું રાખવુ જરુરી છે. પુરુષ માટે ચામડાની વસ્તુ જેવી કે પટ્ટો, પર્સ વગેરે પાસે ન રાખવા જોઈએ. ઘણા વિદ્વાન માથા પર તે પૂજા સમય પૂરતું તેલ ન નાખવાની ભલામણ પણ કરે છે. દૂધ પૂજન માટે સાદું ઉપયોગમા લેવાનું (ગરમ કર્યા વગરનું ), ઉપરાંત ઘરે સંધ્યા સમયે ગુગળનું ધૂપ કરવું અને તેના પર એક લવિંગ અને પાતાસું મુકવું, કારણ કે જેની ઉર્જાથી પિતૃ ખુશ થાય છે. ગાય, કુતરાને રોટલી આપવી તેમજ ગરીબને યથાશક્તિ મુજબ સહાય, દાન કરવું લાભદાયી છે.
પિતૃપૂજન પિતૃ આશીર્વાદ હેતુ છે, માટે તે અંગે ખોટો વહેમ કે શંકા ના રાખવી, પિતૃદોષ અંગે કોઈ બાબતથી ગભરાવાની જરૂર નથી. ફક્ત વિશ્વાસ અને નિષ્ટાથી ભક્તિ કરવાથી તેમાં રાહત અને કૃપા મળે છે.


