- દૈનિક રોજિંદા ખર્ચ કાઢવામાં પણ આપને મુશ્કેલી અનુભવાય. નાણાંભીડના લીધે પારિવારીક જરૂરિયાતો પૂરી કરવામાં તકલીફ પડે
વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળ રહે. શનિની સાડાસાતી વર્ષની પનોતીનો બીજો તબક્કો છાતી પરથી લોખંડના પાયે પસાર થઈ રહ્યો છે જે આપને કષ્ટ-પીડા રખાવે. વર્ષ દરમ્યાન રાહુનું પરિભ્રમણ આપના માટે મુશ્કેલી ઉભી કર્યા કરશે. ગુરૂનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન પ્રતિકૂળ-સાનુકૂળ રહે.
આરોગ્ય સુખાકારી
આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે નબળું રહે. વર્ષ દરમ્યાન આરોગ્યની બાબતમાં આપે વિશેષ સાવધાની રાખવી પડે. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બગાડે. આપના હૃદય-મન સતત ઉચાટ ઉદ્વેગમાં રહ્યા કરે. આપને શાંતિ-રાહત જણાય નહીં. વર્ષ દરમ્યાન આપને મોં, દાંત, જડબું, ગળા-ગરદનની, ખભાની, આંખોની તકલીફ જણાય. માથામાં દુ:ખાવો, સણકા આવવા જેવી તકલીફ જણાય. આપને અચાનક ચક્કર આવે, આંખે અંધારા આવી જાય તો તરત જ દાક્તર પાસે જવું.
માગસર વદ એકમ તા. ૫ ડિસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ વક્રી થઈને મિથુન રાશિમાંથી પસાર થઈ રહ્યો છે. જે આપના સ્વાસ્થ્યની બાબતમાં આપની ચિંતા-મુશ્કેલીમાં વધારો કરશે. છાતીમાં દુ:ખાવાની તકલીફ રહે. પડવા વાગવાથી માથામાં ઇજા ન થાય તેની તકેદારી આપે રાખવી પડે. પીઠ-કમરનો દુ:ખાવો ઉપડે. ગાદીની-કરોડરજ્જુની તકલીફ જણાય. આપની બેદરકારી આપના રોગમાં વધારો કરે. જો કે વર્ષના પ્રારંભથી તા. ૫ ડિસેમ્બર અને તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ આપના માટે સારો રહેશે. આપને થોડી રાહત મળી રહે. ખાવા-પીવામાં અને દવા લેવામાં ધ્યાન રાખવાથી તબીયતમાં થોડો સુધારો જણાય. તેમ છતાં વર્ષ દરમ્યાન શનિ-રાહુ આપને શારિરીક-માનસિક કોઈને કોઈ સમસ્યા રખાવડાવશે.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહે. આવક ઘટતી જાય, સ્થગિત થઈ જાય અને જાવક ચાલુ રહેતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ રહે છે. તેથી કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ, ખોટા ખર્ચાઓ થયા કરે. બારમો રાહુ આપને બંધનયુક્ત પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો તેવો અહેસાસ કરાવે. સરકારી, ખાતાકીય તપાસને લીધે બેંક ખાતા, લોકર, અન્ય સંપત્તિ જપ્ત થઈ જતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. દૈનિક રોજિંદા ખર્ચ કાઢવામાં પણ આપને મુશ્કેલી અનુભવાય. નાણાંભીડના લીધે કૌટુંબિક પારિવારીક જરૂરિયાતો પૂરી કરવામાં તકલીફ પડે. સામાજિક-વ્યવહારો સાચવવામાં આપને મુશ્કેલી જણાય.
તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂ પણ આપના માટે પ્રતિકૂળ રહેતાં નોકરી-ધંધાકીય મુશ્કેલીઓના લીધે ખર્ચ આવ્યા કરે. આપે નાણાં જોડવા પડે. ધંધામાં ધરાકી ન થતાં, નોકરી છૂટી જતાં આપની આવક બંધ થઈ જાય. ઉધારીમાં ધંધો કર્યો હોય તો ઉઘરાણીમાં નાણાં ફસાઈ જાય. કોઈને ઉધાર આપ્યા હોય તે પૈસા આપવાની ના પાડી દે કે ગાયબ થઈ જવાથી આપની પરિસ્થિતિ કફોડી થઈ જાય. બેંકમાંથી લોન લઈને, બહારથી વ્યાજે નાણાં લઈને ધંધો કર્યો હોય, સામાન ખરીદ્યો હોય તેના સમયસર હપ્તા ન ભરી શકવાથી માલ સામાન, ધંધા પર બેંક કે જે તે વ્યક્તિ કબ્જો જમાવી લે. તેમાં પણ તા. ૧૨ ફેબુ્રઆરીથી તા. ૨ એપ્રીલ સુધીનો સમય આપના માટે વધુ તકલીફદાયક રહે. પૈસા ભરેલું પાકીટ ખોવાઈ કે ચોરાઈ જવાથી આપની પરેશાની ચિંતામાં વધારો થાય. ટૂંકમાં વર્ષ દરમ્યાન આપે નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું તેમજ આડેધડ જોખમી રોકાણો કરવા નહીં.
પત્ની- સંતાન- પરિવાર
કૌટુંબિક-પારિવારીક દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું છે. વર્ષ દરમ્યાન આપને કોઈને કોઈ કૌટુંબિક-પારિવારીક ચિંતા રહ્યા કરે. સાસરીપક્ષે-મોસાળપક્ષે બીમારી-ચિંતા ખર્ચનું આવરણ આવી જાય. કોઈને કોઈ કારણસર વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખ થઈ જાય. સાંસારિક જીવનમાં પત્નીના આરોગ્ય બાબતે આપને ચિંતા રહે. પત્ની સાથેના સંબંધોમાં ખટાશ આવી જાય. સંબંધ પૂરો થઈ જવાની અણી પર આવી જાય. કોર્ટ કેસ ચાલતો હોય તો આપની મુશ્કેલીમાં વધારો થાય. ચૂકાદો આપની વિરુદ્ધમાં આવતાં નાણાંકીય વળતર ચૂકવવું પડે. સંતાનનો કબ્જો આપને આપવામાં આવે નહીં. સંતાનથી દૂર થઈ જાય. તે સિવાય માતા-પિતાના આરોગ્ય-આયુષ્યની પણ આપને ચિંતા રહ્યા કરે. જો કે તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન થોડી રાહત રહે. સંતાન પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં ઘટાડો થાય. તેના કામ ઉકેલાતાં રાહત જણાય.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
વિક્રમ સંવત ૨૦૮૨ ના વર્ષ દરમ્યાન નોકરીમાં આપે ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રખાવડાવે. વિચારોની અસમંજસના દ્વિધાના લીધે કામમાં વિલંબ જણાય. આરોગ્યની બાબતના લીધે આપે વારંવાર રજાઓ પાડવી પડે જેની અસર આપના કામ પર થાય. વારંવારની રજાઓના લીધે ઉપરી વર્ગ-સંચાલક મંડળ આપનાથી નારાજ રહે. કામમાં વિલંબ, વારંવાર ભૂલો થવાને લીધે ઉપરી વર્ગનો ઠપકો આપે સાંભળવો પડે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર વર્ગ, હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂકે. આપનું કામ બગડે તેવા પ્રયાસો કર્યા કરો. અન્યના ભૂલની સજા આપે ભોગવવી પડે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
વિક્રમ સંમત ૨૦૮૨ ના વર્ષ દરમ્યાન આપે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ નબળું રહે. નવા કોઈ સાહસો કે જોખમ કરવા નહીં. નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું પડે. આપના ગણતરી ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. એક બાજુ માલનો ભરાવો થઈ જાય અને બીજી બાજુ ઘરાકી ન આવવાથી નાણાં છૂટા ન થાય. આવક થાય નહીં, નાણાં ફસાતા જાય અને આપની પરિસ્થિતિ બગડતી જાય. લોખંડ, રસાયણ, કમ્પ્યુટર સોફ્ટવેર-હાર્ડવેરના ધંધામાં, આર્કીટેક્ચરના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. સંયુક્ત ધંધામા, ભાગીદારીવાળા ધંધામાં છૂટા થવાનો પ્રશ્ન ઉભો થાય. આપે નાણાં આપવા પડે કે આપે ધંધામાંથી છૂટા થવું પડે. બન્ને પરિસ્થિતિમાં આપ કિંકર્તવ્યમૂઢ થઈ જાવ. શું કરવું, શું ન કરવું તેની સમજ પડે નહીં. તા. ૫ ડિસેમ્બરથી તા. ૧ જૂન દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ વધુ નબળું થતાં આપની પ્રતિકૂળતામાં વધારો થાય. વક્રી ગુરૂ આપની મુશ્કેલીમાં વધારો કરે. આવક બંધ થઈ જાય અને જાવક ચાલુ રહેતાં પરેશાની અનુભવો. ઘરાકી સાવ અટકી જાય. ક્યારેક તો વિચાર આવે કે દુકાન શા માટે ખોલો છો. ધંધો બંધ કરવાના વિચાર આવે. ધંધામાં નુકસાની જતાં નાણાંકીય ખેંચનો અનુભવ થાય. બેંકના હપ્તા ભરી શકો નહીં. બહારથી વ્યાજે ઉધાર નાણાં લાવ્યા હોય તો તેની ઉઘરાણીથી આપની પરિસ્થિતિ વિકટ થતી જાય. તા. ૧૨ ફેબુ્રઆરીથી તા. ૨ એપ્રિલ દરમ્યાન આપની નાણાંકીય મુશ્કેલીમાં વધારો થાય. ય્જી્ , ઇન્કમટેક્સના ચક્કરમાં ફસાઈ જાવ. જો કે તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂ સારો થતાં આપને થોડી રાહત રહે.
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગ માટે સંવત ૨૦૮૨નું વર્ષ કોઈને કોઈ ચિંતા-પરેશાનીનું રહે. વર્ષ દરમ્યાન શનિ-રાહુનું પરિભ્રમણ આપની મુશ્કેલીઓમાં વધારો કરતું જાય. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. નોકરીયાત-વ્યવસાયી મહિલાઓને કામ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી પડે. કુટુંબ પરિવારનો સાથ મળે નહીં. વધુ પડતા કામ, દબાણ, તણાવ, દોડધામ, શ્રમની અસર આપના સ્વાસ્થ્ય પર પડે. પતિના આરોગ્ય આયુષ્યની ચિંતા રહે. ખર્ચ જણાય. સાસરીપક્ષ-મોસાળ પક્ષમાં સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે. નાણાંકીય મુશ્કેલીના લીધે ઘર ખર્ચમાં વ્યવહારો સાચવવામાં તકલીફ અનુભવાય. તા. ૧ જૂનથી તા. ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ થોડી રાહત અપાવે. સંતાનનો સાથ સહકાર મળી રહે. સંતાનના કામ થવાથી આપને આનંદ રહે.
ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે પ્રતિકૂળતાનું રહેશે. આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા. વર્ષ દરમ્યાન આપને શારીરિક-માનસિક, આર્થિક, સામાજિક-વ્યવહારિક, કૌટુંબિક-પારિવારીક કોઈ ને કોઈ મુશ્કેલી રહ્યા કરે. નોકરી-ધંધામાં આપની પરિસ્થિતિ ન રહેવાય ન સહેવાય, ન કહેવાય જેવી થાય. વર્ષ દરમ્યાન નાણાંકીય રોકાણોની બાબતમાં આપે જોખમો કરવા નહીં. આકસ્મિક અને ખોટા ખર્ચાઓને લીધે આપે નાણાંભીડનો સામનો કરવો પડે. માતા-પિતા-પત્ની-સંતાનની ચિંતા આપને રહ્યા કરે. આપના સ્વાસ્થ્યની બાબતમાં પણ આપે ધ્યાન રાખવું પડે.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગે આ વર્ષ દરમ્યાન કોઈના પર ભરોસો રાખ્યા વગર જાત મહેનત પર વિશ્વાસ રાખવો. અભ્યાસમાં મુશ્કેલી રહ્યા કરે. વાંચવા છતાં યાદ રહે નહીં. પરીક્ષા સમયે બીમારી-અકસ્માત, હતાશા, નિરાશાના કારણે યોગ્ય રજૂઆત ન કરી શકતાં મહેનતના પ્રમાણમાં પરિણામ મળે નહીં. થોડા ગુણ માટે વર્ષ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે. મનગમતી લાઈનમાં જઈ શકો નહીં. કારકીર્દીનું વર્ષ હોય તેમણે અન્ય બાબતો પર ધ્યાન આપ્યા વગર અભ્યાસ પર વધુ ધ્યાન આપવું. મિત્રવર્ગની ચિંતા આપને જણાય. મિત્ર વર્ગ સાથે વાદ વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે. વ્યસની-મોજમજા કરવાવાળા, સ્વાર્થી મિત્રોથી આપે સંભાળવું પડે. ટૂંકમાં જો આપ ધ્યાન ન આપો તો વર્ષ બગડે, કારકીર્દી રોળાઈ જાય તેવું બને.


