Parivartani Ekadashi 2020 : પરિવર્તિની એકાદશીનું મહત્ત્વ અને પૌરાણિક કથા
- ભાદરવા મહિનાની શુક્લપક્ષની અગિયારસને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે
નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2020, શુક્રવાર
પરિવર્તિની એકાદશી વ્રત આવતીકાલે 29 ઓગષ્ટના રોજ છે. હિન્દૂ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લપક્ષની અગિયારસને પદ્મા એકાદશી અથવા પરિવર્તિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રાસનમાં પોતાની કરવટ બદલે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થતી રહે છે. આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી, જયઝૂલણી એકાદશી, ડોલ ગ્યારસ એકાદશી વગેરે જેવા કેટલાય નામથી ઓળખાય છે.
ભગવાન વિષ્ણુ ચાર મહીના સુધી સૂતાં રહે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિના ચતુર્માસ કહેવાય છે અને દેવઉઠી અગિયારસે જાગે છે. ભાદરવા માસના શુક્લપક્ષના દિવસે ભગવાન વિષ્ણુ સૂતી વખતે પડખું ફરે છે એટલા માટે તેને પરિવર્તિની એકાદશી તરીકે મનાવવામાં આવે છે. આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે.. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજી પોતાની શયનમુદ્રામાં કરવટ બદલે છે. આમ, પડખું ફરવાને કારણે તેમના સ્થાનમાં પરિવર્તન આવે છે એટલા માટે આ એકાદશીને પરિવર્તિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી વ્રતીને વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે વિષ્ણુજીના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. પદ્મ પુરાણમાં શ્રીકૃષ્ણજી એ કહ્યું છે કે પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ વામન અવતારની પૂજા કરવી જોઇએ કારણ કે ભગવાન આ ચાર મહિના દરમિયાન વામન અવતારમાં પાતાળ લોકમાં નિવાસ કરે છે.
પુરાણો અનુસાર રાજા બલિએ પોતાની શક્તિથી ત્રણેય લોક પર પોતાનો અધિકાર કરી લીધો હતો. એકવાર ભગવાન વિષ્ણુએ રાજા બલિની પરીક્ષા લીધી. રાજા બલિ કોઇ પણ બ્રાહ્મણને ક્યારેય પણ નિરાશ કરતો નહીં. વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલિ પાસે ત્રણ પગ જમીન આપવા માટેનું વચન માંગી લીધું હતું. ભગવાન વિષ્ણુએ બે પગમાં સમસ્ત લોક માપી લીધું. જ્યારે ત્રીજા પગ માટે કંઇ બચ્યુ નહીં ત્યારે રાજા બલિએ પોતાનું વચન પૂરું કરવા માટે પોતાનું મષ્તક વામન બ્રાહ્મણના પગ નીચે રાખી દીધું. રાજા બલિ પાતાળ લોકમાં સમાવવા લાગ્યા ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુને પણ પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો અને ભગવાન વિષ્ણુએ પાતાળ લોક જવા માટેનું વચન આપ્યું.
પરિવર્તિની એકાદશી વ્રત-પૂજા વિધિ :
આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરતાં તેમને પંચામૃત (દહીં, દૂધ, ઘી, ખાંડ, મધ)થી સ્નાન કરાઓ. ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુને કુમકુમ-અક્ષત ચઢાઓ. વામન ભગવાનની કથા સાંભળો અથવા વાંચો અને દીવાથી આરતી ઉતારો તેમજ પ્રસાદનું વિતરણ કરો અને વ્રત રાખો. એક જ ટાઇમ જમો અને શક્ય હોય તો મીઠું ન ખાશો અથવા એકવાર સિંધવ મીઠું ખાઓ શકો છો. ભગવાન વિષ્ણુના પંચાક્ષર મંત્ર "ૐ નમો ભગવરે વાસુદેવાય" અથવા શક્ય હોય તો તુલસીની માળાથી જાપ કરો. ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન-કીર્તનનું કાર્યક્રમ કરો.
આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે. પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે. પદ્મા એકાદશીના વિષયમાં શાસ્ત્ર કહે છે કે આ દિવસ ચોખા, દહીં તેમજ ચાંદીનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. જે લોકો કોઇ કારણથી પદ્મા એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમણે પદ્મા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના જુદા-જુદા અવતારોની કથાનો પાઠ કરવો જોઇએ. વિષ્ણુ સહસ્રનામ તેમજ રામાયણનો પાઠ કરવું પણ આ દિવસે ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે.