Padmini Ekadashi 2020 : જાણો, પદ્મિની એકાદશી વ્રતની પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્ત્વ વિશે
- અધિકમાસ અને પદ્મિની એકાદશી બંને ભગવાન વિષ્ણુને સમર્પિત છે
- અધિકમાસની જેમ પદ્મિની એકાદશી 3 વર્ષે એકવાર આવે છે
નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર
હિન્દૂ પંચાંગ અનુસાર, પદ્મિની એકાદશી આવતીકાલે એટલે કે 27 સપ્ટેમ્બર રવિવારના દિવસે આવે છે. પદ્મિની એકાદશીને કમલા એકાદશી પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, પદ્મિની એકાદશી તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પદ્મિની એકાદશી અધિકમાસમાં આવે છે. મહાભારત કાળની માન્યતા અનુસાર, શ્રીકૃષ્ણએ પોતે યુધિષ્ઠિર અને અર્જુનને એકાદશી વ્રતની મહિમાનું મહત્ત્વ જણાવ્યું હતું. અધિકમાસ અને એકાદશી બંને ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
પદ્મિની એકાદશી શુભ મુહૂર્ત
એકાદશી તિથિની શરૂઆત : આજે, 26 સપ્ટેમ્બર સાંજે 06 : 59 મિનિટથી
એકાદશી તિથિનું સમાપન : 27 સપ્ટેમ્બર સાંજે 07 : 46 મિનિટ સુધી
પદ્મિની એકાદશી વ્રતના પારણાં મુહૂર્ત : 28 સપ્ટેમ્બર 2020ની સવારે 06:12થી સવારે 08: 36 મિનિટ સુધી.
પદ્મિની એકાદશીની પૂજા વિધિ :
પદ્મિની એકાદશી પર એટલે કે આવતી કાલે સવારે સ્નાન કર્યા બાદ પૂજાઘરમાં આસન પર બેસીને વ્રતનું સંકલ્પ લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા કર્યા બાદ વિષ્ણુ પુરાણ વાંચો. આખો દિવસ નિરાહાર વ્રત રાખો. ફળાહાર કરી શકો છો. રાત્રે પણ ભગવાન વિષ્ણુની આરાધના અને ભજન કરો. બીજા દિવસે સવારે એકાદશી વ્રતનું વિધિવત પારણાં કરો. આમ કરવાથી જ વ્રતનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થશે.
પદ્મિની એકાદશીનું મહત્ત્વ :
અધિકમાસમાં આવતી પદ્મિની એકાદશી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પદ્મિની એકાદશી પર ભક્ત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા અર્ચના કરે છે. માન્યતા છે કે જે જાતક આ વ્રત કરે છે તેને તમામ સુખોની પ્રાપ્તિ થાય છે અને તેમનાં દુખોનો નાશ થાય છે. તેઓ ખુશી-ખુશી જીવન પસાર કરે છે અને ત્યારબાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અધિકમાસની જેમ આ એકાદશી પણ 3 વર્ષમાં એકવાર આવે છે.