આ મંદિરમાં દર્શન કરવા જતા ડરે છે લોકો, જાણો શું છે રહસ્ય

નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર
ભારત એવો દેશ છે જ્યાં હજારો નાના મોટા મંદિર આવેલા છે. કેટલાક મંદિરો દૂર હોય છે તેમ છતાં લોકો કઠીન સ્થિતીમાંથી પસાર થઈને પણ તેના દર્શને જવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે એવા મંદિર વિશે જાણો છો કે જ્યાં જવામાં લોકોને ડર લાગે છે? નથી જાણતા તો ચાલો આજે તમને જણાવીએ એવા મંદિર વિશે જેની આસપાસ ફરવા જવામાં પણ લોકો ડરે છે.
દુનિયાનું આ એકમાત્ર મંદિર છે જે યમરાજને સમર્પિત છે. આ મંદિર હિમાચલના ચંબામાં આવેલા નાનકડા વિસ્તાર ભારમોરમાં આવેલું છે. આ મંદિર એક ઘર જેવું જ દેખાય છે પરંતુ તે મૃત્યુના દેવતાને સમર્પિત હોવાથી લોકો અહીં આવતા ડરે છે. લોકો આ મંદિરમાં બહારથી જ પ્રાર્થના કરી અને રવાના થઈ જાય છે.
આ મંદિરમાં ચિત્રગુપ્ત માટે પણ એક કક્ષ બનાવવામાં આવ્યો છે. ચિત્રગુપ્ત યમરાજના સહાયક છે અને તે લોકોના સારા તેમજ ખરાબ કર્મોનો હિસાબ રાખે છે. આ મંદિરમાં ચાર દરવાજા છે અને જે સોના, ચાંદી, તાંબા અને લોઢાથી બનેલા છે. માન્યતા છે કે યમરાજ નિર્ણય કરે છે કે કઈ આત્મા કયા દરવાજામાંથી પસાર થઈ મૃત્યુલોકમાં પહોંચશે.