Durga Ashtami 2020 : નવરાત્રીના અષ્ટમી અને નવમી તિથિ પર માતાના આ સ્વરૂપની પૂજા કરો
- જાણો, નવરાત્રીના આઠમા અને નવમા નોરતાના મહત્ત્વ વિશે...
નવી દિલ્હી, તા. 24 ઑક્ટોબર 2020, શનિવાર
નવરાત્રીના નવ દિવસનો પાવન પર્વ, દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દરમિયાન ભક્ત દેવી શક્તિ તેમજ માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરી તેમની અસીમ કૃપા પ્રાપ્ત કરે છે. નવરાત્રીમાં અષ્ટમી અને નવમી તિથિનું મહત્ત્વ વિશેષ હોય છે.. હિન્દૂ ધર્મના કેટલાય લોકો પોતાની પરંપરા અનુસાર અષ્ટમી અને નવમી તિથિના દિવસે જ કન્યા પૂજા કરે છે. તેની સાથે જ કેટલીય અન્ય માંગલિક કાર્યક્રમ જેવા કે મુંડન, અન્નપ્રાશન સંસ્કાર અને ગૃહ પ્રવેશ પણ આ તિથિ પર કરવાનું શુભ માનવામાં આવે છે. શરદીય નવરાત્રી 2020માં અષ્ટમી અને નવમી પૂજા 24 ઑક્ટોબર એટલે કે આજે કરવામાં આવશે.
અષ્ટમી તિથિ પર કરો દેવી મહાગૌરીની આરાધના
દેવી મહાગૌરીને માતા દુર્ગાનો આઠમો અવતાર માનવામાં આવે છે. તેમના અવતારને લઇને માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે દેવી મહાગૌરીના સ્વરૂપમાં જ જન્મ લઇને તપસ્યા કરી હતી. આ તપસ્યાના કારણે માતા પાર્વતીનો રંગ કાળો પડી ગયો હતો. ત્યારબાદ જ્યારે ભગવાન શિવ કઠોર તપસ્યાથી પ્રસન્ન થયા ત્યારે તેમણે માતા પાર્વતીને પવિત્ર ગંગાના જળથી સ્નાન કરાવ્યું. માનવામાં આવે છે કે ત્યારબાદથી જ દેવી ગૌરીનો રંગ ખૂબ જ ગોરો થઇ ગયો અને ત્યારથી જ તેઓ વિશ્વભરમાં દેવી મહાગૌરીના નામથી જાણિતા થયા હતા. દેવી દુર્ગાના આ સ્વરૂપને ગંગાના જળની જેમ ખૂબ જ શાંત અને નિર્મણ માનવામાં આવે છે, જેમનું વાહન વૃષભ હોય છે. એટલા માટે જે પણ ભક્ત સાચી ભાવનાથી માતા મહાગૌરીની ઉપાસના કરે છે તેને પોતાના તમામ પાપ અને દોષમાંથી મુક્તિ મળી જાય છે.
દેવી મહાગૌરીની પૂજા મંત્ર :-
ॐ देवी महागौर्यै नमः॥
પ્રાર્થના મંત્ર :-
श्वेते वृषेसमारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेव प्रमोददा॥
નવમી તિથિ પર માતા સિદ્ધિદાત્રીની પૂજા કરો
માતા દુર્ગાનું નવમું સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીનું માનવામાં આવે છે. સિદ્ધિદાત્રીનો અર્થ થાય છે સિદ્ધિ આપનાર. એવામાં માતાના આ સ્વરૂપની આરાધના કરવાથી વ્યક્તિને સિદ્ધિ એટલે કે સફળતાની સાથે-સાથે જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. માતા દુર્ગા પોતાના આ સ્વરૂપમાં ખૂબ જ સુંદર લાગે છે જે લાલ સાડી પહેરીને, સિંહની સવારી કરે છે. માનવામાં આવે છે કે સ્વયં મહાદેવે પણ કેટલાય પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ માટે દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના કરી હતી. તેના માટે મહાદેવને વર્ષો સુધી તપ કરવા પડ્યા હતા, ત્યારબાદ માતા સિદ્ધિદાત્રી તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને શિવજીને આશીર્વાદ સ્વરૂપે તમામ સિદ્ધિઓ આપી દીધી હતી. માન્યતા છે કે સિદ્ધિઓને પ્રાપ્ત કરતી વખતે શિવજીનું અડધુ શરીર દેવી સિદ્ધિદાત્રીનું થઇ ગયું હતું. એટલા માટે જ તેમને અર્ધનારીશ્વર પણ કહેવામાં આવે છે.
માતા સિદ્ધિદાત્રીનો પૂજા મંત્ર :-
ॐ देवी सिद्धिदात्र्यै नमः॥
પ્રાર્થના મંત્ર :-
सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥