નવગ્રહ શાંતિ માટે આ વસ્તુઓનું કરવું દાન, જાણો દરેકના બીજ મંત્ર અને પૂજા વિધિ
અમદાવાદ, 9 જુલાઈ 2019, મંગળવાર
વ્યક્તિના જન્મના સમય અને તિથિ અનુસાર તેની કુંડળી તૈયાર કરવામાં આવે છે. આ કુંડળીમાં 9 ગ્રહ હોય છે જેમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુનો સમાવેશ થાય છે. વ્યક્તિના જીવનમાં બનતી દરેક સારી અને ખરાબ ઘટના માટે પણ આ 9 ગ્રહ જવાબદાર હોય છે. આ ગ્રહોના ગોચરનો શુભ તેમજ અશુભ પ્રભાવ જાતક પર પડતો હોય છે. નવગ્રહને શાંત અને શુભ કરવા માટે બીજ મંત્ર અને યંત્ર હોય છે. 12 રાશિમાં સમયાંતરે આ ગ્રહો ગોચર કરે છે. નવગ્રહની પૂજા પણ કેટલીક વિધિ પહેલા જરૂરી હોય છે. નવગ્રહોની વૈદિક અને તાંત્રિક મંત્ર જાપથી પૂજા કરવામાં આવે છે.
સૂર્ય
સૂર્ય નવગ્રહોમાં રાજા સમાન છે. સૂર્યને પ્રસન્ન કરવા માટે ઘઉં, તાંબુ, ઘી, સોનું અથવા ગોળનું દાન કરવું જોઈએ. સૂર્યોદય સમયે આ ॐ હ્રાં હીં સ: સૂર્યાય નમ: મંત્રનો જાપ 7000 વખત કરવાથી સૂર્ય શાંત થાય છે.
ચંદ્ર
ચંદ્રને મજબૂત કરવા માટે ચાંદી, ખાંડ, સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. સાથે જ 11,000 વખત ॐ શ્રાં શ્રીં શ્રૌં સ: ચંદ્રાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ.
મંગળ
મંગળને શાંત અને શુભ કરવા માટે મસૂરની દાળ, લાલ વસ્ત્ર, ગોળ દાન કરી શકાય છે. આ ઉપરાંત ॐ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાય નમ: મંત્રનો 10,000 વખત જાપ કરવો.
બુધ
બુધ ગ્રહ માટે મગ, લીલા વસ્ત્ર, કપૂરનું દાન કરવું. આ ઉપરાંત ॐ બ્રાં બ્રીં બ્રોં સ: બુધાય નમ: મંત્રનો 9000 વાર જાપ કરવો.
ગુરુ
ગુરુ માટે સોનું, ચણાની દાળ, પીળી વસ્તુઓ દાન કરી શકાય. આ ઉપરાંત ॐ ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરુવૈ નમ: મંત્રનો જાપ કરવો.
શુક્ર
શુક્ર ગ્રહનો રત્ન હીરો છે. તેને મજબૂત કરવા માટે ચાંદી, ચોખા, દુધ, અત્તરનું દાન કરી શકાય છે. તેની શુભતા વધારવા માટે ॐ દ્રાં દ્રીં દ્રોં સ: શુક્રાય નમ: મંત્રનો 16,000 વખત જાપ કરવો.
શનિ
શનિનો રત્ન નીલમ છે. તેને શાંત કરવા તેલ, કાળા વસ્ત્ર, ધાબળો વગેરે દાન કરી શકાય છે. શનિને પ્રસન્ન કરવા માટે ॐ પ્રાં પ્રીં પ્રોં સ: શનૈશ્ચરાય નમ: મંત્રનો સંધ્યા સમયે 23,000 વખત જાપ કરવો.
રાહુ
સરસવ, અડદ દાળનું દાન કરી શકાય છે. રાહુ શાંતિ માટે ॐ ભ્રાં ભ્રીં ભ્રોં સ: રાહવે નમ: મંત્રનો 18,000 વખત જાપ કરવો.
કેતુ
આ ગ્રહને શાંત કરવા માટે સાત અનાજ, તલ અને ઊનના વસ્ત્રનું દાન કરી શકાય છે. ॐ સ્રાં સ્રીં સ્રોં સ: કેતવે નમ: મંત્રનો જાપ 17,000 વખત કરવો.