Chaturmas 2020 : આજથી ચાતુર્માસ શરૂ, સ્વાસ્થ્ય માટે આ બાબતોનું ધ્યાન રાખો
- અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી ચાતુર્માસની શરૂઆત થાય છે
- આ ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે
નવી દિલ્હી, તા. 01 જુલાઇ 2020, બુધવાર
અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષના અગિયારસ સુધીના સમયને ચાતુર્માસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે 1 જુલાઇ 2020 બુધવાર એટલે કે આજથી ચાતુર્માસની શરૂઆત થઇ છે અને 24 નવેમ્બર સુધી રહેશે. આ ચાતુર્માસનું હિન્દૂ ધર્મ તેમજ જૈન ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ 4 મહિનાઓમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્ય તંદુરસ્ત, સુખી અને મૃત્યુ બાદ ઉત્તમ લોક પ્રાપ્ત કરી શકે છે. પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને ભવિષ્યપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પુરાણોમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે
ધાર્મિક ગ્રંથો અનુસાર ચાતુર્માસ દરમિયાન વ્રત, પૂજા, હવન અને ધ્યાન તેમજ યોગનો અભ્યાસ કરવો જોઇએ. આ સમય સંત, ભક્તો અને સાધુઓ માટે વિશેષ માનવામાં આવે છે. માન્યતા છે કે આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે. આ સમયમાં જે મનુષ્ય સંયમ અને નિયમનું પાલન કરે છે તેમના પુણ્યની ગણતરી તો બ્રહ્માજી પણ નથી કરી શકતા, તેવું પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે. આ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો વધારે પુણ્યદાયી માનવામાં આવે છે.
જાણો, ચાતુર્માસમાં ક્યા કયા મહિનાઓનો સમાવેશ થાય છે?
ચાતુર્માસનો પહેલો મહિનો શ્રાવણ હોય છે. જે ભગવાન શિવને સમર્પિત હોય છે. આ મહિનામાં લીલા પાંદડાવાળી શાકભાજીઓનું સેવન ટાળવાનો નિયમ છે. બીજા મહિનો ભાદરવો (ભાદ્રપદ) હોય છે. આ મહિનો તહેવારનો મહિનો હોય છે. ભગવાન ગણેશનું આગમન થાય છે. એટલે કે ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી જેવા પર્વ પણ આ જ મહિનામાં ઉજવવામાં આવે છે. આ મહિનાઓમાં દહીં ખાવાથી બચવું જોઇએ. ચતુર્માસનો ત્રીજો મહિનો અશ્વિન (આસો) હોય છે. આ મહિનામાં નવરાત્રિ અને દશેરા મનાવવામાં આવે છે. આ મહિનામાં દૂધને ટાળવાનો નિયમ છે. ચાતુર્માસનો છેલ્લો એટલે કે ચોથો મહિનો કાર્તિક (કારતક) હોય છે. આ મહિનામાં દિવાળી પર્વ મનાવવામાં આવે છે. આ મહિના દરમિયાન દાળ ટાળવાનો નિયમ છે. આ નિયમો સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.
ચાતુર્માસમાં શું કરવું અને શું ન કરવું?
ચાતુર્માસ દરમિયાન જે પણ લોકો વ્રત કરે છે તેમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત નશીલા પદાર્થોના સેવનનો પણ ત્યાગ કરવો જોઇએ. જમીન પર સૂવું જોઇએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. જ્યાં સુધી શ્ક્ય હોય ત્યાં સુધી ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવાથી બચવું જોઇએ. વ્રત કરનારે ઘઉં, મગની દાળ અને ઓટ્સ જેવા ખાદ્ય પદાર્થોના સેવનથી બચવું જોઇએ. સચ્ચાઇ અને પ્રામાણિકતાના માર્ગે ચાલવું જોઇએ. કોઇની પણ સાથે દગો ન કરવો જોઇએ. એવું કોઇ કાર્ય ન કરવું જોઇએ જેનાથી કોઇની લાગણી દુભાય.
ચાતુર્માસમાં આ બાબતોનું વિશેષ ધ્યાન રાખો
ચાતુર્માસમાં પાણીના દૂષિત થવાની શક્યતાઓ વધારે હોય છે. એટલા માટે પાણીજન્ય બીમારીઓ વધવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે ચોમાસામાં જમીનમાં રહેલા જંતુઓની સંખ્યામાં વધારો થાય છે. રિસર્ચ અનુસાર આ ઋતુમાં લીલા પાંદડાવાળી શાકભાજી બેક્ટેરિયાના ચેપથી અસરગ્રસ્ત હોય છે જેમ કે પાલક, કોબીજ વગેરે.. એટલા માટે લીલા પાંદડાવાળી શાકભાજીના સેવન પહેલાં તેને ધોવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત અડદ દાળના સેવનને પણ ટાળવાની સલાહ આપવામાં આવી છે. વ્રત કરનાર લોકોને ખાસ કરીને ડુંગળી, લસણ અને રિંગણ ખાવાનું ટાળવું જોઇએ. દૂધનું સેવન કરતી વખતે વધારે પાણી ઉમેરીને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જો તમે ચાતુર્માસ વ્રત નથી કરી રહ્યા તો પણ સ્વસ્થ રહેવા માટે તમે આ નિયમોનું પાલન કરી શકો છો..