મહા શિવરાત્રિના દિવસે શિવલિંગ પર કરો રૂદ્રાભિષેક, જાણી લો પૂજા વિધિ
Maha Shivratri 2025: હિન્દુ ધર્મમાં મહા શિવરાત્રિના તહેવારનું ખૂબ મહત્ત્વ છે. દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહા શિવરાત્રિ આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે મહા શિવરાત્રિ 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા પાર્વતીના વિવાહ ભગવાન ભોલેનાથ સાથે થયા હતા. તેથી, મહા શિવરાત્રિ દર વર્ષે ખૂબ જ ધામધૂમ અને ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે.
મહા શિવરાત્રિએ શિવલિંગ પર રૂદ્રાભિષેક કરવો છે ખૂબ જ શુભ
મહા શિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અને ગૌરી માતાની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે કારણ કે આ રાત્રિ શિવ સાથે શક્તિના મિલનની રાત્રિ છે. મહા શિવરાત્રીના દિવસે શિવલિંગ પર રૂદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. એવામાં આજે મહા શિવરાત્રિના દિવસે રુદ્રાભિષેકની પૂજા સામગ્રી અને વિધિ વિષે જાણીશું.
ઘરમાં રૂદ્રાભિષેક કરવા માટે સામગ્રીની યાદી
ઘરે રૂદ્રાભિષેક કરવા માટે તમારે નાળાછડી, બિલીપત્ર, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, ગંગાજળ, ધૂપ, કપૂર, ફળ, ફૂલ, સોપારી, સૂકો મેવો, કપડા, દીવો, તેલ, રૂની વાટ, સિંદૂર, શેરડીનો રસ, ત્રાંબાનો લોટો, કળશ, ભગવાન શિવ-માતા પાર્વતીની મૂર્તિ, આકડાના ફૂલ, ભાંગ, ધતૂરો, મદારના ફૂલ અને પાન, સોપારી, આંબાના પાન, દૂર્વા સહિત તમામ પૂજા સામગ્રી એકત્રિત કરો.
રૂદ્રાભિષેક કેવી રીતે કરવો?
સૌ પ્રથમ, સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. ઘરમાં રૂદ્રાભિષેક કરવા માટે પૂજાની તમામ સામગ્રી એકઠી કરો, પહેલા પૂજા સ્થળને સાફ કરો. ઘરના મંદિરને સાફ કરો અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. હવે પાણીથી ભરેલો કળશ સ્થાપિત કરો.
ભગવાન શિવનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરતી વખતે શિવલિંગ પર જળ ચઢાવો. શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ચઢાવો. અંતમાં શિવલિંગને ગંગા જળ ચઢાવો. ત્યારબાદ શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. બિલીપત્ર, ફળ, ફૂલ, ધૂપ-દીપ અને ભગવાન શિવને પ્રસાદ ચઢાવો.
આ પછી ભગવાન શિવની આરતી કરો. તેમને પાન, ફળો, મીઠાઈઓ અને સૂકા ફળો અર્પણ કરો. અંતમાં, પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે ક્ષમા માગો અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.