સિંહ (મ.ટ.) .
- આ વર્ષમાં નોકરી-ધંધામાં આવક થાય, યશ-સફળતા મળે, માન-સન્માન મળે
વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રારંભે દેવદિવાળી સુધી ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. સબંધ-વ્યવહાર સચવાય. કારતક વદ એકમ તા. ૨૦-૧૧-૨૦૨૧થી ગુરૂ ગ્રહ તા. ૧૩-૪-૨૦૨૨ ચૈત્ર સુદ બારસ સુધી સાનુકૂળ રહેતા નોકરી-ધંધાના કામકાજમાં કાર્યસફળતા-પ્રગતિથી તમે આનંદ-ઉત્સાહમાં રહો. આત્મવિશ્વાસમાં વધારો થાય. પુત્રપૌત્રાદિકના કામ માટે ખરીદી થાય. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ પ્રતિકુળતા-ચિંતા-મુશ્કેલીમાં અટવાતા જાવ. વિશેષમાં-
આરોગ્ય સુખાકારી
વર્ષારંભથી જ આપે આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું જરૂરી રહેશે. વધુ પડતો શ્રમ-દોડધામ-માનસિક તણાવ-ઉશ્કેરાટ રહે તેવા કામ કરવા નહીં. નોકરી-ધંધાના - ઘર-પરિવારના કામ-પત્ની-સંતાનના કામ શાંતિ-સ્વસ્થતા જાળવીને કરવા. પોતાની જાતે પીડા-ઉપાધિઓનું સર્જન કરવું નહીં તેમજ તેમાં વધારો કરવો નહીં. તા. ૧૨-૭-૨૦૨૨ સુધી શનિની પ્રતિકુળતા વ્યસની વ્યક્તિને મૃત્યુજનક પરિસ્થિતિનો અહેસાસ કરાવે.
તા. ૧૩-૪-૨૦૨૨થી વર્ષના ઉત્તરાર્ધ સુધી આપે તન-મન-ધન સચવાય તે પ્રમાણે તમારી દૈનિક કાર્યવાહી કરવી. જમવાના સમયમાં, પૂરતી ઊંઘ-આરામના સમયમાં નિયમીતતા અવશ્ય જાળવવી. બહારનું ખાવાપીવામાં ફુડ પોયઝનની અસરથી પરેશાન થઇ જાવ.
તા. ૪-૧૨-૨૦૨૧થી તા. ૧૬-૧-૨૦૨૨ દરમ્યાન બી.પી., છાતીમાં દર્દપીડા, દમ-શ્વાસની તકલીફની ઉપેક્ષા કરવી નહીં. હૃદય-નાડીના ધબકારામાં ધ્યાન રાખવું. તે સિવાય પડવા વાગવાથી, વાહનથી સંભાળવું. તા. ૧૭-૫-૨૦૨૨થી તા. ૨૭-૬-૨૦૨૨ દરમ્યાન આધિ-વ્યાધિ-ઉપાધિના ચક્કરમાં પરેશાન થયા કરો. નાની-મોટી શસ્ત્રક્રિયા થાય. તે સિવાય ઉપરોક્ત સમય દરમ્યાન લાંબા અંતરના પ્રવાસે જવું નહીં. વર્ષની શરૂઆતમાં જ દરરોજ નિયમીત પ્રાણાયામ-યોગ-કસરત કરતા રહેવું તેમજ માનસિક તણાવ વગરનું નિયમિત જીવન જીવવું.
પત્ની-સંતાન-પરિવાર
પત્ની-સંતાન-પરિવારનો સહયોગ આ વર્ષમાં જરૂરી રહેશે. શારીરિક-માનસિક શિથિલતા તમને ચિંતા-ખર્ચ-અકળામણ રખાવે પરંતુ પત્ની-સંતાન-પરિવારની હૂંફ-પ્રેમ-સહયોગ તમારા માટે દવા-દુવાનું કામ કરે.
અવિવાહિતને આ વર્ષના પ્રારંભમાં વિવાહ-લગ્નનું નક્કી થાય. પ્રેમ-મિત્રતાના પ્રભાવ-આકર્ષણમાં પછી વિશ્વાસઘાત-દગો થાય. જીદ્દ-મુમત-અહમના ટકરાવમાં વિવાહ ભંગ થાય. લગ્નભંગ થાય. પ્રેમભંગ થાય.
બહારગામ કે પરદેશ જવાનું આયોજન આ વર્ષમાં ગોઠવાય. પરદેશમાં રહેતા સંતાનને સ્વદેશ આવવાનું થાય. ફેબુ્રઆરી-માર્ચ-એપ્રિલ ૨૦૨૦ દરમ્યાન પત્નીના આરોગ્યની અસ્વસ્થતાથી, સાસરી પક્ષમાં બિમારી આવવાથી ચિંતા-ખર્ચ-દોડધામ રહે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં તમારી મહેનતનું શુભ ફળ પ્રાપ્ત કરી શકો. તમે જે સંબંધ-વ્યવહાર સાચવ્યા હોય તેનો લાભ-ફાયદો મળવાથી તમારા યશ-પદ-ધનમાં, માન-સન્માનમાં વધારો થાય. જેમને નોકરી ન હોય, આવક ન હોય તેમને નોકરીમાં, આવક શરૂ થાય.
વર્ષ દરમ્યાન શનિની નાની કે મોટી પનોતી નથી. પરંતુ શનિનું પરિભ્રમણ સોનાના પાયે, લોખંડના પાયે કષ્ટપીડા રખાવે. હરિફવર્ગ-ઈર્ષા-ખટપટ કરનાર તમારી પ્રગતિને અવરોધવા પ્રયત્ન કરે. તે સિવાય આરોગ્યની પ્રતિકુળતા રખાવે જેથી તમને મળતો લાભ કે તક જતી કરવી પડે. તા. ૧૨-૭-૨૦૨૨થી શનિનું પરિભ્રમણ રૂપાના પાયે વર્ષાંતમાં સ્થળ-સ્થાનની ફેરફારી કરાવે. સ્થળાંતરવાળી નોકરી હોય, સરકારી નોકરી હોય તેમને જુલાઇ ૨૦૨૨થી વર્ષના ઉત્તારાર્ધ સુધીમાં કામની ફેરફારી કે સ્થળ-સ્થાનની ફેરફારી ઈચ્છા-અનિચ્છાએ સ્વીકારવી પડે. જેમને નોકરી ન હોય તેમને દૂરના સ્થળે ઓછા વળતર-આવકની નોકરી લેવી પડે.
ખાનગી સંસ્થામાં નોકરી કરનારને શોષણના ભોગે નોકરી કરવી પડે. કામના કલાકોના પ્રમાણમાં પગાર ઓછો મળે, લાભ ઓછો મળે. તેમજ પત્ની-સંતાન-પરિવારને માતાપિતા સાથે ઓછો સમય રહી શકાય. મળી શકાય. ઉચ્ચ પદાધિકારીની હાલત નહીં ઘરના કે નહીં ઘાટના જેવી રહે. પત્ની-સંતાન-વડીલવર્ગની બિમારીમાં તમારી નોકરીની પરવશતા-બંધન અફસોસરૂપ બની રહે. પસ્તાવો થાય.
તા. ૧૩-૪-૨૦૨૨થી તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન સંતાનના ઘડતર-ભણતરમાં, ધ્યાન આપવું જરૂરી રહેશે. પત્નીના આરોગ્યની પ્રતિકુળતા, સ્વભાવ, વ્યવહારની ફેરફારીથી પરસ્પરના પ્રેમભાવમાં, નિકટતામાં તમારું પારિવારિક - કૌટુંબીક જીવન અશાંતિના વમળોવાળું બની રહે.
નોકરીમાં ચઢાવ-ઉતાર આ વર્ષમાં રહેવાના કારણે નોકરીના કામકાજમાં એકાગ્રતા-શાંતિ-સ્થિરતા જળવાય નહીં. કાયમી નોકરી હોય છતાં આપે આ વર્ષમાં વધુ પડતા આત્મ વિશ્વાસમાં જોખમી કામ કે નિર્ણય કરવા નહીં. પોતાની કામગીરી બીજા પાસે કરાવીને પૈસા લેવા નહીં. પોતાના આરોગ્ય-શરીરના ભોગે કરેલી નોકરી તેમજ કમાણી બિમારીમાં જાય, અપયશ આપનારી રહે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
વર્ષારંભ ધંધામાં લાભદાયી રહે. ધંધામાં જુના-નવા સબંધ-સંસ્મરણોમાં ધંધો મળે, આવક થાય. સીઝનલ ધંધામાં, કમિશન-દલાલી-એજન્સીના કામમાં સાનુકુળતા રહે. જાહેર સંસ્થાકીય કામ, કરારીકામ મળી રહે. તેમ છતાં આ વર્ષ ધંધામાં આરોહ-અવરોહનનું રહેવાનું છે તે ધ્યાનમાં રાખીને ધંધાના વ્યાપ-વિસ્તારમાં વધારો કરવો નહીં.
વર્ષની શરૂઆતથી જ આપે આપની આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું જરૂરી રહેશે. હરો ફરો કામકાજ કરો, ધંધા માટેની દોડધામ કરો પરંતુ તમારી શારીરિક શિથિલતા-બિમારીના કારણે તમારા ધંધામાં તેમજ આવકમાં ઘટાડો થાય. મહત્વની તક, સમય જતા કરવા પડે તે સિવાય હરિફવર્ગનો સામનો કરવો પડે. તમારે સતત સતર્ક રહેવું પડે, જાગૃત રહેવું પડે. આળસ, એશ આરામ, વધુ પડતા આત્મ વિશ્વાસમાં તમારો ધંધો હતો, ન હતો થતો જાય. તમારી વૈભવતામાં ઓટ આવી જાય. હિસાબી વર્ષના અંતમાં બેંક હપ્તા ચૂકવવામાં, ઓ.ડી. મેળવવામાં ફાંફા પડે. દેવુ થઇ ગયું હોય તેમની યશ-પ્રતિષ્ઠા જોખમાય. કૌટુંબીક-પારિવારિક પ્રતિકુળતામાં, વહેંચણીમાં ધંધો વિભાજીત થવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તા. ૧૭-૫-૨૦૨૨થી તા. ૨૭-૬-૨૦૨૨ દરમ્યાન સરકારી-ખાતાકીય-કાનૂની આપત્તિ-પોલીસ કાર્યવાહી, ઈન્કમટેક્ષ-સેલટેક્ષની તપાસ - દરોડામાં ધંધાને અસર થાય. તા. ૧૫-૩-૨૦૨૨થી તા. ૧૪-૪-૨૦૨૨ સુધીનો સમય ધંધાકીય પ્રશ્નોના કારણે શારીરિક-માનસિક અસ્વસ્થતામાં પસાર કરવો પડે. લોખંડના, લાકડાના, ફર્નીચરના ધંધામાં, જમીન બાંધકામના ધંધામાં, વિદ્યા વ્યવહારના એકમોમાં, કાગળ-કાપડ, પ્રિન્ટીંગના વ્યવસાયમાં, ઉપરોક્ત સમય દરમ્યાન સાવધાની-જાગૃતિ રાખવી પડે. સોના-ચાંદીમાં તેમજ શેરોના કામમાં તા. ૧૪-૪-૨૦૨૨ પછી જોખમી નિર્ણયો કરવા નહીં. માલનો ભરાવો કરવો નહીં. આરોગ્ય સાચવવું.
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગને આરોગ્યની પ્રતિકુળતાના કારણે આ વર્ષમાં અવાર નવાર રોજીંદા કામકાજમાં, પતિ-સંતાન-પરિવારના કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી પડે. ઊઠવા-બેસવામાં, હરવા ફરવામાં, કામકાજ કરવામાં પરવશતા-બંધન ઈચ્છા-અનિચ્છાએ સ્વીકારવા પડે.
દેવદિવાળીથી રામનવમી, સહજાનંદ જયંતી સુધીનો સમય ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદનો રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરદેશ જવાની કાર્યવાહીમાં સાનુકુળતા રહે. પતિ-સંતાનના-પરિવારના કામમાં આનંદ રહે. નોકરી-ધંધો કરનારને માન-સન્માન પ્રાપ્ત થાય. આવકમાં વધારો થાય. જમીન-મકાન-વાહન- આભૂષણમાં-બચતમાં નાણાંનું રોકાણ થઇ શકે.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગને આ વર્ષમાં વર્ષારંભથી અભ્યાસમાં એકાગ્રતા રાખવી પડે. તા. ૧૩ એપ્રિલ ૨૦૨૨થી જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ અભ્યાસમાં તકલીફ અનુભવાય. શારીરિક કષ્ટપીડાના કારણે - માનસિક વ્યગ્રતા - દ્વિધાના કારણે વિદ્યા સંસ્થા કે વિદ્યાશાખાની ફેરફારી કરવી પડે. ઈચ્છિત વિદ્યા સંસ્થા, વિદ્યા શાખા ન મળવાના કારણે બેચેની રહ્યા કરે. તે સિવાય તા. ૧૭-૫-૨૦૨૨થી તા. ૨૭-૬-૨૦૨૨ દરમ્યાન બહારગામ કે પરદેશ જવાની કાર્યવાહીમાં નાણાંની સલામતીની તેમજ વિદ્યા સંસ્થાની કાયદેસરની માન્યતા તપાસીને પછી જ અભ્યાસ માટેના નાણાં ખર્ચવા. વ્યસની-આળસુ-હરવા ફરવાવાળા મિત્રોથી દૂર રહેવું. બહારનું ખાવાપીવામાં સંભાળવું.
ખેડૂત વર્ગ
ખેડૂત વર્ગને આ વર્ષમાં આરોગ્ય સાચવવું પડે. એકલા હાથે ખેતી કરનારને વધુ પડતા શ્રમના લીધે, ઉંમરના લીધે બિમારીનો સામનો કરવો પડે. ભાગમાં ખેતી કરતા હોવ, અન્યની ખેતી સંભાળતા હોવ તો તેમાં વિવાદ, મનદુઃખ થાય. સંબંધોમાં કડવાશ આવતી જાય. દેવદિવાળીથી રામનવમી દરમ્યાન ખેતીમાં, પારિવારિક કામમાં, ધર્મકાર્યમાં શુભકાર્યમાં સાનુકુળતા રહે. પત્ની-સંતાનના કામ થાય. ખર્ચ થાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આરોગ્ય અવશ્ય સાચવવું.
ઉપસંહાર
આરોગ્ય સારું તો બધુ સારું. આ વર્ષમાં આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપીને નોકરી-ધંધાના તેમજ ઘર-પરિવારના-પત્ની-સંતાનના - વડીલવર્ગના કામના આયોજન કરવા. તે સિવાય નોકરી-ધંધામાં આવક થાય. યશ-સફળતા મળે. માન-સન્માન મળે. પુત્રપૌત્રાદિકના કામ પ્રગતિવાળા રહે. પરદેશ યાત્રા-ધર્મયાત્રા-શુભકાર્યનો ખર્ચ થાય. ટુંકમાં આ વર્ષ ચઢાવ-ઉતારનું રહે.
આર્થિક સુખસંપત્તિ
કારતક વદ એકમ તા. ૨૦-૧૧-૨૦૨૧થી ગુરૂ ગ્રહની પ્રબળતા આપની આવકમાં સાનુકુળતાની શરૂઆત કરાવે. તા. ૧૩-૪-૨૦૨૨ સુધીનો સમય આપને લાભદાયી રહે. આકસ્મિક કોઇ લાભ-ફાયદો થાય. સંયુક્ત મીલકત, સંયુક્ત આવકની વહેંચણીના પ્રશ્ન ઉકેલાય. ફસાયેલા નાણાં-મીલકત છુટી થાય. પરંતુ ત્યાર પછી જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ તમારી આવક છતાં ખર્ચા એક પછી એક એવા આવ્યા કરે કે તમારી આવક ખર્ચામાં જ સમાતી જાય.
વર્ષના ઉત્તરાર્ધ તબક્કામાં આવક પ્રાપ્તિની દોડધામમાં, એષણામાં, લોભ-લાલચમાં તમારું આરોગ્ય કથળે. શારીરિક કષ્ટપીડાથી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો થાય. બિમારીના ચક્કરમાં નાણાંનો વ્યય થાય. તે સિવાય પુત્રપૌત્રાદિકના ખર્ચા કરવામાં, નાણાંભીડ-ખેંચ અનુભવાતી જાય. વર્ષારંભથી અષાડ સુદ તેરસ તા. ૧૨-૭-૨૦૨૨ સુધી આરોહ-અવરોહની પરિસ્થિતિનો - સંઘર્ષનો સમય રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં પત્નીના સહયોગથી, નસીબથી આપને હળવાશ-રાહત રહે. સંયુક્ત પરિવારની વિભક્તતા-વહેંચણીના લીધે તમારા પરિવારની આવક-વિભાજીત થાય. તા. ૧૭-૫-૨૦૨૨ થી તા. ૨૭-૬-૨૦૨૨ સુધીનો સમય મકાન-જમીન-મીલકત-વાહનના પ્રસ્ને ચિંતા-ખર્ચ-મુશ્કેલીનો રહે. માલીક-ભાડુઆત તરીકે તકલીફ અનુભવો. વારસાઇના કામમાં આળસ-બેકાળજી-લાપરવાહી રાખવી નહીં. સાત-બારના, આઠ-બારના પંચાયતી ઉતારામાં પોતાના નામ-વારસાઇની-ખરાઇની ચોકસાઇ કરતા રહેવું. તમે બહારગામ હોવ કે પરદેશ હોવ પરંતુ આ વર્ષમાં તમારે તમારી આવકની બાબતમાં, વ્યાજ-બચતની આવકમાં, મીલકતને લગતા કામકાજમાં અવશ્ય ધ્યાન રાખવું. સીઝનલ આવકથી ખર્ચમાં રાહત રહે.
તા. ૧૩-૪-૨૦૨૨ થી તા. ૧૨-૭-૨૦૨૨ દરમ્યાન અગ્નિપરીક્ષાનો સમય રહે. અન્યની દેખાદેખીમાં નાણાંકીય ખર્ચાઓ કરીને યશ-પ્રતિષ્ઠા મેળવવા, માન-સન્માન પ્રાપ્ત કરવાના નિર્ણયો કરવા નહીં. ધર્મકાર્ય કરો, દાન દક્ષિણા આપો, અન્યને મદદરૂપ થઇ શકો પરંતુ પોતાના આરોગ્યની સ્વસ્થતા માટેનું નાણાંકીય આયોજન રાખીને આ વર્ષના કામકાજ કરવા.