Get The App

જાણો રાશિ પ્રમાણે કયા પ્રકારનું ભોજન તમારા માટે ભાગ્યશાળી સિદ્ધ થશે

Updated: Apr 20th, 2022

GS TEAM


Google News
Google News
જાણો રાશિ પ્રમાણે કયા પ્રકારનું ભોજન તમારા માટે ભાગ્યશાળી સિદ્ધ થશે 1 - image


- મકર રાશિના જાતકો વ્યવહારિક હોય છે અને પરંપરાગત ભોજન વધારે પસંદ કરતા હોય છે

અમદાવાદ, તા. 20 એપ્રિલ 2022, બુધવાર

જ્યારે આપણો જન્મ થાય છે તે સમયના ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપણી જન્મ કુંડળી બને છે. જો આ ગ્રહોની સ્થિતિ સારી હોય તો જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી. જોકે વિપરિત પરિસ્થિતિઓમાં હોય તો મુશ્કેલીઓ આવવાનું નક્કી જ છે. 

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે લોકોની કુંડળીમાં ગ્રહો સાથે સંબંધિત કોઈ પણ દોષ હોય છે તેમણે અમુક એવા શાસ્ત્રીય ઉપાયો ચોક્કસથી કરવા જોઈએ જે તેમને તેમના જીવનમાં ચાલી રહેલી ઉથલ-પાથલમાંથી બહાર કાઢી શકે. 

કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આપણી જિંદગી બનાવવાનું અને બગાડવાનું કામ કરે જ છે પરંતુ સાથે જ આપણે કેવું જીવન જીવીએ છીએ, આપણી આદતો અને ખાણી-પીણી પણ તેને બગાડવાની ભૂમિકા ભજવે છે. 

આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે ભોજનમાં કયા પ્રકારનો ખોરાક સામેલ કરવો જોઈએ જેથી તમારી કુંડળીના ખરાબ ગ્રહોને નિયંત્રિત અને પ્રસન્ન રાખી શકાય તેની જાણકારી આપીશું. 

મેષ રાશિ

મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે જેના લીધે તમારા વ્યક્તિત્વમાં આકર્ષણની સાથે ઉત્સાહ જળવાઈ રહે છે. આમ તો તમને મસાલેદાર ભોજન પસંદ આવે છે પરંતુ તમારે તમારા ભોજનમાં એવા ફળ અને શાકભાજી સામેલ કરવા જોઈએ જેનો રંગ લાલ હોય. જેમ કે, દાડમ, સફરજન, તરબૂચ, લાલ બેરીઝ, બીટ, લાલ પાનવાળા શાક વગેરેનો પ્રયોગ કરી શકાય. તમારે મસૂરની દાળ, બેસન અને ઘઉંનું સેવન અવશ્યપણે કરવું જોઈએ. 

વૃષભ રાશિ

વૃષભ રાશિનું ચિન્હ બળદ છે જે દર્શાવે છે કે, તમે જિદ્દી હોવાની સાથે સાથે યોદ્ધા પણ છો. સાથે જ વ્યવહારિક પણ છો. તમને ઘરનું ભોજન વધારે પસંદ છે. જોકે સમય આવ્યે તમને ફેન્સી અને સ્ટાઈલિશ આધુનિક ભોજન પણ પસંદ આવે છે. તમારે ભોજનમાં સફેદ રંગના ફળ અને શાકભાજીનો સમવાશ કરવો જોઈએ. તમે મશરૂમ, લસણ, આદુ, ફુલાવર, સફેદ મકાઈ, ઈંડા, ડુંગળી, મૂળા વગેરેનું સેવન કરી શકો છો. વૃષભ રાશિના જાતકોએ દહીં, દૂધ, ચોખા, સફેદ અડદથી બનેલી વસ્તુઓનું સેવન જરૂરથી કરવું જોઈએ. 

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો મૂડી એટલે કે, મન-મરજી પ્રમાણે વર્તનારા હોય છે. તેમના વ્યક્તિત્વમાં એક સાથે અનેક પ્રકારની ભાવનાઓ હોય છે. તમારે તમારા ભોજનમાં લીલા રંગના ફળ અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તેમાં બ્રોકલી, પાલક, લીલા સફરજન, દ્રાક્ષ, કાકડી, ભીંડા, મેથી, કારેલા વગેરેનો પ્રયોગ કરી શકાય. આ રાશિના જાતકોએ આખા મગ અને ઘઉંનું સેવન કરતાં રહેવું જોઈએ. 

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો ભાવુક હોય છે. તેઓ ભોજનની સુગંધનો આનંદ લે છે. કર્ક રાશિના જાતકોએ ભોજનાં સફેદ રંગના ફળ અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તમે મશરૂમ, લસણ, આદુ, ફુલાવર, સફેદ મકાઈ, ઈંડા, ડુંગળી, મૂળા વગેરેનો પ્રયોગ કરી શકો છો. આ રાશિના જાતકોએ સફેદ વસ્તુઓ જેમ કે, ચોખા, દહીં, દૂધ, છાશ વગેરેનું સેવન કરવું જોઈએ. 

સિંહ રાશિ

આમ તો સિંહ રાશિના જાતકો ભોજન મામલે કોઈ સમજૂતિ નથી કરતાં. તેમને સ્વાદિષ્ટ, સુગંધિત અને આકર્ષક ભોજન જોઈતું હોય છે. જોકે તેમ છતાં તેમણે ભોજનમાં લાલ રંગના ફળ અને શાકભાજી સામેલ કરવા જોઈએ જેમ કે, દાડમ, સફરજન, તરબૂચ, લાલ બેરીઝ, બીટ, લાલ પાનવાળા શાક વગેરેનો પ્રયોગ કરી શકાય. ઉપરાંત તુવેર, મસૂર, ચોખાનું સેવન અવશ્યપણે કરવું જોઈએ. ગોળની ખીર પણ લાભદાયક રહેશે. 

કન્યા રાશિ 

કન્યા રાશિ ધરાવતા લોકો 'હેલ્ધી ફુડ'માં રસ ધરાવે છે અને તેમને ઘરે બનાવેલું ભોજન વધારે પસંદ હોય છે. કન્યા રાશિના જાતકોએ ભોજનમાં બ્રોકલી, પાલક, લીલા સફરજન, દ્રાક્ષ, કાકડી, ભીંડા, મેથી, કારેલા જેવા લીલા રંગના ફળ અને શાકભાજીનો પ્રયોગ કરવો જોઈએ. ઉપરાંત આખા મગનો પણ અવશ્યપણે ઉપયોગ કરવો જોઈએ. 

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને ફેન્સી/સ્ટાઈલિશ અને આધુનિક ભોજન પસંદ હોય છે. તેમને તો બસ ગ્લેમરનો તડકો જોઈતો હોય છે. તેઓ ભોજનમાં સફેદ રંગના ફળ અને શાકભાજી જેમ કે, મશરૂમ, લસણ, આદુ, ફુલાવર, સફેદ મકાઈ, ઈંડા, ડુંગળી, મૂળા વગેરેનો પ્રયોગ કરી શકે. ઉપરાંત સફેદ અડદ, ચોખા, દહીં, દૂધ વગેરેનું પણ અવશ્યપણે સેવન કરવું જોઈએ. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિનું ચિહ્ન વીંછી છે જે મજબૂત હોવાની સાથે ભાવુક વ્યક્તિત્વ પણ ધરાવે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ ભોજનમાં લાલ રંગના ફળ અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. દાડમ, સફરજન, તરબૂચ, લાલ બેરીઝ, બીટ, લાલ પાનવાળા શાક ઉપરાંત તમારા માટે ડાર્ક ચોકલેટનો રંગ શુભ હોવાથી તેનું પણ સેવન કરવું જોઈએ. ઉપરાંત મસૂરની દાળ, બેસન, ઘઉં વગેરેનું સેવન પણ ફાયદાકારી સાબિત થઈ શકે છે. 

ધનુ રાશિ

ધનુ રાશિની પ્રકૃત્તિ સંશોધનમાં રસ દાખવતી અને મજાક-મસ્તીભરી હોય છે. ધનુ રાશિના જાતકોએ ભોજનમાં પીળા કે કેસરી રંગની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. સંતરા, લીંબુ, કેળા, કેરી, ગાજર, પીળી મકાઈ, સીતાફળ ઉપરાંત તુવેર અને ચણાની દાળનું પણ સેવન કરવું જોઈએ. દૂધ કે ખીરમાં કેસર ઉમેરીને તેનું પણ સેવન કરવું જોઈએ. 

મકર રાશિ

મકર રાશિના જાતકો વ્યવહારિક હોય છે અને પરંપરાગત ભોજન વધારે પસંદ કરતા હોય છે. ભોજનમાં વાદળી-જાંબલી કે કાળા રંગના ફળ-શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. જાંબુ, કાળી દ્રાક્ષ, રીંગણ, બીટ ઉપરાંત તુવેર અને અડદની દાળ, કાળા ચણાના છોલેનું પણ સેવન કરવું જોઈએ. તમારા માટે ડાર્ક ચોકલેટ અને કાળા તલ પણ ફાયદાકારી છે. 

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો કોઈ પણ સંજોગોમાં નવી વસ્તુઓનો અનુભવ કરવા ઈચ્છે છે. તેઓ દરેક વખતે નવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. કુંભ રાશિના જાતકોએ ભોજનમાં વાદળી-જાંબલી કે કાળા રંગના ફળ-શાકભાજી, જેમ કે જાંબુ, કાળી દ્રાક્ષ, રીંગણ, બીટ વગેરેનો પ્રયોગ કરવો જોઈએ. ડાર્ક ચોકલેટ અને કાળા તલ પણ લાભદાયી રહેશે. તે સિવાય તુવેર અને અડદની દાળ, કાળા ચણાના છોલેનો પણ પ્રયોગ કરવો જોઈએ. 

મીન રાશિ

મીન રાશિના જાતો વિભિન્ન વ્યંજનોનો, ખાદ્ય પદાર્થોનો અનુભવ કરવાનું પસંદ કરે છે. તેમને નવી વસ્તુઓ જાણવાનો અને તે માટે પ્રયત્ન કરવાનો શોખ હોય છે. મીન રાશિના જાતકોએ ભોજનમાં સંતરા, લીંબુ, કેળા, કેરી, ગાજર, પીળી મકાઈ, સીતાફળ સહિતની પીળા કે કેસરી રંગની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. દૂધ કે ખીરમાં કેસર ઉમેરીને તેનો પ્રયોગ કરવો જોઈએ. ઉપરાંત તુવેર અને ચણાની દાળનું પણ સેવન કરવું જોઈએ. 

- મૃત્યુંજય શર્મા

Tags :