જાણો અધિક માસની એકાદશી વ્રતનું અનોખું મહત્વ અને તેની પાછળની કથા
અધિક માસની એકાદશીનું છે અનોખું મહત્વ
મહાસતી અનસૂયાએ ચિંધ્યો એકાદશીનો માર્ગ
તા. 26 જુલાઈ 2023, બુધવાર
હિંદુ શાસ્ત્રોમા ઘણા બધા વ્રતોનો ઉલ્લેખ થયો છે. જયા પાર્વતી, ગૌરી વ્રત, વડ સાવિત્રી વગેરે. આ બધા જ વ્રતની પદ્ધતિ લગભગ બધાને ખબર જ હશે, પણ અમુક એવા વ્રત છે જે મુખ્યત્વે અધિકમાસમાં જ કરવામાં આવે છે. જેની પાછળની વાર્તાઓ ખુબ જ રસપ્રદ કથાઓ છે.
અધિક માસની એકાદશીનું છે અનોખું મહત્વ
હિંદુ સંસ્કૃતિમાં અગિયારસ કે એકાદશીનું ખૂબ જ મહત્વ છે, આવા હિંદુ પંચાગ અનુસાર વર્ષમાં 24 એકાદશી હોય છે, પરંતુ અધિક માસને કારણે બે એકાદશી વધે છે. જેને પરમા અને પદ્મિની કહેવામાં આવે છે. આ બંનેનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અધિકમાસની એકાદશીના મહત્વની કથા
આ વ્રત કરવા પાછળની વાર્તા એમ છે કે, પૂર્વે ત્રેતાયુગમાં મહિષ્મતી નામે નગરીમાં ‘હૈહ્ય' નામે મહાપ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. કેટલાક સમય બાદ આ રાજાના વંશમાં ‘કૃતવિર્ય' નામે એવા બળિયા રાજા થયા કે તેને એક સહસ્ર રાણીઓ હતી. રાજાને રાણીઓ ભલે એક હજાર હતી પણ સંતાન એક પણ ન હતું ! આથી રાજાને હંમેશા ચિંતા સતાવતી હતી કે તેમનું આ વિશાળ રાજ્ય કોણ ચલાવશે ? આથી તેમણે પુત્રપ્રાપ્તિ અર્થે ઘણું જ ધર્મ ધ્યાન કરવા માંડયું. દેવોને પૂજ્યા, પિતૃઓને પૂજ્યા, બ્રાહ્મણને પૂજ્યા, બ્રહ્મભોજન કરાવ્યા, અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન કર્યાં. મહાઋષિએ પુત્ર પ્રાપ્તિ અર્થ બતાવેલા બધા જ વ્રત કર્યા પણ પુત્ર પ્રાપ્તિ ન જ થઈ.
પુત્ર પ્રાપ્તિ માટે તપ કરવાનો કર્યો નિર્ણય
તમામ પ્રયત્નો છતાં પુત્રપ્રાપ્ત ન થતાં રાજાએ રાણીઓને જણાવ્યું કે તે રાજવહિવટ મંત્રીઓને સોંપી વનમાં તપ કરવા જવા ઇચ્છે છે. એ શુભ દિવસ આવતાં રાજા પહેર્યા કપડામાં એકલા જ તપ કરવા વગડાની વાટે નિકળી પડયા. તેની સાથે માત્ર એક પતિવ્રતા રાણી પદ્મિની રહી હતી. રાજાના રાજ્યથી થોડે દૂર ગંધમાદન પર્વત હતો, ત્યાં ઘણા ઋતિ-મુનિએ તપ કરતા હતા. આથી રાજા તપ કરવા ત્યાં જ ગયા. એક વૃક્ષ નીચે તેમણે તપ આદર્યું. શ્રી નારાયણ પ્રસન્ન કરવા તેણે દશ હજાર વર્ષ સુધી અડગપણે ઉગ્ર તપ કર્યું પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. આથી રાજા હિંમત હારી ગયા. કઠીન તપ કરવાને લીધે તેની કાયા શેરડીના સાંઠા જેવી બની ગઇ હતી, છતાં ભગવાન પ્રસન્ન થયા નહીં. આથી રાણી પદ્મિનીને પણ ઘણું જ દુઃખ થયું.
મહાસતી અનસૂયાએ ચિંધ્યો એકાદશીનો માર્ગ
સદ્ભાગ્યે મહાસતી અનસૂયા રાજાના તપસ્થળ પાસેથી પસાર થયા. રાણી પદ્મિનીએ મહાસતીને ભાવપૂર્વક નમન કરી પોતાનું દુઃખ વર્ણવતાં કહ્યું, "હે મહાસતી ! અમારું દુઃખ નિવારવા જ આપ એકાએક અત્રે પધાર્યા લાગો છે. અમે દસ હજાર વર્ષથી અહિયાં છીએ. મારા પતિ પુત્રપ્રાપ્તિ માટે દસ હજાર વર્ષથી નારાયણને પ્રસન્ન કરવા ઉગ્ર તપ કરી રહ્યાં છે, છતાં સર્વનું રક્ષણકર્તા, દુ:ખહર્તા શ્રી નારાયણ ભગવાન કેમ પ્રસન્ન થયા નહીં તે અમને સમજાતું નથી. અમારામાં હવે દૈવત રહ્યું નથી, ધીરજ રહી નથી. આપ જો કૃપા કરીને પુત્રફળ મળે તેવું કોઈ અલૌકિક વ્રત બતાવો તો, હું જરૂર વ્રત કરીશ". પદ્મિનીની વિનંતિ સાંભળી મહાસતી અનસુયાએ કંઈક વિચારીને કહ્યું, ‘હૈ પતિવ્રતા પદ્મિની ! પુરૂષોત્તમ માસની સુદ પક્ષની એકાદશી જે 'પદ્મિની એકાદશી' કહેવાય છે તે દિવસે સવારે સ્નાન કરી, ઉપવાસનો સંકલ્પ કરી, વિધિપૂર્વક વ્રત કરે તો જરૂર તારી આશા પૂર્ણ થાય' એમ કહી સતીએ પદ્મિની એકાદશીના વ્રતની વિધિ કહી. તેમણે કહ્યું, "હે રાણી, પુરષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. ઘરમાં એક પવિત્ર જગ્યામાં માટીના કુંભની સ્થાપના કરી તેના ઉપર સોનાનું પાત્ર રાખવું. રૂપાનું કે ત્રાંબાનું પણ રાખી શકાય. ત્યાં વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી ભાવપૂર્વક પૂજન કરી, નૈવેદ્ય ધરાવી, દીવો કરી આરતી ઊતારવી, ત્યાર બાદ ભજન-કીર્તનમાં દિવસ વિતાવવો. દિવસમાં 4 વાર ભગવાનને અર્ધ્ય આપવો. બીજે દિવસે નદીએ સ્નાન કરી આવી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને બ્રાહ્મણોનું પુજન કરી, તેમને ભોજન જમાડી સારી દક્ષિણા આપી વિદાય કરવા. હે રાણી ! આવી રીતે વિધિપૂર્વક વ્રત કરીશ તો જરૂર તારી મનોકામના ફળશે." પદ્મિની એકાદશીના વ્રતની સંપૂર્ણ વિધિ રાણીને કહી તેને આશીર્વાદ આપી મહાસતી પ્રયાણ કરી ગયા.
રાણી પદ્મિનીએ ભાવપૂર્વક કર્યું એકાદશીનું વ્રત
પુરૂષોત્તમ માસ આવતાં રાણી પદ્મિનીએ પુત્રપ્રાપ્તિ અર્થે 'પદ્મિની એકાદશી'નું વ્રત સવારથી માંડી રાત્રિ સુધી વિધિપૂર્વક કર્યું. વ્રતની પૂર્ણાહૂતિ થતાં વ્રત કરનાર રાણી પદ્મિની ઉપર પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ ગરૂડ ઉપર બેસીને રાણી પાસે આવ્યા અને તેને વરદાન માગવા કહ્યું પતિવ્રતા રાણીએ ભગવાનને નમન કરતા, પુત્રપ્રાપ્તિનું વરદાન માગ્યું. અંતે પોતાના મનોરથની સિદ્ધિ થઇ જાણી રાજારાણી અતિહર્ષિત થઈ પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને રાણી પદ્મિનીએ નવ માસ પછી અતિ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો.