રાત્રે શા માટે રડે છે કૂતરા ? કારણ જાણી થશે આશ્ચર્ય
દિલ્હી, 17 નવેમ્બર 2018, શનિવાર
રાતના સમયે તમે અનેકવાર કુતરાનો રડવાનો અવાજ સાંભળ્યો હશે. કુતરા જ્યારે રાત્રે રડવાનું શરૂ કરે છે તો લોકોના મનમાં ભયની લાગણી જન્મે છે. કારણ કે કુતરાનું રડવું અને તેનું ભસવું તે અશુભ માનવામાં આવે છે. જ્યારે કુતરા રડે છે તો કોઈ અશુભ ઘટના બને છે તેવી માન્યતા છે તેથી રડતા કુતરાને લોકો પોતાના ઘર આસપાસથી ભગાડી દે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કુતરા રાત્રે શા માટે રડે છે?
હિંદૂ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો એવું કહેવાય છે કે કુતરાને રાત્રિના સમયે આત્મા દેખાતી હોય છે. જ્યારે જ્યારે તેમને આસપાસ આત્મા દેખાય છે ત્યારે તે રડે છે. આ કારણથી જ કુતરાનું રાત્રે રડવું અશુભ માનવામાં આવે છે. આ વાત તો થઈ ધર્મની, કુતરાના રડવા પાછળ વૈજ્ઞાનિક કારણ શું છે તે પણ જણાવીએ તમને.
કુતરા રડવાનો અવાજ કરી પોતાના સાથીને સંદેશ પહોંચાડતા હોય છે. દરેક કુતરા ખાસ પ્રકારના અવાજ કરે છે જેથી તેના સાથી સુધી તેની જગ્યાની જાણકારી પહોંચે અને તે તેના સુધી સરળતાથી પહોંચી શકે. કેટલાક વૈજ્ઞાનિકોનું એમ પણ માનવું છે કે કુતરા એવા પ્રાણી છે કે જે એકલા રહી શકતા નથી. જ્યારે તે એકલા પડે છે ત્યારે આવો અવાજ કાઢી પોતાની પીડા વ્યક્ત કરે છે. તો હવે જ્યારે તમે રાતના સમયે કોઈ કુતરાને રડતા સાંભળો તો તેને મારીને ભગાડવાની કે ડરવાની જરૂર નથી.