જાણો શિવજીના હાથમાં શોભતા ડમરું, ત્રિશૂલ સહિતની 8 વસ્તુઓનું શું છે મહત્વ
અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
ત્રિકાલદર્શી ભગવાન શિવ તમામ દેવતાઓમાં સર્વશક્તિશાળી, સરળ અને દયાવાન સ્વભાવના છે. તેમની ઓળખ તેમની આગવી વેશભૂષા છે. આજે જાણી શિવજીની સાથે જ જોવા મળતાં ત્રિશૂલ, ડમરુ જેવી વસ્તુઓનું શું મહત્વ છે.
ત્રિશૂલ
શિવપુરાણ અનુસાર ભગવાન શંકરને દરેક અસ્ત્રને ચલાવવાની સિદ્ધિ પ્રાપ્ત છે. પરંતુ ધનુષ અને ત્રિશૂલ તેમના સૌથી પ્રિય છે. ત્રિશૂલને રજ, તમ અને સત ગુણના પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે આ ત્રણ ગુણ મળ્યા ત્યારે જ શિવજીનું ત્રિશૂલ બન્યું. મહાકાલ શિવના ત્રિશૂલની સામે સૃષ્ટિની કોઈપણ શક્તિનું અસ્તિત્વ રહેતું નથી. તે દૈવિક અને ભૌતિક વિનાશનું પણ દ્યોતક છે.
ડમરૂં
માન્યતા છે કે સૃષ્ટિની રચના સમયે જ્યારે વિદ્યા અને સંગીતની દેવી સરસ્વતી અવતરિત થઈ ત્યારે તેમની વાણીમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સુર અને સંગીત વિનાની હતી. શાસ્ત્રો અનુસાર ત્યારે ભગવાન શિવએ 14 વાર ડમરું વગાડી અને પોતાના તાંડવ નૃત્યથી સંગીતની ઉત્પતિ તરી ત્યારથી જ તેમને સંગીતના જનક માનવામાં આવે છે. લોક માન્યતા અનુસાર ઘરમાં ડમરું રાખવું શુભ માનવામાં આવે છે.
નાગ
ભગવાન શિવના ગળામાં શોભતાં નાગ, નાગલોકના રાજા વાસુકી છે. રાજા વાસુકી શિવજીના પરમભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને આભૂષણના સ્વરૂપે પોતાની પાસે રાખવાનું વરદાન આપ્યું.
ચંદ્ર
રાજા દક્ષએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રએ ઘોર તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. તપથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને જીવનદાન આપ્યું અને સાથે જ તેને પોતાના મસ્તક પર ધારણ પણ કર્યા. સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં ચંદ્ર દેવએ ભગવાન શિવની ઉપાસના કરવા માટે કરી હતી.
પિનાક ધનુષ
ગ્રંથો અનુસાર શિવજીના ધનુષનું નામ પિનાક છે. શિવના આ ધનુષની ટંકાર માત્રથી વાદળ ફાટી જાય છે અને પર્વતોના સ્થાન બદલી જાય છે. આ ધનુષ તમામ શસ્ત્રોમાં સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવે છે. તેમાંથી નીકળેલા તીરથી ત્રિપુરાસુરના ત્રણ નગર ધ્વસ્ત થયાનું વર્ણન પણ શાસ્ત્રોમાં મળે છે.
ગંગા
શિવજીનું એક નામ વ્યોમકેશ પણ છે. તેમની જટાઓને વાયુનું પ્રતીક માનવામાં આવે છે. તેમાંથી પવિત્ર ગંગા અવિરલ વહેતી રહે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે ગંગા નદીનું ધરતી પર અવરતણ થયું ત્યારે તેમના તીવ્ર પ્રવાહથી ધરતીનું નુકસાન ન થાય તે માટે પહેલા શિવજીએ તેને પોતાની જટાઓમાં બાંધી નિયંત્રિત કર્યા હતા.