દેવરાજ ઈન્દ્રએ પોતાના પુત્ર માટે બનાવ્યું હતું દુનિયાનું સૌથી મોટું મંદિર
નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2020, શુક્રવાર
આપણા દેશના પ્રાચીન મંદિરો તેના ધાર્મિક મહત્વના કારણે માટે વિશ્વભરમાં જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ભારતમાં નથી? ભારતથી 4800 કિ.મી. એક દેશ જ્યાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક આવેલું છે.
આ મંદિર છે અંકોરવાટનું મંદિર છે જે કંબોડિયાના અંકોરમાં આવેલું છે. તેનું જૂનું નામ યશોધપુર હતું. મીકાંક નદીના કાંઠે આવેલા સિમરિપ શહેરમાં આવેલા આ મંદિરને વિશ્વની પાંચ આશ્ચર્યજનક વસ્તુઓમાં પણ ગણવામાં આવે છે. તે હજારો વર્ગ મીલમાં ફેલાયેલું મંદિર છે.
આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો કે કેટલાક શાસકોએ અહીં મોટા શિવ મંદિરોનું નિર્માણ પણ કરાવ્યું હતું. ઇન્ડોનેશિયાના રહેવાસીઓ આ મંદિરને પાણીમાં ડૂબેલો મંદિરનો બગીચો પણ કહે છે. અંકોરવાટનું આ હિન્દુ મંદિર એટલું ખાસ છે કે તે કંબોડિયા રાષ્ટ્રનું રાષ્ટ્રીય પ્રતીક છે. જેની તસવીર અહીંના રાષ્ટ્રધ્વજ ઉપર જોવા મળે છે. આ મંદિરને મેરુ પર્વતનું પ્રતીક પણ માનવામાં આવે છે.
આ મંદિરની દિવાલો પર રામાયણ અને મહાભારતના પ્રસંગોને ચિત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓએ અપ્સરાઓની નૃત્ય મુદ્રાના ભીંતચિત્રો પણ છે. અહીં અસુરો અને દેવતાઓ વચ્ચે સમુદ્ર મંથન જેવા મહત્વના પ્રસંગોના દ્રશ્યો પણ દિવાલો પર જોવા મળે છે. આ મંદિરને 1992 માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવવામાં આવ્યું છે.
મંદિર નિર્માણ કોણે કર્યું ?
આ મંદિરનું નિર્માણ રાજા સૂર્યવર્મન દ્વિતીયએ 1112 થી 1153 ની વચ્ચે કરાવ્યું હતું. મંદિરનું કામ સૂર્યવર્મન બીજાએ શરૂ કરાવ્યું હતું પરંતુ તે પૂર્ણ ધરણીન્દ્રવર્મનના શાસન દરમિયાન થયું હતું. આ દેવાલયની સુરક્ષા માટે તેની ચારે તરફ એક વિશાળ ખાઈ બનાવવામાં આવી છે. જેની લંબાઈ અઢી માઇલ અને પહોળાઈ 650 ફૂટ છે.
દૂરથી જોવાથી આ ખાઈ એક સુંદર સરોવર જેવી લાગે છે. આ મંદિર અંગેની દંતકથાઓની વાત કરીએ તો આ મંદિર વિશે કહેવામાં આવે છે કે દેવરાજ ઇન્દ્રએ એક મહેલ તરીકે પોતાના પુત્ર માટે આ મંદિર એક જ રાતમાં તૈયાર કરાવ્યું હતું.
મંદિરની વિશેષતાઓ
1. આ મંદિર એક ઊંચા અને વિશાળ પ્લેટફોર્મ પર બનેલું છે જેમાં ત્રણ ખંડ છે, જે દરેકમાં સુંદર મૂર્તિઓ છે અને દરેક ખંડ સુધી પહોંચવા માટે દાદર છે.
2. દરેક ખંડમાં આઠ ગુંબજ છે જેની ઉંચાઈ 180 ફુટ છે.
3. મુખ્ય મંદિર ત્રીજા ખંડની વિશાળ છત પર સ્થિત છે, જેનું શિખર 213 ફુટ ઊંચું છે.
4. આ પ્રકારનું ભવ્ય અને વિશાળ ધાર્મિક સ્મારક વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. આ મંદિર વાસ્તુ કલા, સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે.
5. અંકોટવાટમાં વિદેશોથી આવતા પ્રવાસીઓમાં સૌથી વધારે ચીનના પ્રવાસીઓ હોય છે. ગત વર્ષે અંદાજે 6 લાખથી વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી હતી.
6. આ મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.