આ તારીખથી શરૂ થશે કમુર્તા, 1 મહિના સુધી નહીં થાય માંગલિક કાર્ય
અમદાવાદ, 17 ડિસેમ્બર 2018, સોમવાર
રવિવાર અને 16 ડિસેમ્બરથી ખરમાસ એટલે કે કમુર્તાનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ સાથે જ એક માસ સુધી માંગલિક કાર્યો પણ અટકી જશે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ખરમાસની સમાપ્તિ થશે. સૂર્ય ઉત્તરાયણમાં જશે અને શુભ માંગલિક કાર્યો શરૂ થશે. જો કે કમુર્તા એટલે કે ખરમાસનું પણ ખાસ મહત્વ સનાતન ધર્મમાં છે. ખરમાસમાં પણ પિતૃપક્ષની જેમ પિંડદાન કરવાનું મહત્વ હોય છે.
રવિવારથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થવાની સાથે જ અશુદ્ધ માસનો પ્રારંભ થશે. રવિવારે સવારે 11.38 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય સંક્રાંતિ અને લગ્નના રાજા હોય છે. તેમનું રાશિ પરિવર્તન ખરમાસ સર્જે છે. તેથી આ સમય દરમિયાન કોઈ શુભ કે ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવતું નથી.
લગ્ન, નવા ઘરમાં પ્રવેશ, નવા વાહનની ખરીદી, સંપત્તિની લે-વેચ જેવા શુભ કાર્યો એક માસ સુધી કરી શકાશે નહીં. 14 જાન્યુઆરી 2018ના રોજ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવાની સાથે જ આ ખરમાસની પણ સમાપ્તિ થઈ જાશે.
કહેવામાં આવે છે કે ખરમાસ દરમિયાન સૂર્ય મલિન અવસ્થામાં હોય છે તેથી આ સમય દરમિયાન શુભ કાર્યો કરવા ન જોઈએ. આ ઉપરાંત સૂર્ય, ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ગુરુનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. તેથી આ સમય દરમિયાન લગ્ન જેવા કાર્યો કરવામાં આવતાં નથી. કારણ કે લગ્ન માટે સૂર્ય અને ગુરુ બંને મજબૂત સ્થિતીમાં હોય તે જરૂરી હોય છે.
કમૂર્તામાં પિંડદાનનું મહત્વ
માર્કડેય પુરાણમાં વર્ષમાં બેવાર પિંડદાનનું મહત્વ દર્શાવાયું છે. અશ્વિન કૃષ્ણપક્ષ જે સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં આવે છે અને બીજું ખરમાસ જે ડિસેમ્બર માસમાં આવે છે. આ બંને સમય દરમિયાન પિંડદાન કરવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે. આ ખરમાસ દરમિયાન નદી કિનારે પિંડદાન કરવામાં આવે છે.