કુંવારી યુવતીઓ પણ યોગ્ય જીવનસાથી માટે રાખે છે વ્રત, જાણો તેના નિયમ
નવી દિલ્હી, 17 ઓક્ટોબર 2019, ગુરુવાર
સૌભાગ્યવતી સ્ત્રીઓ કરવા ચૌથનું વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. પરંતુ આ વ્રત માત્ર સૌભાગ્યવતી સ્ત્રી જ રાખે છે તેવું નથી. આ વ્રત કુંવારી યુવતીઓ પણ રાખે છે.
ભારતના કેટલાક રાજ્યોમાં યોગ્ય જીવનસાથી મળે તે પ્રાર્થના સાથે કુંવારી કન્યાઓ પણ આ વ્રત કરે છે. કુંવારી કન્યાઓ જો આ વ્રતના નિયમો ન જાણતી હોય તો જાણી લો આજે.
સરગી
સરગી દરેક સાસુ પોતાની વહૂને આપતી હોય છે. કુંવારી કન્યાને સરગી મળે તેવું બનતું નથી. પરંતુ તેમણે સવારે ભગવાનનું ધ્યાન ધરી અને તેમને ચઢાવેલો પ્રસાદ સરગી તરીકે આરોગવો જોઈએ. સરગીમાં ફળ, સૂકામેવા વગેરે લઈ શકાય છે.
નિર્જળા વ્રતને બદલે નિરાહાર વ્રત
નિર્જળા વ્રત વિવાહિત સ્ત્રીઓ રાખે છે. જ્યારે અવિવાહિત કન્યા આ વ્રત કરે તો તેણે ફળાહાર સાથે વ્રત કરવું એટલે કે દિવસ દરમિયાન અનાજનું સેવન ન કરવું.
શિવ પાર્વતીની કથા સાંભળો
કુંવારી કન્યાઓએ આ દિવસે શિવ, પાર્વતીની કથા સાંભળવી જોઈએ.
શિવ સ્તુતિ કરી વ્રતના પારણા
જે યુવતીઓના લગ્ન નક્કી થઈ ચુક્યા હોય તેમણે પોતાના ભાવિ જીવનસાથીનો ફોટો જોઈ વ્રતના પારણા કરવા. જ્યારે જેમના સંબંધ થવાના બાકી હોય તેમણે શિવ સ્તુતિ કરી અને વ્રતના પારણા કરવા.
કાળા અને સફેદ વસ્ત્ર ન પહેરો
યુવતીઓએ આ દિવસે કાળા કે સફેદ વસ્ત્ર પહેરવાનું ટાળવું. આ દિવસે લાલ, ગુલાબી કે પીળા કપડા પહેરવા.