કષ્ટ અને પાપનો નાશ કરતી કામદા એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
નવી દિલ્હી, 3 એપ્રિલ 2020, શુક્રવાર
ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ આવતી કાલે એટલે કે 4 એપ્રિલએ છે. શાસ્ત્રોમાં આ એકાદશીના વ્રતનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. કામદા એકાદશીનું વ્રત કરવાથી ભક્તના જન્મોજન્મના પાપનો નાશ થાય છે અને પુણ્ય પળ પ્રાપ્ત થાય છે. કામદા એકાદશીનું વ્રત કરવાથી શું લાભ થાય છે તે વર્ણય સ્વયં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું.
આ વર્ષે આ પાવન વ્રત 4 એપ્રિલ અને શનિવારએ આવશે. આ વ્રતના પારણા બારસના દિવસે કરવામાં આવે છે. 4 એપ્રિલ અને શનિવારના રોજ એકાદશી પ્રારંભ રાત્રે 12 કલાક અને 58 મિનિટથી થઈ જશે. જ્યારે સમાપન 4 એપ્રિલ રાત્રે 10 કલાક અને 30 મિનિટ પર થશે.
એકાદશની પૂજા વિધિ
કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાનાદિ કરી સ્વચ્છ કપડા ધારણ કરવા. એક લાકડાના પાટ પર પીળું કપડું પાથરવું અને તેના પર તાંબાનું પાત્ર રાખી તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખવી. હવે સૌથી પહેલા પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવો ત્યારબાદ શુદ્ધ જળથી તેમને સ્નાન કરાવો. હવે પ્રતિમાને મંદિર પર બિરાજમાન કરો. ભગવાનને તુલસી, મેવા,મિષ્ઠાન અર્પણ કરો અને તેમની સામે દીપક પ્રજ્વલિત કરો. પૂજા કર્યા બાદ પ્રભુની આરતી કરો અને પૂજામાં અજાણતા ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગો.