અત્યંત લાભકારી છે ભૈરવ સાધના, જાણો પૂજા વિધિ અને મહત્વ વિશે
નવી દિલ્હી, 15 નવેમ્બર 2019, શુક્રવાર
મંગળવાર અને 19 નવેમ્બરના રોજ ભૈરવાષ્ટમી ઉજવાશે. તંત્ર સાધના માટે કાલ ભૈરવ અષ્ટમી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભૈરવ બાબા ભગવાન શંકરના અવતાર છે. ભૈરવની સાધના કરવાથી ભક્તોના જીવનના તમામ સંકટ દૂર થઈ જાય છે. ભૈરવ સાધના કઠોર હોય છે પરંતુ તે ફળદાયી પણ છે. ભૈરવ સાધના કરવા માટે સાત્વિકતા અને એકાગ્રતા હોવી જરૂરી છે. પૌરાણિક કથા અનુસાર માગશર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી પર આ પૂજા કરવી જોઈએ. ભૈરવ બાબા હિંદૂ દેવતાઓમાંથી એક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેઓ દિશાઓના રક્ષક છે. તેમને કાશીના સંરક્ષક પણ કહેવાય છે. બટુક ભૈરવ અને કાલ ભૈરવ પણ તેમના જ રૂપ છે.
વ્રતનું મહત્વ
ભૈરવાષ્ટમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી શત્રુ અને નકારાત્મક શક્તિનો નાશ થાય છે. આ દિવસે ભૈરવ બાબાની વિશેષ પૂજા, અર્ચના કરવામાં આવે છે અને તેનાથી દરેક પાપનો નાશ થાય છે. આ તિથિ પર કાલ ભૈરવના દર્શન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
ભૈરવ પૂજાના લાભ
ભૈરવ પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભૈરવ બાબાની પૂજા અર્ચના કરવાથી ભક્ત નિર્ભય થઈ જાય છે. તેના જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. આ દિવસે ભૈરવ પૂજા અને વ્રત કરવાથી સમસ્ત વિધ્ન સમાપ્ત થાય છે. આ દિવસે ભૂત, પ્રેતની બાધા પણ દૂર થઈ જાય છે.
લાભદાયી ભૈરવ સાધના
ભૈરવ બાબાની સાધના કરવાથી ક્રૂર ગ્રહોના પ્રભાવ દૂર થાય છે. તેમની સાધના કરવાથી તમામ પ્રકારની તાંત્રિક ક્રિયાઓનો પ્રભાવ પણ નષ્ટ થાય છે.
પૂજા વિધિ
ભૈરવ બાબાની ઉપાસના ષૌડ્ષોપચાર વિધિથી રાત્રે કરવી જોઈએ. પૂજા બાદ જાગરણ કરવું અને ભજન કરવા. ભૈરવ બાબાને પ્રસન્ન કરવા માટે આ દિવસે કાળા કુતરાને ભોજન કરાવવું.