કાળ ભૈરવ અષ્ટમી : જાણો, કાળ ભૈરવનો જન્મ કેવી રીતે થયો?
- શા માટે કાળ ભૈરવે બ્રહ્માજીનું માથું કાપી નાંખ્યું હતુ?
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર 2017, શુક્રવાર
કારતક માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને કાળ ભૈરવ અષ્ટમી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાળ ભૈરવનો જન્મ થયો હતો. શિવ પુરાણ અનુસાર કાળ ભૈરવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે, આ ભગવાન શંકરનો બીજો રૂપ છે. આ વર્ષે કાળ ભૈરવ અષ્ટમી 10 નવેમ્બર, શુક્રવારના દિવસે છે. તેમની પૂજાથી ઘરમાં નકારાત્મક ઊર્જા, જાદૂ ટોના, ભૂત-પ્રેત વગેરેનો ભય દૂર થાય છે. જાણો, કાળ ભૈરવનો જન્મ કેવી રીતે થયો હતો.
કાળ ભૈરવના જન્મને પુરાણોમાં એક રસપ્રદ કથા છે. શિવ પુરાણો અનુસાર એકવાર તમામ દેવતાઓએ બ્રહ્મા અને વિષ્ણુજીને પૂછ્યુ કે જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? ત્યારે બંનેએ પોતાને શ્રેષ્ઠ હોવાનું જણાવીને પરસ્પર એકબીજા સાથે આ વાતને લઇને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારબાદ બધા દેવતાઓએ વેદશાસ્ત્રોને પૂછ્યું તો જાણવા મળ્યું કે જેમની અંદર વિશ્વ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમાયેલું છે શાશ્વત અનંત અને અવિનાશી તો ભગવાન રૂદ્ર જ છે.
વેદ શાસ્ત્રો પાસેથી શિવજી વિશેની આ વાત સાંભળીને બ્રહ્માએ પોતાના પાંચમા મુખથી શિવજી માટે ખરી-ખોટી વાત બોલવા લાગ્યા, જેનાથી વેદ દુખી થયા. તે સમયે એક દિવ્યજ્યોતિના રૂપમાં ભગવાન રૂદ્ર પ્રકટ થયા. બ્રહ્માએ કહ્યુ કે, 'હે રૂદ્ર! તમે મારા જ મષ્તકમાંથી જન્મયા છો, વધારે રુદન કરવાને કારણે જ મેં તમારું નામ રુદ્ર રાખ્યુ છે, તેથી તમે મારી સેવામાં આવી જાઓ.'
બ્રહ્માના આ આચરણ પર શિવજીને ભયાનક ગુસ્સો આયો અને તેમણે ભૈરવને ઉત્પન્ન કરીને કહ્યુ કે તમે બ્રહ્મા પર શાસન કરો. તે દિવ્ય શક્તિથી ભરપૂર ભૈરવે પોતાના ડાબા હાથની સૌથી નાની આંગળીના નખથી શિવજી માટે અપમાનજનક શબ્દ બોલનાર બ્રહ્માના પાંચમાં માથાને જ કાપી નાંખ્યું હતું.
શિવજીના કહેવા પર ભૈરવે કાશી પ્રસ્થાન કર્યું જ્યાં બ્રહ્મ હત્યાથી મુક્તિ મળી. રૂદ્રે તેમને કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધ કર્યા. આજે પણ કાળ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પૂજવામાં આવે છે. તેમના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા રહે છે.