Get The App

જન્માષ્ટમી 2025: જાણો કૃષ્ણ, રુક્મિણી અને સત્યભામાના પ્રેમ અને અહંકારની અનોખી ગાથા

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
જન્માષ્ટમી 2025: જાણો કૃષ્ણ, રુક્મિણી અને સત્યભામાના પ્રેમ અને અહંકારની અનોખી ગાથા 1 - image

Krishna Janmashtami 2025: પૌરાણિક કથા અનુસાર, દેવો અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાંથી ચૌદ અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયા હતા, જેમાંનું એક અદ્ભુત પારિજાતક વૃક્ષ હતું. આ વૃક્ષને 'કલ્પવૃક્ષ' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમામ ઇચ્છાઓ પૂરી કરવાની શક્તિ ધરાવે છે. સમુદ્રમંથન બાદ આ વૃક્ષ દેવરાજ ઇન્દ્રના હિસ્સે આવ્યું અને તે ઇન્દ્રલોકના નંદનવનની શોભા વધારવા લાગ્યું, જ્યાં તેની સુગંધ આખા સ્વર્ગને મહેકાવતી હતી.



આ પણ વાંચો: જન્માષ્ટમીએ કરજો આ ખાસ ઉપાય, લડ્ડુ ગોપાલના મળશે આશીર્વાદ

'ઇન્દ્રની રાણી શચિએ તેમને પારિજાતકનું સુગંધિત પુષ્પ ભેટ આપ્યું'

જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર એક દિવસ નારદ મુનિ સ્વર્ગલોકમાં આવ્યા. ઇન્દ્રની રાણી શચિએ તેમને પારિજાતકનું એક સુગંધિત પુષ્પ ભેટ આપ્યું. આ પુષ્પ લઈને નારદ મુનિ પૃથ્વી પર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા દ્વારકા પહોંચ્યા. શ્રીકૃષ્ણએ જ્યારે આ દિવ્ય પુષ્પ જોયું, ત્યારે તેઓ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. નારદ મુનિએ તે પુષ્પ શ્રીકૃષ્ણને અર્પણ કર્યું.

શ્રીકૃષ્ણએ આ સુંદર પુષ્પ તેમની પટરાણી રુક્મિણીજીને આપ્યું

ભગવાન શ્રીકૃષ્ણએ આ સુંદર પુષ્પ તેમની પટરાણી રુક્મિણીજીને પ્રેમપૂર્વક આપ્યું. આ વાતની જાણ જ્યારે તેમની અન્ય પત્ની સત્યભામાને થઈ, ત્યારે તેઓ ખૂબ નારાજ થયા. સત્યભામાને લાગ્યું કે શ્રીકૃષ્ણ રુક્મિણીજીને તેમના કરતાં વધુ પ્રેમ કરે છે. સત્યભામાનો અહંકાર અને પ્રેમ બંને ઘવાયા. શ્રીકૃષ્ણે સત્યભામાની નારાજગી જોઈને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આખા પારિજાતક વૃક્ષને જ પૃથ્વી પર લાવવાનું વચન આપ્યું.



શ્રીકૃષ્ણ આખું વૃક્ષ જ ઉખાડીને પૃથ્વીલોક પર લઈ આવ્યા

આ વચન પાળવા માટે શ્રીકૃષ્ણ નારદ મુનિ સાથે સ્વર્ગલોક ગયા અને ઇન્દ્ર પાસે પારિજાતક વૃક્ષની માંગણી કરી. પરંતુ ઇન્દ્રે તે વૃક્ષ આપવાનો ઇનકાર કર્યો, કારણ કે તે સ્વર્ગની શોભા હતું. આના કારણે શ્રીકૃષ્ણ અને ઇન્દ્ર વચ્ચે વિવાદ થયો અને છેવટે શ્રીકૃષ્ણ બળપૂર્વક આખું વૃક્ષ જ ઉખાડીને પૃથ્વીલોક પર લઈ આવ્યા.

પારિજાતકનું વૃક્ષ ક્યારેય ફળ ધારણ નહીં કરે,તેના ફૂલો માત્ર રાત્રે જ ખીલશે

ક્રોધિત થયેલા ઇન્દ્રએ શ્રાપ આપ્યો કે પારિજાતકનું વૃક્ષ તેના ફળ ક્યારેય ધારણ નહીં કરે અને તેના ફૂલો માત્ર રાત્રે જ ખીલશે. એટલું જ નહીં, સૂર્યોદય થતાં જ તેના ફૂલો ખરીને નીચે પડી જશે, અને તેને ક્યારેય ડાળી પરથી તોડી શકાશે નહીં.

આ પણ વાંચો: જન્માષ્ટમીથી જ 3 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, બનશે જ્વાળામુખી યોગ

વૃક્ષના ફૂલો જ્યારે ખરી પડે ત્યારે તે રુક્મિણીજીના મહેલના પ્રાંગણમાં પડે

ભગવાન શ્રીકૃષ્ણ આ વૃક્ષને સત્યભામાના આંગણામાં વાવ્યું, પરંતુ તેમણે એવી વ્યવસ્થા કરી કે વૃક્ષના ફૂલો જ્યારે ખરી પડે ત્યારે તે રુક્મિણીજીના મહેલના પ્રાંગણમાં પડે. આમ, બંને રાણીઓને પારિજાતકનાં ફૂલોનો આનંદ મળ્યો અને શ્રીકૃષ્ણે પ્રેમ અને અહંકાર વચ્ચે એક અનોખું સંતુલન જાળવી રાખ્યું.

સાચો પ્રેમ ક્યારેય કોઈના અહંકારનો ભોગ બનતો નથી

આજે પણ પારિજાતકના ફૂલોને પ્રેમ અને લાગણીના પ્રતીક માનવામાં આવે છે. આ ફૂલોનો ઉપયોગ દેવી-દેવતાઓની પૂજામાં થાય છે, અને તેની સુગંધ દિવ્યતાનો અહેસાસ કરાવે છે. આ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય કોઈના અહંકારનો ભોગ બનતો નથી, પરંતુ બુદ્ધિપૂર્વક તેનો ઉકેલ લાવે છે.