Janmashtami 2020 : જાણો, ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ વિશે...
- શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2020, બુધવાર
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે મનાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત આ અવસરે તેમની આરાધનામાં ઉપવાસ કરે છે. બાળ ગોપાલ માટે ઝૂલો શણગારે છે અને તેમને 56 ભોગનો પ્રસાદ ચઢાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ 16 કળાઓમાં નિપુણ હતા અને તેમની લીલાઓ પણ અમર છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર જાણો, તેમની કેટલીક કૃષ્ણ લીલાઓ વિશે...
શ્રીકૃષ્ણે કંસના કારાવાસમાં જન્મ લીધો અને તેમનો જન્મ થતા જ કરાવાસના દરવાજા ખુલી ગયા. આ સાથે જ આકાશવાણી પણ થઇ કે બાળકને નંદગામમાં નંદરાયજીના ઘરે પહોંચાડી દો અને નંદરાયની નવજાત કન્યાને લઇને આઓ. આ શ્રીકૃષ્ણના મહામાનવ હોવાનો પ્રથમ સંકેત હતો.
કંસ મામાને જ્યારે કૃષ્ણ જન્મની સૂચના મળી ત્યારે પૂતના નામની રાક્ષસીને કૃષ્ણને મારવા માટે મોકલવામાં આવી. પૂતનાએ કૃષ્ણને સ્તનપાન કરાવવા માટે આવી જેમાં તે દૂધમાં ઝેર મેળવીને કૃષ્ણની હત્યા કરવા માંગતી હતી. પરંતુ શ્રીકૃષ્ણે જ તેના પ્રાણ ખેંચીને વિશાળકાય રાક્ષસીનો વધ કરી દીધો.
એક દિવસ રમતાં રમતાં શ્રીકૃષ્ણ યમુના નદીમાં કૂદી પડ્યા અને ત્યાં તેમનો સામનો કાલિયા નાગ સામે થયો. કાલિયા નાગનો વધ કૃષ્ણ કરવા જઇ રહ્યા હતા ત્યારે નાગ કન્યાઓએ કાલિયા નાગના પ્રાણની રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગી. શ્રી કૃષ્ણે કાલિયા નાગને હરાવીને નંદગામથી દૂર જવા માટે કહ્યું અને નાગને માફી આપી દીધી.
ઇન્દ્ર દ્વારા મૂશળધાર વરસાદ કરાવ્યા બાદ નંદગામનાં પશુઓ અને લોકોની રક્ષા માટે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની નાનકડી આંગળી પર ઉઠાવી લીધો અને કેટલાય દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ જળવાઇ રહી ત્યારે ઇન્દ્રદેવે માફી માંગવા માટે શ્રીકૃષ્ણની સામે આવવું પડે.
કંસના પહેલવાનોને પરાજિત કરીને કંસનો વધ કરવો તે કોઇ સામાન્ય બાબત ન હતી. શ્રીકૃષ્ણે જેવો કંસનો વધ કર્યો કે ચારેય તરફથી શ્રી કૃષ્ણનો જયજયકાર થવા લાગ્યો.
શ્રી કૃષ્ણના ગુરૂ સંદીપિનીના પુત્રની વર્ષો પહેલા સાગરમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થઇ ચુક્યુ હતુ. ગુરુ દક્ષિણા આપતી વખતે શ્રી કૃષ્ણે ગુરુના મનની વાત જાણી લીધી અને તેમના પુત્રને ફરી જીવિત કરીને ગુરુને સોંપી દીધો. જ્યારે ગુરુએ પોતાના પુત્રને જીવિત જોતાં વિશ્વાસ થઇ ગયો કે શ્રી કૃષ્ણ મનુષ્ય દેહ ધારણ કરનાર વાસ્તવમાં પરમાત્મા છે.
ચીર હરણના સમયે દ્રોપદીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યુ હતું અને દ્રોપદીની સાડી એટલી લાંબી થતી ગઇ કે દુશાસન ખેંચતા ખેંચતા થાકીને બેસી ગયો. આ રીતે શ્રી કૃષ્ણે દ્રોપદીની રક્ષા કરી.
પાંડવોના દૂત બનીને જ્યારે શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે પહોંચ્યા ત્યારે દુર્યોધને શ્રી કૃષ્ણને બંદી બનાવવાનો આદેશ આપ્યો. તે સમયે શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય સ્વરૂપ ધારણ કરીને સમગ્ર સભાને ચોંકાવી દીધી હતી. આ સમયે ભીષ્મ અને વિદુરે શ્રી કૃષ્ણનો પ્રભુ અવતાર જોયો.
મહાભારત યુદ્ધ દરમિયાન દરેક મગફળી ખાઇને યુદ્ધમાં મૃત્યુ પામનારની સંખ્યાની ભવિષ્યવાણી કરવી દર્શાવે છે કે શ્રી કૃષ્ણ માનવ નહીં મહામાનવ છે.
શ્રી કૃષ્ણની સૌથી ભવ્ય લીલા હતી તેમનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને અર્જુનના જીવન અને મૃત્યુના રહસ્યનું બોધ આપવો. શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ સાક્ષાત તેમના પરબ્રહ્મ પરમેશ્વર હોવાનો પુરાવો આપે છે.