ભગવાન શ્રીકૃષ્ણના મહેલ પર બન્યું છે દ્વારકાધીશ મંદિર, 2200 વર્ષ જુનો છે ઇતિહાસ
- દ્વારકાધીશ મંદિર હિન્દૂ ધર્મના ચાર પવિત્ર ધામોમાંથી એક ધામ માનવામાં આવે છે
નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ 2020, મંગળવાર
દેશમાં કેટલીય જગ્યાએ આજે જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન કૃષ્ણનું દ્વારકાધીન મંદિર દેશ-દુનિયામાં ઘણું પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દૂ ધર્મના ચાર ધામોમાંથી એક ધામ પણ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે દ્વારકા નગરીનું નિર્માણ કર્યુ હતું. શ્રી કૃષ્ણના મહેલ હરિ ગૃહ પર જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું છે.
દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજાવાળી પ્રતિમા છે જે ચાંદીના સિંહાસન પર વિરાજમાન છે. આ પ્રતિમામાં ભગવાન કૃષ્ણે પોતાના હાથમાં શંખ, ગદા, ચક્ર અને કમળ ધારણ કર્યા છે. પુરાતાત્વિક શોધ દરમિયાન જાણવા મળ્યું છે કે આ મંદિર 2,000 થી 2,200 વર્ષ જૂનું છે.
ચૂના-પથ્થરથી બનાવવામાં આવેલ સાત માળીયા દ્વારકાધીશ મંદિરની ઊંચાઇ લગભગ 157 ફૂટ છે. શ્રી કૃષ્ણના જીવન લીલાઓનું ચિત્ર દ્વારા વર્ણન કરતા આ મંદિરની બહારની દિવાલોની સજાવટ કરવામાં આવી છે. આ મંદિરના બે પ્રવેશ દ્વાર છે. દક્ષિણ દિશાવાળા દ્વારને સ્વર્ગ દ્વાર કહેવામાં આવે છે. તીર્થ યાત્રા કરનાર લોકો સામાન્ય રીતે આ દ્વારના માધ્યમથી મંદિરમાં પ્રવેશ કરે છે. ઉત્તર તરફ, જે દ્વાર છે તેને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે. આ દ્વાર ગોમતી નદીના 56 તટ તરફ લઇ જાય છે.
મંદિરના દક્ષિણમાં ભગવાન ત્રિવિક્રમનું મંદિર છે. જેમાં રાજા બલિ તથા સનકાદિ કુમારોની મૂર્તિઓની સાથે ગરૂડજીની મૂર્તિ પણ વિરાજમાન છે. મંદિરના ઉત્તરમાં પ્રદ્યુમ્નજીની પ્રતિમા અને તેની પાસે જ અનિરુદ્ધ તેમજ બલદેવજીની પણ મૂર્તિઓ છે.
મંદિરની પૂર્વ દિશામાં દુર્વાસાઅ ઋષિનું મંદિર છે. મંદિરના પૂર્વમાં અંદર જ મંદિરનો ભંડાર છે અને તેના દક્ષિણમાં જગત ગુરુ શંકરાચાર્યનું શારદા મઠ છે. ઉત્તરના મોક્ષ દ્વારની નજીક કુશેશ્વર શિવ મંદિર છે. અહીં દર્શન કર્યા વિના યાત્રા અધૂરી માનવામાં આવે છે.