જાણો, ભગવાન શિવજીના હાથમાં ડમરૂ, ત્રિશૂલ અને ગળામાં નાગ કેમ છે?
- સર્વશક્તિશાળી ભોળા ભંડારી સાથે જોવા મળતા ત્રિશૂલ, ડમરૂનું આધ્યાત્મિક મહત્ત્વ પણ છે
નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ 2020, મંગળવાર
શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર, શિવજીને આ મહિનો ખૂબ જ પ્રિય છે. કહેવામાં આવે છે કે શિવજીની આરાધનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્રિકાળદર્શી શિવજી તમામ દેવોમાં સર્વશક્તિશાળી અને સરળ, દયાળુ સ્વભાવના સ્વામી માનવામાં આવે છે. તેમની ઓળખ તેમની વેશભૂષાથી પણ કરવામાં આવે છે. જાણો તેમની સાથે હંમેશા જોવા મળતા ત્રિશૂળ, ડમરૂ વગેરે વસ્તુઓના આધ્યાત્મિક મહત્ત્વ વિશે...
ત્રિશૂલ છે આ વસ્તુઓનું પ્રતીક
શિવપુરાણ અનુસાર, ભગવાન શિવને તમામ શસ્ત્રો ચલાવવામાં સિદ્ધિ પ્રાપ્ત છે. પરંતુ ધનુષ અને ત્રિશૂલ તેમને સૌથી પ્રિય છે. ત્રિશૂલને રજ, તમ અને સત ગુણોનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રજ, તમ અને સત ગુણો મળીને ભગવાન શિવજીનું ત્રિશૂલ બન્યું છે. મહાકાલ શિવના ત્રિશૂલની આગળ સૃષ્ટિની કોઇ પણ શક્તિનું કોઇ અસ્તિત્ત્વ રહેતું નથી. આ દૈવિક અને ભૌતિક વિનાશનું પણ પ્રતીક છે.
ડમરૂથી થઇ સંગીતની રચના
એવી માન્યતા છે કે સૃષ્ટિની રચના સમયે જ્યારે વિદ્યા અને સંગીતની દેવી સરસ્વતી પ્રગટ થયા ત્યારે તેમના વાણીમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થઇ તે સુર તેમજ સંગીત વગરની હતી. શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવે 14 વાર ડમરૂ અને પોતાના તાંડવ નૃત્યથી સંગીતની સર્જના કરી અને ત્યારથી તેમને સંગીતના જનક માનવામાં આવે છે. લોક માન્યતાઓ અનુસાર, ઘરમાં ડમરૂ રાખવું શુભ માનવામાં આવે છે કારણ કે ડમરૂ શિવજીનું પ્રતીક હોવાની સાથે જ તેને સકારાત્મક ઊર્જા માટે ઉપયોગી માનવામાં આવે છે.
ભોળાભંડારીના ગળામાં નાગ
આપણા પુરાણો અનુસાર, ભગવાન શિવના ગળામાં રહેતા નાગ, નાગલોકના રાજા વાસુકી છે. કહેવાય છે કે વાસુકી ભોલેભંડારી શિવના પરમ ભક્ત હતા. જેમની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શિવે તેમને આભૂષ્ણ સ્વરૂપ હંમેશા તેમની નજીક રહેવાનું વરદાન આપ્યું હતું. આ કારણથી સંપૂર્ણ નાગલોક શિવના ઉપાસક માનવામાં આવે છે.
શિવજીએ આ કારણથી ધારણ કર્યા છે ચંદ્રમા
પૌરાણિક કથાઓ અનુસાર, રાજા દક્ષે ચંદ્રમાને શાપ આપ્યો હતો. જેનાથી મુક્ત થવા માટે તેમણે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાને તેમને ન માત્ર જીવનદાન આપ્યું, પરંતુ તેમને પોતાના મસ્તકે ધારણ કરવાનું સૌભાગ્ય પણ આપ્યું. સોમનાથ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે કે સ્વયં ચંદ્રદેવે ભગવાન શિવની ઉપાસના માટે જ સ્થાપિત કર્યુ હતું. તેનું આધ્યાત્મિક અર્થ પણ છે, ચંદ્રમાને મનનું પરિબળ માનવામાં આવે છે એટલા માટે ભગવાન શિવ દ્વારા ચંદ્રમા ધારણ કરવું એટલે કે મનને નિયંત્રણમાં રાખવું. આ સાથે જ ભગવાન શિવ સાથે સંકળાયેલા તમામ પર્વમાં ચંદ્ર કળાઓનું પણ વિશેષ મહત્ત્વ હોય છે.
શિવનું ધનુષ પિનાક
ધર્મગ્રંથોમાં શિવજીના ધનુષનું નામ પિનાક દર્શાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે શિવના ધનુષ પિનાકની ટંકાર માત્રથી જ વાદળ ફાટી જાય છે અને પર્વતના સ્થાન બદલાઇ જાય છે. તેને તમામ શાસ્ત્રોમાં શક્તિશાળી માનવામાં આવે છે. તેમાંથી નિકળતા એક તીરથી ત્રિપુરાસુરના ત્રણેય નગરોને ધ્વસ્ત કરવાનું વર્ણન પણ શાસ્ત્રોમાં મળી આવે છે.
જટાઓમાં ગંગાનું મહત્ત્વ
શિવજીનું એક નામ વ્યોમકેશ પણ છે, તેમની જટાઓને વાયુનું પ્રતીક પણ માનવામાં આવે છે. જેનાથી પવિત્ર નદી ગંગાની અવિરલ ધારા હંમેશા વહેતી રહે છે. આ કારણથી ભગવાન શિવને જળ ચઢાવવાની પરંપરા ચાલતી આવી છે. એવી પૌરાણિક કથા છે કે જ્યારે ગંગા સ્વર્ગલોકથી સૃષ્ટિમાં પ્રગટ થયા ત્યારે તેમનો પ્રવાહ તીવ્ર અને ઉગ્ર થવાને કારણે સંહારક હતો, જેને નિયંત્રિત કરવા માટે ભગવાન શિવે તેમને પોતાની જટાઓમાં ધારણ કરી લીધા હતા.