'ૐ' શબ્દનો યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરશો જાપ, તો થશે લાભ..!
- જાણો, હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવતા 'ૐ' શબ્દના મહત્ત્વ વિશે...
નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર
'ૐ' (OM) શબ્દને હિન્દૂ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે. હિન્દૂ ધર્મ અને શાસ્ત્રમાં કંઇ પણ 'ૐ' શબ્દ વગર અધૂરું માનવામાં આવે છે. કોઇ પણ દેવી અથવા દેવતાની પૂજા હોય, 'ૐ' શબ્દનું ઉચ્ચારણ સૌથી પહેલા કરવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં દરેક પવિત્ર મંત્રમાં ૐ શબ્દનો ઉપયોગ જરૂરી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ૐ શબ્દને ભગવાન શિવનો અતિ પ્રિય શબ્દ માનવામાં આવે છે. વિજ્ઞાને પણ આ શબ્દને મેડિકેટેડ સ્વીકાર્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઑમ શબ્દના ઉચ્ચારણ માત્રથી નિકળતી ધ્વનિ મનને શાંત કરે છે અને લોકોને કેટલાય રોગથી મુક્ત કરે છે. આ શબ્દમાં કેટલીય શક્તિ છે. જાણો, ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવાની યોગ્ય રીત કઇ છે અને આ શબ્દને કયા સમયે બોલવાથી તેની સૌથી સારી અસર પડે છે.
કેવી રીતે કરશો 'ૐ' શબ્દનું ઉચ્ચારણ?
સૌથી પહેલા જાણી લો કે 'ૐ' શબ્દ પોતે એક સંપૂર્ણ મંત્ર છે. આ મંત્ર નાનો અને સરળ લાગે છે પરંતુ એટલું જ અઘરું તેનું ઉચ્ચારણ કરવું છે. સામાન્ય રીતે લોકો ૐ શબ્દનું ખોટું ઉચ્ચારણ કરે છે. ઉલ્લેખનીય છે કે હિન્દૂ ધર્મમાં કોઇ પણ મંત્રનું ખોટું ઉચ્ચારણ કરવાથી તેની ખરાબ અસર પડે છે.
'ૐ' શબ્દ ત્રણ અક્ષરથી બનતો શબ્દ છે. આ અક્ષર છે અ, ઉ અને મ. જેમાં 'અ' અક્ષરનો અર્થ છે ઉત્પન્ન કરવું, 'ઉ' નો અર્થ છે ઉઠવું અને 'મ' અક્ષરનો અર્થ છે મૌન રહેવું. એટલે કે જ્યારે આ ત્રણેય અક્ષર મળે છે ત્યારે તેનો અર્થ થાય છે બ્રહ્મલીન થઇ જવું. એટલા માટે જ્યારે પણ તમે ૐ શબ્દનું ઉચ્ચારણ કરો ત્યારે આ ત્રણેય અક્ષરોને ધ્યાનમાં રાખીને કરો.
ૐ શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે એક વિશેષ ધ્વનિ ઉત્પન્ન થાય છે જેનાથી શરીરના અલગ-અલગ ભાગમાં કંપારી ઉદ્દભવે છે. જ્યારે તમે 'ઉ' બોલો છો ત્યારે તમારા શરીરના મધ્ય ભાગમાં કંપારી થાય છે. તેનાથી તમારી છાતી, ફેફસાં અને પેટ પર ઘણી સારી અસર પડે છે. જ્યારે તમે 'મ' બોલો છો ત્યારે તેની ધ્વનિથી મગજમાં કંપારી ઉદ્દભવે છે. તેનાથી મગજની તમામ નસ ખુલી જાય છે. શરીરના મહત્ત્વપૂર્ણ ઑર્ગન્સ આ બંને ભાગમાં જ હોય છે. 'ૐ' ના સ્વરથી જે કંપન થાય છે તે શરીરને અંદરથી શુદ્ધ કરે છે. આટલું જ નહીં આ તમારી સ્મરણ શક્તિ અને ધ્યાન કરવાની ક્ષમતાને સુધારે છે. 'ૐ' ના ઉચ્ચારણથી માનસિક શાંતિ મળે છે. માન્યતા છે કે આ શબ્દનો સ્વર એટલો પવિત્ર હોય છે કે જો તમે તણાવમાં હોવ તો તમારો તણાવ પણ તેનાથી દૂર થઇ જાય છે. આ શબ્દ વિચારવા સમજવાની પદ્ધતિને બદલી નાંખે છે અને નાની-નાની મુશ્કેલીઓમાંથી બહાર નિકળવાનો માર્ગ દર્શાવે છે.
'ૐ' શબ્દ બોલવાનો યોગ્ય સમય
દરેક વસ્તુ કરવા માટેનો એક યોગ્ય સમય હોય છે. કોઇ પણ મંત્રનું ઉચ્ચારણ કરવાનો પણ એક સમય હોય છે. જો તમે કોઇ પણ મંત્રને કોઇ પણ સમયે બોલવાનું શરૂ કરી દેશો તો કદાચ તેની સારી નહીં પરંતુ ખરાબ અસર પડી શકે છે. તેવી જ રીતે 'ૐ' મંત્ર બોલવાનો એક યોગ્ય સમય હોય છે. કહેવાય છે કે જો તમે 'ૐ' શબ્દનું ઉચ્ચારણ કરવા ઇચ્છો છો અને તેનો લાભ મેળવવા ઇચ્છો છો તો તમારે સવારે સૂર્યોદય થતાં પહેલાં કોઇ શાંત જગ્યા પર સુખાસન મુદ્રામાં બેસીને 'ૐ' શબ્દનું ઉચ્ચારણ કરવું જોઇએ. ધ્યાન રાખો કે જ્યારે તમે 'ૐ' શબ્દનું ઉચ્ચારણ કરો ત્યારે તેની સંખ્યા 108 હોવી જોઇએ.
જ્યારે તમે 'ૐ' શબ્દનું ઉચ્ચારણ કરો ત્યારે તમારે માત્ર આ શબ્દ પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ શબ્દ બોલતી વખતે તમારે અંદરથી તેને ફીલ કરવાનો છે.. આ શબ્દના ઉચ્ચારણના સમયે તમારે ધ્યાન કરવાની સાથે-સાથે આ શબ્દને જોવાનો પણ છે, પરંતુ મનની આંખોથી. તેના માટે તમારે આંખો બંધ કરીને 'ૐ' શબ્દનું ઉચ્ચારણ કરવું જોઇએ. તેનાથી તમે સંપૂર્ણ ધ્યાન કરીને અને મનથી આ મંત્રનો જાપ કરી શકશો.