રાશિ-ભવિષ્ય-2023 : રિલેક્સ... આ વર્ષે તમને પૈસેટકે કોઈ ટેન્શન નહીં રહે !
Capricorn (મકર)
૨૧ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી
મકર રાશિનો અધિપતિ મંદગતિનો અને મક્કમ નિર્ણયશક્તિનો છે. શનિના આ ગુણો મકર રાશિ - ચંદ્ર - સૂર્યમાં જન્મેલા જાતકોને લાગુ પડે છે. મધ્યમથી સારી ઊંચાઈવાળા, ગૌર વર્ણના, ગોળ ચહેરાવાળા, થોડી લાંબી ગરદનવાળા અને સુડોળ બાંધો મકર રાશિમાં જન્મેલાનો હોય છે. આ વ્યક્તિઓ ખંતિલા અને ખૂબ જ મહેનતુ પ્રકૃતિના હોય છે. મકર રાશિના જાતકો આદર્શવાદી હોય છે. અંતરંગ મિત્રો સાથે હૃદયથી ખૂલીને વાત કરે બાકી તેઓ રહસ્યમય અને અકળ હોય છે. દ્રઢ મનોબળવાળા અને મક્કમ ગતિથી પ્રગતિ કરે છે. પોતાના કામકાજમાં વધુ ધ્યાન આપે. પોતે નિર્ધારિત કરેલ ધ્યેય અને લક્ષ્યાંક સાથે કાર્ય કરે છે. સારી એકાગ્રશક્તિ ધરાવતા તેઓ જીવનમાં સફળ બને છે.
શરીર, મન અને સ્વાસ્થ્ય
ગોચર કુંડળીમાં રાશિપતિ શનિ સ્વરાશિનો પ્રબળ બની દેહભુવને છે. જેથી આરોગ્ય અને તંદુરસ્તી સારી જળવાય. એપ્રિલ મહિનામાં ગુરૂ-રાહુનો ચાંડાલ યોગ સુખ ધ્યાને બને છે. જેથી વર્ષ દરમ્યાન માનસિક તનાવ રહ્યા કરે. સુખવૃદ્ધિમાં પીછે હઠ થતી જણાય. ચોથું સ્થાન પાપગ્રસ્ત બનતું હોવાથી નબળા હૃદયના લોકોએ આરોગ્યની વધારે તકેદારી રાખવી પડશે. મકર રાશિના જાતકો નિયમિતતાના આગ્રહી હોય છે. માતા-પિતાના આરોગ્યને લઈ ચિંતા અને થોડી દોડધામ રહેશે.
મારું ઘર, મારો પરિવાર
સામાન્ય રીતે મકરના જાતકો બહોળો પરિવાર ધરાવે છે. શ્વસુર પક્ષથી સાવધાની રાખવી પડશે. પત્નીના સગાંવહાલાં તરફથી કોઈ સમસ્યા ઉદ્ભવે અને જવાબદારી ઊભી થાય. પરિવારમાં કોઈ પક્ષને લીધે તનાવ પેદા થાય. બાકી કૌટુમ્બિક જીવન સ્થિર રહેશે. વયસ્ક માતા-પિતાના સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવી પડશે. ભાતૃવર્ગ અને ખાસ કરીને ભાઈ-બહેન તરફથી સારો સહયોગ અને મદદ મળે. સંતાનોની પ્રગતિ સારી થાય. નાનાં ભાઈ-બહેન અને સંતાનો માટે વધુ કાળજી લેવી પડશે.
સ્નેહ, શાદી અને સંતતિ
પ્રેમસંબંધથી લગ્નગ્રંથીમાં જોડાવા માંગતા યુવાનો માટે એપ્રિલ-મે મહિનાનો સમય શ્રેષ્ઠ ગણાય. સામાન્ય રીતે મકર રાશિના જાતકો માટે પ્રેમ લગ્ન કરવા ઇચ્છનીય ગણાતા નથી. પરંતુ તેના બદલે જેની સાથે લગ્ન થાય તેની સાથેના લગ્નજીવનમાં પ્રેમ અને રોમાન્સ વધે તેવું વાતાવરણ અવશ્ય નિર્માણ કરી શકાશે. સંતાનના જન્મને લઈ માતાને થોડું કષ્ટ સહન કરવું પડે. યુવાનીના ઉંબરે ઊભેલા સંતાનો પોતાના કહ્યામાં ન રહે અને સાચી દલીલો કરવા પ્રયત્ન કરે તેવી ઘટનાઓથી સાવચેતી રાખવી. સંતાન સાથે સમયસૂચકતાથી કામ લેવું. લગ્ન મુહૂર્ત માટે નવેમ્બર-ડિસેમ્બરનો સમય પસંદ કરવો અનુકૂળ ગણાશે. દામ્પત્યજીવન કોઈ વધારાના સુખ-ઉપભોક્તા કે અણબનાવ વિનાનું સ્થિર રહેશે. પરસ્પરના આદર અને પ્રેમપૂર્વકના સમજદારીભર્યા વ્યવહારથી શાંતિ સ્થપાશે.
ભણતર અને ગણતર
વિદ્યાર્થીઓ માટે ૨૦૨૩નું વર્ષ સમતોલ રહેશે. પાંચમાં સ્થાનમાં રહેલો મંગળ વિદ્યાભ્યાસમાં બરાબર મન પરોવાય નહીં, કોઈ રૂકાવટ ઊભી કરતો જણાય, અપેક્ષા મુજબનું પરિણામ મળી શકે નહીં તેનાથી માનસિક અસંતોષ વર્તાય. વર્ષના મધ્યભાગ પછી એકાગ્રતા સાધી શકાશે. વડીલોનું અને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને અનુકૂળ વાતાવરણ મળશે. શનિ મકરમાંથી કુંભ રાશિમાં જતો હોવાથી હોમગાર્ડ, કે પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ ઇન્સ્પેક્ટર અને સંરક્ષણ ક્ષેત્રે સૈનિકોની ભરતી મોટા પ્રમાણમાં થશે. જેનો મહત્તમ લાભ મકરના જાતકો ઊઠાવી શકશે.
જોબ, બિઝનેસ અને કરીઅર
સારી કારકીર્દી માટે મકરના જાતકોને દસમે રહેલો કેતુ કસોટી કરાવશે. નોકરી-વ્યવસાયમાં સ્થિરતા માટે અથાગ પ્રયત્નો કરવા પડે. જેઓ આ વર્ષ દરમ્યાન નિવૃત્ત થવાના છે તેમના માટે નિવૃત્ત જીવન થોડું આકરૃં લાગશે. રોજગારીની તકો મળતી હોવા છતાં તેમાં કંઈક અસંતોષ રહ્યા કરે. સપ્ટેમ્બર-મહિના પછી મનપસંદ તકો સારી આવી મળશે. શેરબજારમાં રોજીંદી વધઘટ થયા કરે જેથી તેનો લાભ મેળવી શકાશે. નિકાસ કરતા એકમના માલિકો માટે આ વર્ષ સુખદ નીવડશે. નોકરીમાં બઢતીની તકોની પ્રતિક્ષા કરનારા માટે નવેમ્બર-ડિસેમ્બર ફાયદો કરાવે. કામદારોનું વધુ શોષણ થતું જણાય અને કાર્યભાર વધશે.
પૈસા યે પૈસા
ફેબુ્રઆરીથી અર્થતંત્રમાં સુધારો નોંધાતાં આ રાશિના જાતકોની આર્થિક કટોકટીમાં ખાસ્સી રાહત મળશે. તેનાથી વધારે આર્થિક સાહસ અને ધંધામાં મૂડી રોકાણ કરવાનો આત્મવિશ્વાસ વધશે. નાણાંકીય સ્થિતિ મજબૂત બને પરંતુ સારી સુખ સગવડો અને આજીવિકામાં વધારો પ્રાપ્ત કરવા માટે દોડધામ કરવી પડશે. એક જગ્યાએ સ્થિર થવા માટે સંઘર્ષ કરવો પડે. આર્થિક રીતે સંપન્ન માણસો પોતાની રહેણી-કરણી અને એંશ આરામ પાછળ વધારે ખર્ચ કરી શકશે. વિદેશમાં જતા માણસો માટે બે નંબરના પૈસા ખર્ચવા સલાહભર્યું નથી. સંતાનોની વિદેશમાં અભ્યાસ કરવાની તાલાવેલીના લીધે મધ્યમવર્ગને વધારાનો આર્થિક બોજો સહન કરવો અસહ્ય લાગે.
સ્થાવર-જંગમ સંપત્તિ અને વાહનસુખ
ફેબુ્રઆરી મહિના પછી પ્રોપર્ટી ખરીદ-વેચાણ કરનારાઓને ફાયદો થશે. નવી મિલ્કતો ખરીદવા અથવા નવું મકાન બનાવવાનું આયોજન કરવાનું શક્ય બનશે. સાતમું સ્થાન ગુરૂની ઉચ્ચ દ્રષ્ટિથી પ્રભાવિત થતું હોઈ વ્યાપારી વર્ગ માટે પ્રોત્સાહનરૂપ બને અને ધંધાકીય વ્યવસ્થાને લઈને નવી જગ્યાઓ ખરીદી શકાય. શ્વસુર પક્ષથી સ્થિર સંપત્તિ અથવા વાહન-ઝવેરાત સંબંધી ફાયદો થાય. વિદેશ વ્યાપારના સંજોગો ઉજળા બનતાં ટ્રાન્સપોર્ટેશન માટે વાહનો ખરીદાશે. ભૂતકાળમાં કરેલા શેરબજારના લાંબા ગાળાના રોકાણનો લાભ આ વર્ષે મળતો જણાય. નવી આવનારી તક ઝડપી લેવી જોઈએ. નોકરિયાત વર્ગ માટે દોડધામ વધતી જણાતાં વાહન ખરીદ-વેચાણ કરી શકશે. આવકના સ્ત્રોત વધતાં સ્થિર સંપત્તિમાં રોકાણ કરી સુખમય અનુભવ કરવા સમર્થ બનશે.
નારી તું નારાયણી
મનવાંછીત પાત્ર સાથે સુમેળ સાધવામાં સ્ત્રીઓને સફળતા મળે. વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાના અને વધુ અભ્યાસ કરવાના સંજોગો ઉજ્જવળ બને. વિવાહયોગ્ય છોકરીઓ માટે સાંસારિક જીવનમાં મંડાણ થાય. દામ્પત્ય સુખમાં ગંભીરતા સાથે સુયોગ સર્જાય. વૃદ્ધ માતા-પિતાની વધુ કાળજી રાખવી. ગર્ભધારણ કરેલી મહિલાઓએ વધુ સંભાળ રાખવી પડે. નોકરીમાં પરિવર્તન થવાના પ્રસંગ બને. પ્રવાસ વધુ થાય. વર્ષના ઉત્તરાર્ધમાં આર્થિક સંજોગોમાં સુધારો થાય. નોકરીમાં પ્રમોશનની તક સર્જાય. જીવનમાં સર્જાતા અવરોધો દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પીપળાના વૃક્ષનું પૂજન-પ્રદક્ષિણા કરવી. કાળા અડદનું દાન કરવું. નીલા-ભૂરા અને શ્વેત વસ્ત્રો પહેરવાથી આનંદ આવશે.
વિશેષ ઉપાય
આપનો અન્ય સાથેનો વ્યવહાર વિવેકપૂર્ણ હોય છે. અસામાન્ય સંજોગો સિવાય આપ ક્રોધિત થતા નથી કે અણગમો ઝટ વ્યક્ત કરતા નથી. અસફળતા અને સંઘર્ષભરી સ્થિતિમાં પણ વિચલિત નહીં થવાનો સદ્ગુણ એ આપની વિશેષતા છે. શારીરિક તકલીફોમાં રાહત મેળવવા શનિના મંત્રજાપ કારગત રહેશે. શનિદેવને કે હનુમાનજીને ૧૨ શનિવારે આકડાના ફૂલની માળા અર્પણ કરવી. કાળા તેલ મિશ્રિત તેલ ચઢાવવું. દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી પારિવારિક સુખ શાંતિ જળવાશે. ગરીબો-મહેનત કરતા મજુરોને અન્ન અને વસ્ત્રદાન કરવું. ભૂમિગત જીવોને ચણ નાંખવું.
- પ્રસ્તુકર્તા : જયેશ રાવલ (જ્યોતિષવિદ્) ઇન્દ્રમંત્રી
ટેરો કાર્ડ્સ શું કહે છે?
The Devil : રાશિ ચક્રની આ શનિ રાશિ જેનો ધ ડેવિલ ટેરટ કાર્ડ સાથે સંબંધ છે. આળસવૃત્તિથી દૂર રહેલી વ્યક્તિઓ માટે લાભદાયક ફળ જીવનમાં પ્રાપ્ત થવાનું સૂચવે છે. જ્યારે આળસપ્રધાન વ્યક્તિઓના જીવનમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળવા ઉપરાંત ડગલેને પગલે નાની મોટી કસોટી થાય.
આરોગ્ય : આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૨ નું સારું રહેશે. બિમાર વ્યક્તિઓ રાહત અનુભવી શકશે. કોઈ નવી તકલીફ નહિ આવે. શ્વાસની તકલીફ હોય તેઓએ થોડી વધુ કાળજી રાખવાની જરૂર રહેશે. જૂલાઈ થી ઓકટોબર માસ દરમ્યાન ઋતુ પરિવર્તનની અસર ઉંમરલાયક વ્યક્તિઓને થશે.
નામાંકીય : નાણાંકીય દ્રષ્ટિએ વર્ષ ખૂબ જ સારું અને આવકમાં વધારો થવાનું સૂચવી જાય છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન આવેલી તકલીફો દૂર થશે અને કોઈ મુશ્કેલીમાં થઈ પસાર થઈ રહ્યા હશો તેનો યોગ્ય ઉકેલ મળશે. નવું મકાન-ફ્લેટ ખરીદવા નાણાંકીય રોકાણ થશે. સુખ સગવડતાઓ વધશે.
નોકરી-વ્યવસાય : નોકરી વ્યવસાયમાં નવું પરિવર્તન આવશે. જે લાભદાયક નીવડશે. છેલ્લા વર્ષ દરમ્યાન કોઈ ધંધાકીય સાહસ કર્યું હશે તેઓ પ્રગતિ જોઈ શકશે. દૂરનાં રાજ્યો સાથે વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓને વધુ સારો લાભ મળશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ મનગમતી ટ્રાન્સફર મેળવી શકશે. સ્થાન પરિવર્તનનો યોગ ઉદભવશે. જે ફાયદાકારક બનશે. ખાતાકીય પરીક્ષા આપી રહેલી વ્યક્તિઓ ઉત્તીર્ણ થઈ પ્રમોશન મેળવશે.
વિદ્યાભ્યાસ : વિદ્યાર્થીઓને માટે સંતોષકારક વર્ષ રહેશે. પોતાના અભ્યાસમાં એકાગ્રતા દ્વારા ધાર્યું પરિણામ મેળવશે. સંશોધન કરી રહેલી વ્યક્તિઓ તેમના નક્કી કરેલા વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ થકી સારું પરિણામ મેળવશે.
પ્રણય સંબંધ : તમારી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. કોઈ કારણસર મતભેદ ઉદભવ્યા હોય તો તે દૂર થશે. અભ્યાસ પૂર્ણ કરી રહેલી વ્યક્તિઓ મનગમતી વ્યક્તિ સાથે વિવાહ-લગ્ન અંગે નિર્ણય લઈ શકશે.
સંક્ષેપમાં : સંક્ષેપમાં ૨૦૨૩ નું વર્ષ નાણાંકીય દ્રષ્ટિએ સંતોષકારક વીતશે. પોતાના કાર્યક્ષેત્રે નવા ફેરફારો આવશે. સ્થાન પરિવર્તન કરી રહેલી વ્યક્તિઓ માટે નવી જગ્યા લાભદાયક પુરવાર થશે. અભ્યાસમાં સારી સફળતા મળશે.