રાશિ-ભવિષ્ય-2023 : આ વર્ષે તમારી લોકપ્રિયતા અને સામાજિક મોભો બન્ને વધશે
Aries (મેષ)
(૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)
આ સૂર્ય રાશિ ધરાવતા લોકો સામાન્યપણે દુબળા, પાતળા અને મધ્યમ ઊંચાઈવાળા હોય છે. તેમનો રંગ ઘઉંવર્ણો હોય, શરીરનો બાંધો મજબૂત હોય. આ રાશિના લોકો ઉર્જાવાન અને ઉત્સાહી હોય છે. તેમને અગ્રેસર રહેવું ગમે છે. તેમને હારવું પસંદ નથી. હારને તેઓ આસાનીથી સ્વીકારી શકતા નથી. તેઓ 'બોર્ન લીડર' છે. લોકોનું નેતૃત્વ તેઓ સહજતાપૂર્વક કરી શકે છે. આ ફાયર સાઇન છે. તેથી તેમનો સ્વભાવ ભડકીલો હોય છે. સામાન્યપણે તેઓ બહિર્મુખ વ્યક્તિત્ત્વ ધરાવતા હોય છે. વ્યક્તિ શરમાળ સ્વભાવની હોય તો પણ ભીતરથી તે આગના ગોળા જેવી હોવાની. એરીઝ રાશિવાળી વ્યક્તિઓ અંદરથી બાળક જેવા હોય છે.
શરીર, મન અને સ્વાસ્થ્ય
સૂર્યની Aries રાશિમાં જન્મેલા જાતકો માટે સને ૨૦૨૩નું વર્ષ માનસિક વિટંબણાઓ સર્જનારું રહે. વિચારોના અનેક દ્વંદ્વો વચ્ચેથી પસાર થવું પડે. તમામ મહત્વના નિર્ણયો ધીરજ અને પુરેપુરા મનોમંથન પછી જ લેવાનું સુચન છે. સૂર્ય-ચંદ્રનો ત્રિકોણ સ્થાપનનો સંયોગ મનોબળને ટકાવી રાખે. વર્ષ ૨૦૨૩નો ઉત્તરાર્ધ આપના આરોગ્ય માટે સુખદ ગણાય. યુવાનોએ આંધળુકિયા પગલાં ભરવાથી દૂર રહેવું, નહીંતર લાંબા સમય સુધી પસ્તાવાનો વારો આવે. આપના સકારાત્મક વિચારો અને યોગ-વ્યાયામ-પ્રાણાયામ - ધ્યાન આપનું માનસિક મનોબળ મજબૂત બનાવે અને સામાન્ય બિમારીઓથી બચાવે. વર્ષની શરૂઆતમાં ભાગ્યેશ ગુરુ બારમા સ્થાને હોઈ પોતાની કારકિર્દીને લઈ વિદેશ પ્રવાસ કરાવે તેવા યોગ છે. વર્ષ દરમ્યાન લોકપ્રિયતા વધ.ે સામાજિક દ્રષ્ટિએ માન-સન્માન મળે. પોતાના કાર્યમાંથી વિચલિત થયા વિના તેમાં વળગી રહેવાથી ફાયદો થાય. રાજકીય કાર્યકરો માટે સફળતા આપનારું વર્ષ છે.
મારું ઘર, મારો પરિવાર
ચંદ્ર-રાહુ અને કેતુનું ગોચર ભ્રમણ પ્રથમ તેમજ સાતમા સ્થાન પરથી થાય છે. બીજા સ્થાને મંગળ પોતાની વક્રી અવસ્થામાં છે. જેથી પારિવારિક જીવનમાં કંઈક પરેશાની અને તકલીફ વર્તાય. એપ્રિલથી ઓગસ્ટ દરમ્યાન કુટુંબ અને પરિવારથી સુખાકારી બની રહે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન પિતાના આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા સર્જાય. પોતાની સતત વ્યસ્તતાના કારણે પરિવાર માટે પુરતો સમય ફાળવી શકાય નહીં.
સ્નેહ, શાદી અને સંતતિ
વર્ષની શરૂઆતમાં જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. દામ્પત્ય જીવનમાં કોઈ ગેરસમજ ઊભી થાય. જેના પરિણામે બંને વચ્ચે વિખવાદ સર્જાય પરંતુ એપ્રીલ મહિના પછી મનમેળ સારો બની રહે. સંતાન સુંખ માટે આ વર્ષ સારું રહે. એપ્રીલ મહિનાથી સંતાનોના અભ્યાસ અને કારકીર્દીને લઈ કોઈ સફળતા મળતી લાગે. અવિવાહિતો માટે મે મહિના પછી લગ્નની તકો ઊભી થવાના યોગ છે. પ્રેમ સંબંધમાં સફળ થવાના સંજોગો નહીંવત છે. જેથી આ રાશિવાળાએ કોઈ લફડાબાજીમાં પડવું નહીં, ફસાઈ જવાના ચાન્સીસ વધી જાય. લીવ ઈન રીલેશનશીપમાં રહેતા યુગલો માટે આ વર્ષ સંવેદનશીલ છે, આ વર્ષે નવા રીલેશનશીપ માટે આગળ વધવું નહીં. નિઃસંતાન દંપતિ માટે મે ૨૦૨૩ થી સંતાન પ્રાપ્તિના સુંદર યોગ બને છે.
ભણતર અને ગણતર
વિદ્યાભ્યાસ કરતા યુવાનો અને બાળકો માટે આ વર્ષ મિશ્ર ફળ આપનારું ગણાય. વર્ષની શરૂઆતમાં મનની એકાગ્રતા કેળવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે. પરંતુ ગુરૂના મેષ રાશિ પરના ભ્રમણ પછી મે મહિનાથી ધારેલી સફળતા મળશે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સારા ગુણથી પાસ થાય તેવા યોગ છે. જે બાળકો પહેલી જ વાર સ્કૂલમાં જવા તૈયાર થતા હોય તેમના માટે ઉત્સાહ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને ધારેલી જ્ગાએ એડમીશન મળે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહેનત કરવાની સલાહ છે. નવી કારકિર્દી-કેરીઅર બનાવવા માટે સપ્ટેમ્બર ૨૦૨૩ પછીનો સમય ખૂબ જ સારો ગણાય. રસાયણશાસ્ત્ર, મેડિકલ સાયન્સ અને કમ્પ્યુટર સાયન્સના અભ્યાસમાં કે ક્ષેત્રમાં સારી પ્રગતિ થાય.
જોબ, બિઝનેસ અને કરીઅર
આમદનીના ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર સુધારો થાય તેવી શક્યતાઓ નહીંવત છે. પરંતુ ધંધા-વ્યવસાય ક્ષેત્રમાં અવશ્ય સફળતા મળશે. કોઈ રોજગારીની નવી તકો સર્જાય. પરંતુ નાણાંકીય વ્યવહારોમાં ખૂબ જ કાળજી રાખવી પડે. પોતાના હાથ નીચે કામકરતા કર્મચારીઓની કાર્યશક્તિમાં વધારો થાય તેવાં પગલાં લઈ શકશો. કર્મચારી તરીકે કાર્યરત વ્યક્તિઓ પોતાના કાર્યમાં સુધારો કરી શકશે. મેનેજમેન્ટ તરફથી આ માટે પુરતું પ્રોત્સાહન મળી રહેશે.
પૈસા યે પૈસા
ધન સ્થાને મંગળ વક્રિ થયેલો છે. જેથી આર્થિક દ્રષ્ટિએ સંઘર્ષ કરવો પડે. મે ૨૦૨૩ થી કરેલી મહેનતનું પરિણામ દેખાશે. વ્યવસાયિક દ્રષ્ટિએ આ વર્ષ સ્થિર રહે. કોઈ નવો પ્રયાસ કરતાં પહેલાં વિચારવું જોઈએ ધંધામાં કોઈ કાયદાકીય પ્રશ્નમાં અટવાયેલા હોય તો તેનું નિરાકરણ મળી આવે. વ્યવસાયિક રીતે ભાગીદારી કરતાં પહેલાં વિચારવું પડે, અન્યથા આર્થિક રીતે નુકશાન જવાની શક્યતાઓ વધી જાય.
સ્થાવર-જંગમ સંપત્તિ અને વાહનસુખ
નવા ક્ષેત્રમાં પુરતા નાણાંકીય સ્ત્રોતનો વિચાર કર્યા પછી જ મુડી રોકાણ કરવાથી લાભ થાય. પોતાની પાસે જે કંઈ સ્થાવર સંપત્તિ હોય તેને સાચવી રાખવી. કોઈ મહત્વના નિર્ણયો લેવા સલાહ ભર્યું નથી. રહેણાંકના મકાન અને મોજશોખ માટે નવું વાહન ખરીદવાનું ટાળી શકાય તો સારું છે. ખાસ કરીને પોતાના ગજા બહારનું રોકાણ ન કરવું. આ વર્ષે સટ્ટાબાજીથી દૂર જ રહેજો. વડીલોપાર્જિત મિલકતની વહેંચણીના મામલામાં જો વિખવાદ જેવી સ્થિતિ સર્જાય તો તમારે સમાધાનકારી વલણ રાખવું. અન્યથા પરિવારમાં તિરાડ પડી શકે છે. આ વર્ષે કોર્ટ-કચેરીના ધક્કા ખાવાનો વારો આવી શકે. મિલકતની લે-વેચ કરતા દલાલો માટે આ વર્ષ સામાન્ય રહેશે. ભવિષ્યમાં નફો રળી લેવાના ઇરાદા સાથે રોકાણ કરનારાએ એક નાણાકીય મર્યાદા બાંધ્યા પછી જ જોખમ ઉઠાવવું.
નારી તું નારાયણી
વર્ષ દરમિયાન સાતમા દામ્પત્યજીવનના સ્થાને કેતુનો પ્રભાવ હોવાથી અવિવાહિત દીકરીઓનાં લગ્નનો પ્રશ્ન ઉકેલાઈ જશે. બારમા સ્થાને ગુરુ સ્થિત હોવાથી વિદેશ જવાનો કોયડો સરળ બને. સંતાનસુખ પ્રાપ્ત થાય. રાહુ-કેતુને કારણે મન વિચલિત અને અશાંત ન બને તે માટે સતત સતર્ક રહેવંુ. દાંપત્યજીવન સુમધુર હોવા છતાં મુશ્કેલીઓ અને જવાબદારીઓ આવી પડે. સંયમ અને વિવેકથી કામ લેવું. પ્રેમસંબંધમાં વિશ્વાસઘાત અને દગાખોરી ન થાય તે માટે જાગૃત રહેવું. વાણી અને વ્યવહારમાં ઉશ્કેરાટ ન આવે તે જોજો. નોકરી કરતી સ્ત્રીઓ માટે પ્રગતિ અને પ્રમોશનના યોગ ઊભા થાય. સિંહ, વૃશ્ચિક અને ધન રાશિની વ્યક્તિઓ સાથે તમારી સારી લેણદેણ રહેશે.
વિશેષ ઉપાય
આપના માટે કોઈ પણ અવયોગને યોગકારક બનાવવા માટે દરરોજ હનુમાન ચાલીસા કે બજરંગબાણના નિત્ય પાઠ કરવા જોઈએ. દર મંગળવારે લાલ-સિંદુરીયા રંગના ગણપતિની લાલ રંગનાં ફૂલોથી પૂજા કરવી. ખીલે બાંધેલી ગાયને ઘાસ નાખવું. જૂન મહિના પછીના બીજા તબક્કામાં સફળતા મળે. કર્ક એ વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં સતર્કતા રાખવી.
ટેરો કાર્ડ્સ શું કહે છે?
The Emperor : રાશિચક્રની મેષ રાશિ મંડળની છે, જે ધ એમ્પરર કાર્ડ સાથે સંબંધિત છે.
આરોગ્ય : સામાન્ય રીતે આરોગ્ય સુખાકારી વર્ષ દરમ્યાન સારી નબળાઈ રહેશે. ઓકટોબર માસમાં સામાન્ય પ્રતિકૂળતા ઉદભવી શકે. બિમાર વ્યક્તિઓએ આ માસ દરમ્યાન સાવચેતી રાખવી.
નાણાકીય : નાણાકીય દ્રષ્ટિએ મિશ્ર ફળદાયક વર્ષ રહેશે. મેથી ઓકટોબર દરમ્યાન આકસ્મિક ખર્ચાઓના યોગ આવશે. આ માસ દરમ્યાન નાણાંકીય બાબતોનું કાળજીપૂર્વક આયોજન કરવું. શેર સટ્ટા લોટરી જેવી બાબતોથી દૂર રહેવું હિતાવહ જણાવી શકાય.
નોકરી-વ્યવસાય : નોકરી વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે અને ધંધાકીય બાબતોમાં આવેલી મુશ્કેલી દૂર થશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓને બઢતી મળશે. બે રોજગાર વ્યક્તિઓ માટે નોકરીની ઉજળી તક ઉદ્ભવશે.
વિદ્યાભ્યાસ : વિદ્યાર્થીઓ માટે લાભદાયક વર્ષ રહેશે. વિદેશ અભ્યાસ માટે જવા ઈચ્છતી વ્યક્તિઓને માટે સરળતા રહેશે અને મનપસંદ અભ્યાસ માટેની યુનિવર્સિટીમાં એડમિશન મળશે.
પ્રણય સંબંધ : તમારી મનગમતી વ્યક્તિઓ સાથેના સંબંધોમાં અવિવાહિત વ્યક્તિઓને વિવાહ-લગ્નની તક મળશે. પરીણિત વ્યક્તિઓનું દાંપત્યજીવન સુખી રહેશે.
સંક્ષેપમાં : ધ એમ્પેરરનું કાર્ડ ૨૦૨૩ દરમ્યાન તમારી આકાંક્ષાઓની પૂર્તિ માટે લાભદાયક પુરવાર થશે. વર્તમાન જીવન શૈલીમાં નવાં ફેરફારો આવશે. નાણાંકીય બાબતોમાં સાવધાનીપૂર્વકના નિર્ણયો લાભકર્તા નીવડશે.