Shravan Special: 12 જ્યોતિર્લિંગમાં મોક્ષ નગરી તરીકે વિશ્વવિખ્યાત છે 'કાશી', વિશ્વનાથ મહાદેવ કેવી રીતે પ્રગટ થયા, જાણો સમગ્ર કથા
શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ૧૧મી પેઢીના વંશજ રાજા કાશના નામ પરથી ‘કાશી’ નામ આવ્યું છે
કાશી વિશ્વનાથમાં મહાદેવ વિશ્વેશ્વર સ્વરૂપે બિરાજેલા છે
રામાયણના સર્જક ગોસ્વામી તુલસીદાસ, સંત કબીર, જૈનોના સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથની પવિત્ર જન્મભૂમિ એટલે ગંગા નદીના પશ્ચિમ કાંઠા પર આવેલી કાશીની ભૂમિ. આ ભૂમિ પર 5,000 થી પણ વધુ મંદિરો આવેલા છે અને કદાચ એટલે જ તે સ્વૈચ્છિક રીતે જ ભારતની ધાર્મિક રાજધાની તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર પૃથ્વીના નિર્માણ સમયે સૂર્યનું પહેલું કિરણ કાશી પર પડ્યું હતું. જ્ઞાન અને અધ્યાત્મનું કેન્દ્ર માનવામાં આવતા સ્થળે જ ભાવિકોને થતા હોય દર્શન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના. કાશી વિશ્વનાથમાં મહાદેવ વિશ્વેશ્વર સ્વરૂપે બિરાજેલા છે. કહેવાય છે કે કાશી નગરી મહાદેવને અતિપ્રિય છે અને પ્રલયકાળ પછી પણ કાશીનું અસ્તિત્વ રહેશે જ.
સ્કંદપુરાણના 18માં અધ્યાય અનુસાર
શંકર અને પાર્વતીએ એક ક્ષેત્રમાં તેમનું સ્વરૂપ પ્રકટાવ્યું હતું તે ક્ષેત્ર એટલે કાશીક્ષેત્ર. તે બંને પરમાનંદ સ્વરૂપથી તે મનોભાવન ક્ષેત્રમાં રમણ કરવા લાગ્યાં. તે ક્ષેત્ર પાંચ કોસનું છે. પ્રલયકાળમાં પણ શિવપાર્વતીએ તે ક્ષેત્ર છોડ્યું નહોતું. તેથી જ તેને અવિમુક્ષેત્ર કહેવાય છે. જ્યારે આ ભૂમંડળ નથી રહેતું, તેમજ જળની સત્તા પણ નથી રહેતી ત્યારે ત્યારે વિહાર કરવા માટે શિવજીએ આ કાશીક્ષેત્ર બનાવ્યું છે. આ રહસ્ય કોઈ જાણતું નથી. આ ક્ષેત્ર શિવજીના આનંદ માટે છે. તેથી પહેલાં તેનું નામ આનંદવન રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી શિવજીએ જગદંબાની સાથે પોતાના ડાબા અંગમાં અમૃતવર્ષા કરનારી નજર નાંખી. તે સમયે તેમાંથી એક સુંદર પુરુષ પ્રકટ થયો. તે પુરુષ પરમ શાન્ત, સત્ત્વગુણથી પરિપૂર્ણ, સાગરસમ ગંભીર અને ક્ષમાવાન હતો, તેનાં નેત્ર વિકસિત કમળ સમ હતાં. તેણે બે સોનેરી પીતાંબરોથી પોતાના શરીરને ઢાંક્યું હતું. તેની નાભિમાંથી ઉત્તમ સુગંધ ફેલાઈ રહી હતી. તે પુરુષ સર્વ ગુણોનો આશ્રય અને સર્વકલાનો નિધિ હતો. તે સર્વ પુરુષોમાં ઉત્તમ હતો. તેથી તે પુરુષોત્તમ કહેવાયો. મહાદેવજીએ તે પુરુષોત્તમને જોઈને કહ્યું : “હું અચ્યુત ! તમે મહાવિષ્ણુ છો. તમારા શ્વાસમાંથી વેદ પ્રકટ થશે અને તેમાંથી તમે સર્વ કાંઈ જાણશો. તેમને આવું કહીને ઉમા અને શિવજી આનંદવનમાં પ્રવેશ્યાં. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ ક્ષણભર ધ્યાન ધરીને તપસ્યાનો પ્રારંભ કર્યો. તેમણે પોતાના ' ચક્રથી એક સુંદર જળાશય ખોદ્યું અને તેને પોતાના પસીનાથી ભરી દીધું. તેને કિનારે ધોર તપસ્યા કરવા માંડી. ત્યારે શિવજી ઉમા સાથે પ્રકટ થયા અને બોલ્યા : ‘હે મહાવિષ્ણો ! તમે કોઈ વરદાન માંગો.’ શ્રી વિષ્ણુ બોલ્યા : ‘હૈ મહેશ્વર ! જો આપ પ્રસન્ન હો તો હું સદાય ભવાની સહિત આપનાં દર્શન કરવા ઈચ્છુ છું.’’ ભગવાન શિવ બોલ્યા : “હે જનાર્દન! આ સ્થાન પર મારી મણિજડિત કર્ણિકા પડી ગઈ છે તેથી આ તીર્થનું નામ મણિકર્ણિકા થાઓ. અને તમારી ઇચ્છા પ્રમાણે મારાં ભવાની સહિતનાં દર્શન થશે.” શ્રીવિષ્ણુએ કહ્યું : ‘હે પ્રભો ! આ તીર્થ મુક્તિનું પ્રધાન ક્ષેત્ર થાય. અહીં શિવસ્વરૂપ જ્યોતિ પ્રકાશિત થાય છે. એટલે આનું બીજું નામ કાશી થાય. કાશીનું સ્મરણ કરનાર લોકોનાં પાપનો ક્ષય પણ થઈ જાય.’ - શ્રી મહાદેવજી બોલ્યા : “હે મહાબાહુ! તમે વિવિધ પ્રકારની સૃષ્ટિઓ રચો. જે મનુષ્ય પાપમાર્ગે ચાલે છે તેના સંહારનું કારણ તમે બનો. આ ક્ષેત્રમાં તમારી ઈચ્છા પ્રમાણે હું વિશ્વનાથ સ્વરૂપે નિવાસ કરીશ, આ સ્થળ મારું પ્રિય છે. કાશીથી સો યોજન દૂર રહેનાર પણ કાશીનું સ્મરણ કરશે તો તે પાપોથી દુઃખી નહિ થાય અને અહીં મૃત્યુ પામનારને જરૂરથી મોક્ષ પણ મળશે.”
વિશ્વનાથ જ્યોતીર્લીનરૂપે કાશીમાં તે પ્રિયસ્થળ હોવાને લીધે તથા ભગવાન વિષ્ણુની પ્રાર્થનાને લીધે વસ્યા
આમ આ સ્કંદ પુરાણના આધાર પરથી એમ કહી શકાય કે ભોળા શંભુ વિશ્વનાથ જ્યોતીર્લીનરૂપે કાશીમાં તે પ્રિયસ્થળ હોવાને લીધે તથા ભગવાન વિષ્ણુની પ્રાર્થનાને લીધે વસ્યા. એક પૌરાણિક કથા પ્રમાણે હિમાલયમાં વસવાટ કરતા શિવજીનાં ધ્યાન કે સમાધિમાં કોઈ વિધ્ન ન આવે તે માટે પાર્વતીજીએ પોતાના પતિ શિવજીને બીજું સ્થાન શોધવાની પ્રાર્થના કરી અને શિવજીએ રાજા દિવોદાસની કાશીનગરી પસંદ કરી ત્યારે નિકુંભ નામના શિવગણે શિવજીના શાંત અને એકાંત નિવાસ માટે તે નગરીને મનુષ્ય વગરની બનાવી દીધી. શિવજી અને પાર્વતીજી આ સ્થળે નિવાસ કરવા લાગ્યાં. કાશીમાં થયેલા સંહારથી દુઃખી થયેલા રાજા દિવોદાસે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને પોતાનું દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી. બ્રહ્માજીએ આથી શિવજીને રીઝવ્યા અને પરિણામે શિવજી મંદરાચલ નામના સ્થળે ચાલ્યા ગયા. પણ શિવજીનું કાશી પ્રત્યેનું આકર્ષણ અકબંધ હતું. શિવજીનો કાશી પ્રત્યેનો સ્નેહ જોઈને ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને સમજાવ્યા. રાજા દિવોદાસ ભગવાન વિષ્ણુ થકી જ્ઞાન મેળવી તપોવનમાં જવા પ્રવૃત્ત થયા. ત્યાર બાદ વારાણસી નગરી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગઈ. શિવજીએ ત્રિશૂળ પર આ નગરની સ્થાપના કરી છે. વારાણસીમાં શિવ અને શક્તિનો નિવાસ છે.
ભગવાન વિશ્વનાથ કાશીમાં જ રહીને પણ સર્વવ્યાપી
તેને જરૂર જે મનુષ્ય કાશીમાં લાંબો સમય રહીને દૈવયોગે બીજે મરણ પામે તોપણ તે સ્વર્ગીય સુખ ભોગવીને અંતે કાશીને પ્રાપ્ત કરે છે અને છેવટે મોક્ષપદ પામે છે. આ ક્ષેત્ર એક વિશાળ જ્યોતિર્લિંગ સ્વરૂપ છે એમ જાણવું. સૂર્ય આકાશમાં એક જ સ્થળે હોવા છતાંય બધે દેખાય છે એમ ભગવાન વિશ્વનાથ કાશીમાં જ રહીને પણ સર્વવ્યાપી હોવાના કારણે સર્વત્ર ઉપલબ્ધ થાય છે. જે આ ક્ષેત્રનો મહિમા નથી જાણતો જેનામાં જરા પણ શ્રદ્ધા નથી તે પણ જો કાશીમાં આવે તો તે પણ નિષ્પાપ થઈ જાય છે. જો તેનું ત્યાં મૃત્યુ થાય તો તે મનુષ્ય મોક્ષ પામે છે. કાશીમાં પાપ કરીને પણ જો તે મનુષ્ય ત્યાં જ મૃત્યુ પામે તો તે પહેલાં રુદ્રપિશાચ થઈને મુક્તિ પામે છે. આ શરીરને નાશવંત સમજીને અને ગભસમયની વેદનાને યાદ કરીને મનુષ્ય આ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ. હજી હું યુવાન છું, હજી મારું મૃત્યુ દૂર છે આવી વાતો ફદીય મનમાં પણ ન લાવવી જોઈએ. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા પછી પોતાના તુચ્છ ગૃહને ત્યાગીને ભગવાન શંકરની કાશીનગરીની યાત્રા કરવી જોઈએ.
સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળીને મળે
તો આ હતી કથા કાશી વિશ્વનાથની. ‘काशी के कंकर शिव शंकर है’ એટલે કે કાશીના કાંકરે કાંકરે શંકર વસે છે. આ વિધાન જે માટે વપરાય છે એ પવિત્ર જગ્યા એટલે કાશી. કહે છે કે કાશી એટલી પાવન ભૂમિ છે કે ત્યાં કોઈનું મૃત્યુ પણ થાય તો એને સીધો મોક્ષ મળે છે. ગુજરાતીઓમાં ખાસ કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળીને મળે. વિશ્વની સૌથી પ્રાચીન નગરી એવી કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રત્યેક શ્રદ્ધાળુ હિન્દુ ચારધામનાં દશનો, કૈલાસ-માનસરોવરની યાત્રા અને કાશીમાં મરણ અને ત્યાર બાદ ગંગાજીમાં અસ્થિવિસર્જનની ભાવના રાખે છે. પ્રયાગ, કાશી અને ગયા એમ આ વિસ્તારમાં આવેલાં ત્રણ સ્થાનોની યાત્રા ત્રિસ્થલી યાત્રા તરીકે પણ પ્રચલિત છે. પુરાણોના કથન અનુસાર ભગવાન મનુની શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ૧૧મી પેઢીના વંશજ રાજા કાશના નામ પરથી ‘કાશી’ નામ આવ્યું છે.
કાશી એ એક શક્તિપીઠ પણ છે
કાશીને સત્તાવાર રીતે વારાણસી તરીકે ઓળખવામાં આવે છે. અથર્વવેદમાં વારાણસીને વરણાવતી નદી સાથે સંબંધ ધરાવતું કહેવામાં આવ્યું છે. વરણાવતી નદી અને માત્ર ચોમાસામાં જ દૃશ્યમાન થતી અસ્સી નામની ધારાની વચ્ચે આવેલું નગર વારાણસી તરીકે ઓળખાય છે. ઈ. સ. 1956માં તત્કાલીન રાજ્ય સરકારે આ શહેરનું રાજકીય નામ વારાણસી જાહેર કર્યું હતું. બનાર નામના રાજાએ આ શહેરનો વિકાસ કર્યો હોવાથી તેને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ કાશી અથવા બનારસ નામ વધારે પ્રચલિત અને રૂઢીગત જોવા મળે છે. કાશી એ એક શક્તિપીઠ પણ છે. ત્યાં 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ વિશાલાક્ષી શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટ પાસે આવેલું છે.