કેવડા ત્રીજ 2020 : કુંવારી કન્યાઓએ આ રીતે કરવી જોઇએ ત્રીજની પૂજા
- જાણો, કેવડા ત્રીજનું મહત્ત્વ અને તેનું શુભ મુહૂર્ત વિશે...
નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2020, ગુરુવાર
કેવડા ત્રીજ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીના પુન: મિલનના પ્રતીક રૂપે મનાવવામાં આવે છે. માતા પાર્વતીએ શંકર ભગવાનને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યો હતો. માન્યતા છે કે માતા પાર્વતીના તપને કારણે ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને આ દિવસે પાર્વતીજીને પોતાના પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો. ભાદરવા માસની શુક્લ પક્ષની ત્રીજ એટલે કે આ વર્ષે 21 ઓગષ્ટે હરતાલિકાઅ ત્રીજ એટલે કે કેવડા ત્રીજ મનાવવામાં આવશે.
કુંવારી છોકરીઓ માટે હરતાલિકા અથવા કેવડા ત્રીજનું મહત્ત્વ
માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપ પામવા માટે કઠોર તપ કર્યો હતો. તેના માટે તેમણે પોતાના હાથથી જાતે જ શિવલિંગ બનાવ્યું હતુ અને તેની વિધિ-વિધાનથી પૂજા કરી હતી. તેના ફળ સ્વરૂપ ભગવાન શિવ તેમને પતિ સ્વરૂપ પ્રાપ્ત થયા. કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની અભિલાષાથી કેવડા ત્રીજનું વ્રત કરે છે જેથી તેમને પણ માતા પાર્વતીની જેમ જ ઇચ્છિત વરની પ્રાપ્તિ થઇ શકે.
પૂજા મુહૂર્ત :-
સવારે 5 : 54 વાગ્યાથી સવારે 8 : 30 વાગ્યા સુધી.
સાંજે કેવડા ત્રીજ પૂજા મુહૂર્ત
સાંજે 6 : 54 વાગ્યાથી રાત્રે 9 :06 વાગ્યા સુધી.
તૃતીયા તિથિ પ્રારંભ
21 ઑગષ્ટ રાત્રે 02 : 13 વાગ્યાથી શરૂ થશે.
કેવડા ત્રીજ પૂજા વિધિ
ભાદરવા મહિનાના શુક્લ પક્ષનાં ત્રીજના દિવસે એટલે કે 21 ઑગષ્ટે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લો. ત્યારબાદ પૂજા સ્થળની સાફ-સફાઇ કરી લો. હવે હાથમાં પાણી અને પુષ્પ લઇને હરતાલિકા ત્રીજ એટલે કે કેવડા ત્રીજ વ્રતનું સંકલ્પ કરો. ત્યારબાદ સવારે અથવા પ્રદોષના પૂજા મુહૂર્તનું ધ્યાન રાખીને પૂજા કરો.